ગુજરાતના આ ગામની કરિયાણાની દુકાનમાંથી ચોર માત્ર તમાકુનો જથ્થો ચોરી ગયા

PC: youtube.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધતા રાજ્ય સરકાર દ્વારા ફરીથી કેટલાક પ્રતિબંધ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. હાલ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસો 24 કલાકમાં 7 હજાર કરતાં પણ વધારે નોંધાઈ રહ્યા છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ વધારો કર્યો છે. તો લગ્ન પ્રસંગમાં લોકોની સંખ્યામાં ઘટાડો કર્યો છે. તો રાજ્યમાં ધોરણ 1થી 9ની શાળાઓ ઓફલાઈન 31 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા કેસને લઈને ફરીથી લોકડાઉનની ભીતિ સેવાઈ રહી છે અને કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનના સમયમાં ઘણી દુકાનોમાંથી તમાકુ, માવા, ગુટખા ચોરાયા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આવી જ એક ઘટના દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં સામે આવી છે કે, જ્યાં કરિયાણાની દુકાનમાંથી ચોર ઈસમો તમાકુના ડબ્બાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

રિપોર્ટ અનુસાર દહેગામ તાલુકામાં કડજોદરા ગામમાં બસ સ્ટેશનની નજીક મહેન્દ્રસિંહ રાજપૂત નામના વ્યક્તિ શ્રીનાથજી કરિયાણાની દુકાન ચલાવે છે. મોડી રાત્રે ચોર તસ્કરોએ મહેન્દ્રસિંહ રાજપૂતની શ્રીનાથજી કરિયાણાની દુકાને ચોરી કરવા માટે નિશાન બનાવી હતી અને મોડી રાત્રે ચોર તસ્કરો દુકાનનું શટર કોઈ સાધન વડે ઊંચું કરીને દુકાનની અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ આ ઈસમો દુકાનમાં રહેલો અન્ય સામાન લઈ જવાના બદલે કરિયાણાની દુકાનમાંથી તમાકુના ડબ્બાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત દુકાનમાં રહેલા 5 હજાર રૂપિયાની રોકડ પણ ચોરી કરીને ચાલ્યા ગયા હતા.

જ્યારે સવારે દુકાન માલિક મહેન્દ્રસિંહ રાજપૂત તેમની દુકાન પર આવ્યા અને તેમને દુકાનનું શટર તૂટેલું જોતાં તેમના હોશકોશ ઉડી ગયા હતા. ત્યારબાદ દુકાનની અંદર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, દુકાનમાં રહેલા તમાકુના જથ્થાની ચોરી થઈ છે અને તમાકુનો જથ્થો આશરે 96 હજાર રૂપિયાનો હતો. મહેન્દ્રસિંહ રાજપૂતની દુકાન હોલસેલની દુકાન હોવાના કારણે મોટી માત્રામાં તેમાં અન્ય કરીયાણાનો સામાન અને તેલના ડબ્બા હતા પરંતુ ચોર આ સામાન લઈ ગયા ન હતા. માત્ર તેઓ દુકાનમાંથી તમાકુના ડબ્બાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ મહેન્દ્રસિંહ રાજપૂત તે પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે ચોરીનો ગુનો દાખલ કરી આસપાસની દુકાનોમાં કે, આસપાસના કોમ્પલેક્સમાં લાગેલા CCTV કેમરાના ફૂટેજની તપાસ કરી હતી. ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મોડી રાત્રે એક વ્યક્તિ મહેન્દ્રસિંહની દુકાન તરફ જઈ રહ્યો છે. તેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોર ઇસમે પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. મહત્ત્વની વાત એ કહી શકાય કે, શ્રીનાથજી કરિયાણાની દુકાનમાં ચોરી થઈ છે. આ દુકાન કડજોદરા પોલીસ ચોકી નજીક આવેલી છે તેથી જાણે પોલીસને ચોર ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવું આ કિસ્સા પરથી લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા કેટલા સમયમાં ચોરોની ધરપકડ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp