અરવલ્લીમાં મૃત્યુના 5 મહિને યુવક ઘરે આવ્યો, તેની હત્યાના કેસમાં 2 ભાઈને જેલ થઇ

PC: Youtube.com

તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ પરિવારજનોએ તેની અંતિમવિધિ કરી હોય ત્યારબાદના પાંચ મહિના પછી મૃતક વ્યક્તિ ફરીથી તેમના ઘરે પરત આવ્યો હોય. આવો એક કિસ્સો અરવલ્લીના મેઘરજમાં સામે આવ્યા છે કે, જેમાં એક યુવાનની અંતિમવિધિ તેના પરિવારના સભ્યો દ્વારા પાંચ મહિના પહેલાં કરવામાં આવી હતી અને યુવકની હત્યાના કેસમાં યુવકના જ ભાઈઓને પોલીસ દ્વારા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. અંતિમવિધિના પાંચ મહિના પછી યુવક જીવતો ઘરે આવતા પરિવારના સભ્યો પણ ચોંકી ગયા હતા. પરિવારના સભ્યોને હકીકત જણાવતા યુવકે કહ્યું હતું કે, તે પાંચ મહિના પહેલા વતનથી દૂર રોજગાર માટે ચાલ્યો ગયો હતો પરંતુ લોકડાઉનના કારણે ઘરે પરત ફરી શક્યો નહોતો પરંતુ આ ઘટનામાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે, પોલીસે જે ભાઈની હત્યા કેસમાં બે સગા ભાઈઓને જેલમાં પૂરી દીધા હતા. તે ભાઈ જીવતો નીકળ્યો તો પોલીસે કયા આધારે બે યુવકોને હત્યાના કેસમાં જેલમાં ધકેલી દીધા.

રિપોર્ટ અનુસાર અરવલ્લીના મેઘરજના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરી ગામ વિસ્તારમાંથી 6 ફેબ્રુઆરીના રોજ પોલીસને ખેતરમાંથી ચાદરમાં લપેટાયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી યુવકના મૃતદેહને કબજો લઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. પોલીસે યુવકના હાથના લખાણ અને તેના જમણા પગમાં સળિયાંના આધારે યુવકની ઓળખ કરવા માટે લોકોને પૂછપરછ કરી હતી. લોકોની પૂછપરછ દરમિયાન આ યુવક રાજસ્થાનના રાસતાપાલ ગામમાં રહેતો ઈશ્વર મનાત હોવાનું સામે આવ્યુ હતું.

પોલીસે ઈશ્વરના મૃતદેહને તેમનાં પરિવારજનોને સોંપ્યો હતો અને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઇસરી પોલીસ દ્વારા હત્યાના કેસમાં ઈશ્વરના બે ભાઈઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી બંનેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા પરંતુ આ ઘટનાના પાંચ મહિના પછી ઈશ્વર મનાતને પરિવારના સભ્યો મૃતક માની રહ્યા હતા, તે ઈશ્વર પાંચ મહિના પછી ઘરે પરત ફર્યો હતો.

ઈશ્વરને જીવતો જોઈને પરિવારના સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને પરિવારના સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઈશ્વરે પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે, તે પાંચ મહિના પહેલા મજૂરી કામ કરવા માટે જૂનાગઢ ગયો હતો પરંતુ જ્યારે પરત ફરવાનો પ્રયાસ કરતો હતો ત્યારે કોરોનાની મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું.

આ સમગ્ર મામલે ઇસરી પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી રહી છે. મહત્ત્વની વાત છે કે, ઈશ્વરના ભાઇઓએ હત્યા ન કરી હોવા છતાં પણ પોલીસે બન્ને ભાઈઓને માર મારીને હત્યાનો ગુનો કબૂલ કરવા માટે મજબૂર કર્યા હતા. આ વાત ઈશ્વરના સગા ભાઇઓએ કરી હતી. ઈશ્વર પાંચ મહિના પછી જીવતો ઘરે પરત ફર્યો છે, તો પોલીસે કયા પુરાવાના આધારે ઈશ્વરના સગા ભાઇઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો અને બંનેને જેલમાં પૂરી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp