જન સાધારણ ટ્રેનમાં શંકાસ્પદ કોવિડના દર્દીનું મૃત્યુ, કલાકો સુધી રઝળતી રહી લાશ

PC: divyabhaskar.co.in

મહાનગર અમદાવાદથી દરભંગા જતી જન સાધારણ ટ્રેનમાં કોવિડના એક શંકાસ્પદ દર્દીનું મૃત્યુ થયું છે. 50 વર્ષીય આ આધેડનું નામ રાકેશ શાહ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદથી બિહારના સમસ્તીપુર જવા માટે રાકેશ અમદાવાદ-દરભંગા ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. વડોદરાથી ગોધરા સ્ટેશન વચ્ચે ટ્રેનના જનરલ કોચમાં એમનું મૃત્યુ થયું છે.

ગોધરાના રેલવે જંક્શન પર ટ્રેન ઊભી રાખી ગોધરા રેલવે વિભાગના જાણ કરવામાં આવી હતી. આ મૃતકના ખિસ્સામાંથી કોરોના બીમારી થઈ હોવાની એક ચિઠ્ઠી મળી આવી છે. કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીનું મોત નીપજતા હવે જનરલ કોચમાં સંક્રમણ ફેલાવવાની શક્યતા વધી ગઈ છે. ગોધરા રેલવે તંત્રના સ્ટેશન માસ્તર RPF, GRP પોલીસની ટીમ ટ્રેનના મુખ્યકોચ સુધી દોડી આવી હતી. આ ઘટનાને કારણે ગોધરા સ્ટેશનેથી ટ્રેન મોડી રવાના થઈ હતી. જેના કારણે ટ્રેન પોતાના શેડ્યુલ કરતા એક કલાક મોડી પડી હતી. રેલવે વિભાગ અને સ્થાનિક તંત્ર વચ્ચે સંવાદના અભાવે મૃતદેહ કલાકો સુધી રઝળતો રહ્યો હતો. લાંબા સમય સુધી મૃતદેહ ટ્રેનના જનરલ કોચમાં પડી રહ્યો હતો. થોડા સમય બાદ મૃતદેહને જનરલ કોચમાંથી નીચે ઊતારી 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. એક તરફ રેલવેમાં કોવિડને લઈને સઘન તપાસ કરવામાં આવી રહી છે. દરેક પ્રવાસીઓના ટેસ્ટને લઈને સાવચેતી રાખવામાં આવી રહી છે. એવામાં આવી ઘટનાથી તપાસ ટીમ સામે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે.


મહાનગર અમદાવાદના રેલવે સ્ટેશન પર આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત હોવા છતાં શંકાસ્પદ દર્દી પ્રવાસ કરી રહ્યો હોવાનું સામે આવતા કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. જોકે, આ વિષય પર સ્ટેશન માસ્તર કે રેલવે વિભાગના કોઈ ઉચ્ચ અધિકારીએ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. રાજ્યમાં દિવસે દિવસે કોરોના ઘર કરી રહ્યો હોય એવું ચિત્ર છે. પોઝિટિવ કેસની સાથે મોતનો આંકડો મોટો થતા વાતાવરણ ચિંતાજનક બની રહ્યું છે. ખાસ કરીને મહાનગર સુરત, અમદાવા, વડોદરા તથા રાજકોટમાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. દિવસે દિવસે સ્મશાનમાં પણ સ્થિતિ કપરી થઈ રહી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4900થી વધારે કેસ નોંધાયા છે. રાહતની વાત એ પણ છે કે, નવ દિવસ બાદ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp