ગુજરાતમાં તળાવનું પાણી અચાનક થયુ ગુલાબી, લોકો માની રહ્યા છે ચમત્કાર

PC: satyamanthan.in

ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક ગુજરાતના બનાસકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ સ્થિત કોરેટી ગામમાં એક તળાવનું પાણી અચાનક ગુલાબી થઈ ગયુ છે. ગામના લોકો પણ એ જોઈને ચોંકી ગયા, કારણ કે આજસુધી ક્યારેય અહીં પાણી ગુલાબી નથી થયું. હવે અહીં આ ખબર ફેલાતા જ આસપાસના ગામના લોકો પણ મોટી સંખ્યામાં આ પાણીને જોવા માટે આવી રહ્યા છે. ગામના લોકોનું કહેવુ છે કે, તળાવમાં પાણી કોઈ બીજી જગ્યાએથી પણ નથી આવતું. અહીં વરસાદનું પાણી ભેગું થાય છે જે આખુ વર્ષ ગામના લોકો અને પશુઓના ઉપયોગમાં આવે છે. પરંતુ, પહેલીવાર આ પ્રકારે પાણી ગુલાબી થવા પર દરેક વ્યક્તિ ચોંકી ગઈ છે. ગામના લોકો તેને ચમત્કાર માની રહ્યા છે. તળાવના પાણીનો રંગ ધીમે-ધીમે બદલાઈ રહ્યો હતો, જેના પર કોઈએ વધુ ધ્યાન ના આપ્યું. પરંતુ, અચાનક જ પાણીનો રંગ ગુલાબી થવા પર લોકો હવે તેને નજીકમાં આવેલા મહાદેવના મંદિરનો ચમત્કાર માની રહ્યા છે.

તાલુકા વિકાસ અધિકારી કે. એ. ભાટિયાના જણાવ્યા અનુસાર, અમને પાણી ગુલાબી થવાની જાણકારી મળી તો અમે તરત અહીં એક ટીમને તપાસ માટે મોકલી આપી. પાણીના નમૂના લેવામાં આવ્યા છે. સાથે જ લોકોને કહેવામાં આવ્યું છે કે, હાલ કોઈ આ પાણીનો ઉપયોગ ના કરે.

ગામના લોકો હાલ આ ઘટનાને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે પરંતુ, એક્સપર્ટ્સનું માનવુ છે કે ગામના તળાવમાં ગટરનું પાણી પણ ભેગુ થતુ હશે, જેના કારણે કેમિકલ રિએક્શન થયુ છે અને તેના કારણે જ પાણીનો રંગ ગુલાબી થઈ ગયો છે. પાણી ગુલાબી થવાના કારણે ગામના લોકો કાશ્મીરના ખીરભાવની મંદિરની જેમ આને પણ ચમત્કાર માને છે.

માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આવુ ગુલાબી પાણી ધરાવતું તળાવ આવેલું છે. ઓસ્ટ્રેલિયાનું હીલર તળાવ જે ગુલાબી તળાવ છે તે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તે માત્ર 600 મીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલુ છે. પેપર બાર્ક અને યૂકેલિપ્ટસના વૃક્ષોથી ઘેરાયેલું આ તળાવ સમુદ્રના કિનારાની નજીક આવેલું છે. સમુદ્રના આટલા નજીક હોવા છતા પાણીના રંગમાં આટલો બધો તફાવત ત્યાં આવનારા પ્રવાસીઓને રોમાંચિત કરી દે છે.

હીલર તળાવના પાણીમાં Dunaliella Salina નામની અલ્ગી હોવાના કારણે તેના પર સૂર્યનો પ્રકાશ પડતા તે બીટા કેરાટીન નામના રંગનું દ્રવ્ય છોડે છે જે ગાજર અને બીજા શાકભાજીઓમાં પણ હોય છે. તે શરીર માટે સારું હોય છે, જેના કારણે દૂર-દૂરથી લોકો અહીં ગુલાબી પાણીમાં ન્હાવા માટે આવે છે. આ પાણીમાં મીઠાની માત્રા પણ વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp