લોકડાઉનમાં કોંગી MLAએ લોકોને ભેગા કરી જન્મદિનની ઉજવણી કરી, થઇ પોલીસ ફરિયાદ

PC: youtube.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના સંક્રમણ વચ્ચે તંત્ર દ્વારા લોકોને જાહેર સ્થળો પર અથવા તો કોઈ એક સ્થળ પર વધારે લોકોને એકઠા નહીં કરવા અને જન્મદિવસની ઉજવણી નહીં કરવા માટે અપીલ કરવામાં આવી હતી પરંતુ જાણે નિયમો નેતાઓ માટે લાગુ ન પડતાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, વારંવાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આવા વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે 27 મેના રોજ બાલાસિનોરના કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે નિયમોને નેવે મૂકી લોકોને જીવને જોખમમાં મૂકી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. 27 મેની ઘટના પછી હવે ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ અને તેમની સાથે જન્મદિવસની ઉજવણી કરનારા લોકો સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર દેશમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ હતું. લોકડાઉન વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યએ લોકોના જીવને જોખમમાં મૂકીને જન્મદિવસની ઉજવણી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બાલાસિનોરના કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ દ્વારા લોકોના જીવનને જોખમમાં મૂકી લોકોને એકઠા કરી કાયદાના ધજાગરા ઉડાવી જન્મદિવસની પાર્ટી કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણનો જન્મદિવસની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારબાદ 27 મેના રોજ ઉજવવામાં આવેલ બર્થ ડે પાર્ટીને લઈને સમગ્ર મામલે મહિસાગર જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ધારાસભ્યએ પાંડવા ગામમાં 27 મેના રોજ ગામ લોકોને એકઠા કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. તેથી પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ અને 6 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

તો બીજી તરફ આ સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્યએ લોકડાઉન વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી જાહેરનામાનો ભંગ કર્યો હોવા છતાં પણ તેમને પોલીસમાં એક અરજી આપી જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જે ફોટા અને વીડિયો વાયરલ થયા છે તે એક વર્ષ અગાઉના છે પરંતુ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા અને વીડિયો લોકડાઉન દરમિયાનના હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp