મહેસાણાનો રાજકીય નકશો બદલવા પાછળ શું છે ભાજપની ચાલ?

PC: mehsanadp.gujarat.gov.in

લોકસભાની ચૂંટણી આવતાં જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના રાજકીય નક્શાઓમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે, જેની શરૂઆત મહેસાણા શહેરથી થઈ રહી છે. મહેસાણા સહિત ગુજરાતના નવ એવાં શહેરો નક્કી કરાયા છે કે જેમાં નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં ફેરવવા માટે કામ થશે. જેની શરૂઆત મહેસાણાથી થઈ છે. મહેસાણા નગરપાલિકા પાસેથી છેલ્લાં ત્રણ વર્ષની આવકની અને બીજી વિગતો રાજ્ય સરકારે મંગાવી છે.

મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે કવાયત હાથ ધરી છે. ખાસ કરીને નાણામંત્રી નીતિન પટેલ મહેસાણાને મહાનગરપાલિકા બનાવવા માટે સક્રિય છે. જો મહેસાણાને મહાનગરપાલિકાનો દરજજો મળે તો તેમને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાંથી નાણાં મળવાનું શરૂ થઈ શકે છે. લોકો પર ભારે કરવેરાનું ભારણ પણ આવી શકે છે. મિલકત વેરો અત્યારે જે છે તેનાથી ચાર ગણો થશે. પાણી વેરો, એજ્યુકેશન સેસ જેવી કેટલીક બાબતો પણ વેરા પેટે મહાનગરપાલિકા ઉઘરાવશે. જે બજેટ છે તે વધીને ઘણું મોટું થઈ શકે છે. કેટલાંક નવા વિસ્તારો પણ મહેસાણામાં ઉમેરવા માટે કવાયત હાથ ધરીને મહેસાણાની આજુબાજુના 40 જેટલાં ગામડાઓને પણ મહેસાણા મહાનગરપાલિકા સાથે ઉમેરી દેવામાં આવે એવી પણ એક શક્યતા છે. આ માટે તમામ વિગતો એકઠી કરી રહી છે.

સરકાર તરફથી મળતી ગ્રાન્ટ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મળતી ગ્રાન્ટની વિગતો મોકલી આપવા આદેશો કરાયા છે. પાલિકામાં સ્ટાફ અને એમને આપવામાં આવતા પગારની વિગતો પણ માંગવામાં આવી છે. નિયમ એવો છે કે કોઈ પણ શહેરની વસતી અઢી લાખ કરતાં વધારે હોય તો મહાનગરપાલિકાનો દરજજો આપવામાં આવે છે. જોકે તેમાં ગાંધીનગર શહેર અપવાદ છે. મહેસાણા શહેરની અત્યારે વસતી બે લાખની આસપાસ છે. જો આસપાસના વિસ્તારો ઉમેરવામાં આવે તો જ અઢી લાખની વસ્તી થઈ શકે એમ છે તેથી આમ 50,000ની વસ્તી ઉમેરાય તો મહાનગરપાલિકાનો દરજજો આપવામાં આવશે. એક દરખાસ્ત પણ તૈયાર થઈ રહી છે કે મહેસાણા આસપાસના 19થી 20 ગામોને સમાવી લેવા અને એમ કરીને પચાસ હજાર વસતી વધારીને દાવો પાકો કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp