મહેસાણામાં જર્જરિત ઈમારતના મુદ્દે પાલિકાની લાલ આંખ, એક અઠવાડિયાનો આપ્યો સમય

PC: Youtube.com

મહેસાણામાં આવેલી વણીકર ક્લબ બિલ્ડિંગની છત તૂટવાની ઘટના સામે આવ્યા બાદ નગરપાલિકાના અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા છે. નગરપાલિકાના અધિકારીઓ મહેસાણામાં આવેલી જર્જરિત બિલ્ડિંગના મુદ્દે આકરા પાણીએ છે. તેવામાં હવે રાજ મહેલ શોપિંગ સેન્ટર જર્જરિત થયુ હોવાથી પાલિકાએ નોટિસ આપી છે. રાજ મહેલ શોપિંગને નોટિસ આપ્યા બાદ હવે પાલિકાના અધિકારીઓએ મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરને પાલિકાએ નોટિસ ફટકારી છે. અધિકારીઓએ કહ્યું છે કે, એક અઠવાડિયાના સમયમાં પાલિકા દ્વારા જર્જરિત ગેલેરીના ભયજનક ભાગને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે. પાલિકાએ શોપિંગ સેન્ટરના વેપારીઓને સ્પષ્ટપણે સૂચના આપી છે કે, જે વેપારીઓ એક અઠવાડિયામાં તેમના બોર્ડને નહીં ઉતારે તેમના બોર્ડ પર રવિવારે પાલિકાનું JCB ફરી વળશે.

નોટિસ મળ્યા બાદ મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરના 50 વેપારીઓ નગરપાલિકામાં ગયા હતા. તે સમયે પાલિકાના પ્રમુખ વર્ષા પટેલ, ચેરમેન કનુ પટેલ, શાસક પક્ષના નેતા કિર્તી પટેલ અને બાંધકામ શાખાના એન્જિનિયર જતીન પટેલે વેપારીઓ સાથે બેઠક કરી હતી. વેપારીઓ અને પાલિકાના સત્તાધીશો વચ્ચે થયેલી બેઠકમાં અલગ-અલગ મુદ્દે ચર્ચા થઇ હતી. ત્યારબાદ નગરપાલિકાના સત્તાધીશોએ વેપારીઓને જર્જરિત ભાગ તોડી પાડવા માટે અઠવાડિયાનો સમય આપ્યો છે. તો બીજી તરફ જર્જરિત ભાગને ઉતારી લેવા માટે વેપારીઓએ સહમતિ દર્શાવી હતી.

વેપારીઓ અને સત્તાધીશોની બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો હતો કે, વેપારીઓ એક અઠવાડિયા સુધીમાં તમામ બોર્ડ ઉતારી લેશે અને ત્યારબાદ પાલિકા જર્જરિત ગેલેરીનો ભયજનક ભાગ તોડી પાડશે. આ મુદ્દતના સમયમાં જો વેપારી તેમના બોર્ડને નહીં ઉતારે તો તેમના બોર્ડ પર રવિવારે પાલિકાનું JCB ફરી વળશે.

મહેસાણા નગરપાલિકામાં રજૂઆત કરવા આવેલા વેપારીઓએ કહ્યું હતું કે, બિલ્ડિંગનો અમુક ભાગ સારો છે અને 30થી 40 ટકા જેટલો ભાગ જર્જરીત થયો હોવાથી આ ભાગનું રીનોવેશન કરાવવું જરૂરી છે. તો બીજી તરફ પાલિકાના પ્રમુખ, ચેરમેન અને શાસક પક્ષના નેતા દ્વારા આ સમસ્યા ફગાવી દેવામાં આવી હતી અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરના રિપોર્ટ મુજબ, 70 બિલ્ડીંગો રિસ્ટોરેશન હોવાનું કહ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે, પાલિકાએ આપેલી મુદ્દતમાં વેપારીઓ પોતાના બોર્ડ હટાવે છે કે પછી વેપારીઓના બોર્ડ પર પાલિકાનું JCB ફરી વળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp