CMના કાર્યક્રમમાં વિદ્યાર્થીની હાજરી બતાવવા જીવના જોખમે બાળકોને લઇ જવાયા

PC: youtube.com

એક તરફ રાજ્ય સરકાર દ્વારા પ્રવાસ દરમિયાન બાળકોની સુરક્ષાને લઇને નવા નવા નિયમ બહાર પાડવામાં આવે છે. આ નિયમો એટલા આકારા હોય છે કે, જેનું સંપૂર્ણપણે પાલન કરવા માટે શાળાઓ દ્વારા પ્રવાસની તૈયારીઓ બે મહિના પહેલા શરૂ કરવી પડે છે, પરંતુ વાત જ્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમની આવે ત્યારે શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઇ જતા નિયમો શોભાના ગાંઠિયા સમાન બની જતા હોય છે. કારણ કે, મુખ્યમંત્રીની સભામાં વધારે બાળકોની હાજરી બતાવવા માટે શાળાના વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં ઘેટાં-બકરાની જેમ ભરીને લઈ જવામાં આવે છે અને આટલું જ નહીં બાળકો વાહનની અંદર ન સમાય તો તેમને વાહનની ઉપર બેસાડવામાં આવે છે. ન કરે નારાયણ અને રસ્તામાં આ વિદ્યાર્થીઓ ભરેલા વાહન સાથે દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોની?

એક રિપોર્ટ અનુસાર, દાહોદમાં ઠક્કર બાપાની 150મી જન્મજયંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવવાના હોવાથી આ કાર્યક્રમમાં બાળકોની ભીડ બતાવવા માટે સ્કૂલ યુનિફોર્મના મોટી સંખ્યામાં બાળકોને ખાનગી વાહનોમાં જીવના જોખમે કાર્યક્રમ સ્થળ પર લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને પરત લઇ જવામાં આવ્યા હતા.

એક-બે નહીં પરંતુ મોટી સંખ્યામાં બાળકોને વાહનોમાં જીવના જોખમે ભરવામાં આવ્યા હતા. બાળકો ટેમ્પામાં કે વાહનની સીટમાં ન સમાય તો બાળકોને વાહનની છત પર બેસાડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમનું ઉલ્લંઘન જોવા મળ્યું તો બીજી તરફ ટ્રાફિકના નિયમોના તો લીરેલીરા ઉડી ગયા. મહત્ત્વની વાત એ છે કે, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઘણા પોલીસ ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્ત માટે હાજર રહે છે. તેમણે પણ બાળકોને આ પ્રકારે કાર્યક્રમમાં લાવવા બદલ જવાબદાર સામે કાર્યવાહી ન કરી.

આ બાબતે ભીલ સેવા મંડળના પ્રમુખ શાંતિ નીનામાએ જણાવ્યું હતું કે, બાળકોને વાહનોની ઉપર બેસાડવા નહીં અને બધા જ બાળકોને હાનિ ન થાય અને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે લાવવા બાબતે અમારા દ્વારા સૂચના આપવામાં આવી હતી. છતાં અમે કાર્યક્રમમાં હતા એટલે અમારા ધ્યાન પર આ વાત નહીં, આવી આ બાબતે અમે ચોક્કસ તપાસ કરાવી લઇશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp