26th January selfie contest

ગાંધીનગરમાં અમિત શાહે કહ્યુ- સમગ્ર દેશના 96 ટકા જેટલા પોલીસ સ્ટેશન ઓનલાઇન થયા

PC: khabarchhe.com

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યુ હતું કે, ગુજરાત પોલીસે વર્ષોથી દેશભરમાં અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. આ પ્રકારની ટેક્નોલોજી આધારીત નવી પહેલ થકી મુખ્યમંત્રીના નેતૃત્વમાં ટીમ ગુજરાત આ પરંપરા જાળવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે, દેશના સર્વાંગી વિકાસ માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે અને તેના માટે પોલીસ વિભાગનું આધુનિકીકરણ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટે રાજ્યના નાગરિકોની સુરક્ષામાં વધારો કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની સંખ્યામાં પણ વધારો કરવો જરૂરી છે. રેલ્વે સ્ટેશન, ખાનગી સોસાયટીઓ, બંદરો, યાત્રાધામો સહિતના તમામ સ્થળો પર લાગેલા કેમેરાઓ ખાનગી હોય તો પણ તેઓની સાથે સંપર્ક કરી ટેક્નોલોજીની મદદથી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સિસ્ટમ સાથે જોડવા જોઈએ. સમગ્ર કેમેરાઓનું નેટવર્ક એક લિંકથી જોડાશે ત્યારે જ રાજ્યના સુરક્ષાચક્રની કલ્પના ખરા અર્થમાં રાજ્યના સુદર્શનચક્રમાં પરિવર્તિત થશે. રાજ્યના કોઈપણ સ્થળે કોઈ ઘટના ઘટે છે ત્યારે ત્યાં તરત જ આપણું પોલીસ તંત્ર પહોંચી શકે તેવો કનેક્ટિવિટીનો વ્યાપ વધારવા તેમણે સુચન કર્યુ હતુ.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું કે, ઈ-કોપની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દેશમાં આ પ્રકારની સેવાઓ આપવામા ગુજરાત પ્રથમ રાજ્ય હતું. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો કોમ્પ્યુટરરાઈઝ કરવામાં આવ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલથી માંડીને પોલીસ અધિકારીઓની તાલીમમાં ખાસ કોમ્પ્યુટરની તાલીમ પણ ઉમેરવામાં આવી હતી. આજે ત્રિનેત્રની પરિકલ્પના સાકાર થઈ રહી છે તેની શરૂઆત પણ આપણે ઈ - કોપથી જ શરૂ કરી હતી. ઈ-FIRની સુવિધા પણ ઈ-કોપના સોફ્ટવેરમાં હતી. ઈ-કોપથી ત્રિનેત્ર સુધીની ગુજરાત પોલીસની અદ્યતન થવાની યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને ખરા અર્થમાં સાકાર કરી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યુ કે, આજે સમગ્ર દેશના 96 ટકા જેટલા પોલીસ સ્ટેશન ઓનલાઇન થયા છે. ઇન્ડિયન સાયબર કોઓર્ડીનેશન સેન્ટરની પણ રચના કરવામાં આવી છે. આ તમામ અદ્યતન ટેક્નોલોજી ભારત સરકારે ખરીદી છે. કોઈ રાજ્ય સરકારે આ ટેક્નોલોજી અલગથી ખરીદવાની જરૂર નથી માત્ર ભારત સરકાર પાસેથી એક્સટેન્શન લેવાની જરૂર છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં 80ના દાયકાથી લઈ 2022 સુધી બહુ મોટા સકારાત્મક ફેરફારો થયા છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં આટલું મોટું પરિવર્તન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ અને ગુનેગારો સાથેના સખ્ત વલણને પરિણામે જ શક્ય બન્યુ છે. આજે રાજ્યમાં કરફ્યુ અને કોમી તોફાનો શબ્દ ભૂતકાળ બન્યા છે.

રાજ્યની દરિયાઇ સીમાઓ ઘુષણખોરીથી ત્રસ્ત હતી આજે આ તમામ દરિયાઇ સીમાઓ સુરક્ષિત થઇ છે અને ઘુસણખોરી સંપૂર્ણ બંધ થઇ છે. એટલુ જ નહિ, ઘુસણખોરી, દાણચોરી સહિતના દૂષણો આજે ભૂતકાળ બની ગયા છે. આજે રાજ્યની પોલીસે આધુનિક, ટેક્નોસેવી અને સંવેદનશીલ બની રાજ્યના વિકાસની ગતિમાં વધારો કર્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022ની રાષ્ટ્રપતિની ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી સાબિત થઈ છે. નાત-જાતથી પર વિચારધારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર કાર્ય કરી રહી છે. દેશનો સામાન્ય નાગરિક પણ દેશનું સર્વોચ્ચ પદ ધારણ કરી શકે છે. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એક સામાન્ય સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. જેમની સુ દ્રૌપદી મુર્મૂથી મહામહિમ દ્રૌપદી મુર્મૂ સુધીની સફરે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અમિત શાહે કહ્યું હતું કે, વડાપ્રધાનએ ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત તમામ રાષ્ટ્રવાસીઓને તા.13, 14 અને 15 ઑગષ્ટ દરમિયાન પોતાના ઘર ઉપર તિરંગો લહેરવવા અનુરોધ કર્યો છે. તેમણે ગુજરાતની જનતાને વડાપ્રધાનની હાકલને ઝીલી લઈ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતનું કોઈ ઘર કે કોમ્પ્લેક્ષ તિરંગા વિના બાકી ન રહે તે માટે અપીલ કરી હતી. તિરંગો ઇ-કોમર્સ વેબાસાઈટ્સ અને પોસ્ટ ઑફિસમાંથી પણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે તેમ તેમણે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp