સાસરીયાના ત્રાસથી કંટાળી આપઘાત કરવા પહોંચેલી પાલનપુરની મહિલાને અભયમની ટીમે બચાવી

PC: unsplash.com

લગ્ન બાદ પરિણીતા પર સાસરીયાઓએ ત્રાસ ગુજાર્યો હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવ્યા છે. ક્યારેક સાસરીયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ આપીને ઘરની બહાર કાઢી મુકવામાં આવી હોવાના અથવા તો કરિયાવર માટે પરિણીતાને માર માર્યો હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. તો આવી ઘટનાઓમાં ક્યારેક પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાની પણ ઘટના સામે આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની એક પરિણીતા પાલનપુર રેલવે સ્ટેશન પર આપઘાત કરવા માટે પહોંચી હતી. પણ અભયમની ટીમની સતર્કતાના કારણે આ મહિલાનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ અભયમની ટીમ દ્વારા આપઘાત કરવા પહોંચેલી મહિલાના પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મહિલાને તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં રહેતી એક યુવતીના લગ્ન તેના પરિવારના સભ્યોએ તેની મરજી વગર કરાવ્યા હતા. તેથી આ યુવતીને તેનો પતિ પસંદ નહોતો. છતા પણ યુવતીના માતા-પિતા દ્વારા તેના લગ્ન કરાવી દઈને તેને સાસરીયે મોકલી દેવામાં આવી હતી. યુવતીના લગ્ન મરજી વગર થયા અને સાસરીમાં પણ પરિણીતા પાસે કડક નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું હતું. સાસરીયાઓ દ્વારા પરિણીતાને ઘરની બહાર નીકળવા દેવામાં આવતી નહોતી. આ ઉપરાંત, તેને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. સાસરીયાઓના આ પ્રકારના ત્રાસના કારણે પરિણીતાએ આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. તેથી પરિણીતા આપઘાત કરવા માટે રેલવે ટ્રેક પર પહોંચી હતી.

પરિણીતા રવિવારના રોજ પાલનપુરના રેલવે સ્ટેશન પર મોડી રાત્રે પહોંચી હતી. જ્યારે પરિણીતા આપઘાત કરવા માટે રેલવે ટ્રેક પર પહોંચી ત્યારે કોઈ વ્યક્તિએ આ બાબતે માહિતી બનાસકાંઠા મહિલા અભયમ હેલ્પલાઈનની ટીમને આપી હતી. તેથી મહિલા અભયમ હેલ્પલાઈનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ પરિણીતાને આપઘાત કરતા અટકાવી હતી. પરિણીતાની પોલીસ દ્વારા જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે અભયમની ટીમને કહ્યું હતું કે, તે ટ્રેનની નીચે કપાવા માટે આવી છે. તે સાસરીયાઓના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગઈ છે. ત્યારબાદ મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલરોએ પરિણીતાનું કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ મહિલા અભયમની ટીમ દ્વારા પરિણીતાના ભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પરિણીતાને તેના ભાઈને સોંપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp