ગરીબ, વંચિત, છેવાડાના માનવીની અપેક્ષાઓને પૂર્ણ કરવા રાજ્ય સરકાર ચાલી રહી છેઃ CM

PC: khabarchhe.com

CM ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકા તથા સુડાના રૂા.2,416 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા ગર્વભેર જણાવ્યું કે, ‘રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું 'ઘરના ઘર'નું શમણું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. દરેકને માથે છતની નેમને અનુસરીને રાજ્ય સરકારે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 10 લાખથી વધુ આવાસોનું નિર્માણ કર્યું છે, જે પૈકી લાભાર્થી પરિવારોને 7 લાખ આવાસોનું પઝેશન પણ મળી ચૂક્યું છે.’

પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને નાણા, ઉર્જા મંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉધના દરવાજા, રિંગ રોડ ખાતે આયોજિત સમારોહમાં CMએ રૂ.1,344 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના આઈકોનિક મુખ્ય વહીવટી ભવનના રૂપમાં સાકાર થનાર દેશની સૌથી ઊંચી ઓફિસ બિલ્ડીંગ સહિતના રૂ.1560 કરોડના વિકાસકાર્યોના ખાતમુહુર્ત અને રૂ.808.63 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. CMના હસ્તે રૂ.47 કરોડના ખર્ચે સુડા નિર્મિત PM આવાસ યોજનાના 503 મકાનોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ યોજાયો હતો. જેમાં પ્રતિકરૂપે 7 લાભાર્થીઓને ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા CMએ વધુમાં જણાવ્યું કે, સુરતે શહેરીકરણ, સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે સફળ કામગીરી કરી બતાવી છે. સુરત વિશ્વ કક્ષાનું શહેર બને એ માટે પાલિકાના નવા આઈકોનિક ભવન સહિત ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ અને ઈકોટુરિઝમ, તાપી શુદ્ધિકરણ, તાપી નદી પર બહુહેતુક કન્વેન્શન બેરેજ, ફ્લડ પ્રોટેક્શન વોલ, નવું ગાંધીસ્મૃતિ ભવન ઓડિટોરીયમ, શહીદ સ્મારક, સ્મીમેર હોસ્પિટલ વિસ્તરણનું કાર્ય, સ્કૂલોના રિનોવેશન અને નવી શાળાઓનું બાંધકામ જેવા વિકાસ પ્રકલ્પો પ્રગતિમાં છે, અને પ્રોજેક્ટસ ઝડપભેર પૂર્ણ થાય એ દિશામાં સુનિયોજિત કાર્ય થઈ રહ્યું છે. જનસુવિધા વધારતા પ્રકલ્પો ઝડપભેર પૂર્ણ કરવા માટે સુરત મહાનગરપાલિકાને સહાયરૂપ થવા રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

વડાપ્રધાન ગ્રીન એનર્જીના પ્રેરક છે, તેમના સ્વચ્છ ઉર્જાના વિઝન અનુસાર પુન:પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવા માટે સુરત મહાનગરપાલિકા વર્ષ 2025 સુધીમાં શહેરી બસ સેવાની તમામ બસોને ઈ-બસોમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે એમ જણાવી આ પહેલની CMએ સરાહના કરી હતી.

CMએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત્તકાળમાં દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે ત્યારે ગરીબ, વંચિત, છેવાડાના માનવીની અપેક્ષાઓને પૂર્ણ કરવા વડાપ્રધાનના ગુડ ગવર્નન્સ (સુશાસન)ના ચીલે ચાલીને રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે.

CMના હસ્તે ભૂમિપૂજન થયું તે આઈકોનિક બિલ્ડીંગ ભારતનું સૌપ્રથમ સૌથી ઊંચું G±27 માળનું પાલિકાનું નવું ઓફિસ બિલ્ડીંગ સુરતમાં આકાર લેશે. 105.3 મીટર ઊંચી G±27 માળની બે અદ્યતન આઈકોનિક ઈમારતો દેશની સૌથી ઊંચી સરકારી ઈમારત બનવાનું બહુમાન મેળવશે. જેનો રાજ્ય-કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા સંયુક્ત ઉપયોગ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp