ગુજરાતનું એક ગામ જ્યાં બધા જ કરોડપતિ છે

PC: google.com

કચ્છનું નામ પડે એટલે તમને 2001નો 26 જાન્યુઆરીનો ભૂકંપ અને તેને પગલે થયેલી બેહાલી યાદ આવી જાય. એ ભીષણ ભૂકંપે જે તબાહી મચાવી દીધી હતી, તેનો જરાય ખ્યાલ હોય તો તમે વિચારી પણ ન શકો કે ધરતીકંપ પછી કચ્છ વિકાસ સાધી શક્યું હોય. કચ્છની પ્રજા મહેનતું છે અને તેને કારણે જ આજે કચ્છ બેઠું થઇ ગયું છે. કચ્છની પ્રજાએ વિકાસનો પંથ એવો કંડાર્યો છે કે તેની નોંધ લેવી પડે. કચ્છનું બળદીયા એક એવું જ ગામ છે.

આ ગામ 'વૃષપુર' નામથી પણ પ્રચલિત છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે

બળદીયા ગામ એવું છે કે જાણે તમે યુરોપમાં પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થઇ જાય. પહોળા રસ્તા અને સુંદર મકાનો જોતાં જ તમને સમૃધ્ધિની ઝલક અવશ્ય મળી જાય. અહીંની આઠ બેન્કોમાં બે વર્ષમાં 1500 કરોડ રૂપિયા જમા થયા છે અને પોસ્ટમાં પણ લોકોએ 500 કરોડ જમા કરાવ્યા છે. સીધો અર્થ તમે એમ કાઢી શકો કે આ તો કરોડપતિનું ગામ છે. આ સમૃધ્ધિ અહીંની પ્રજાએ વિદેશમાં મહેનત કરીને મેળવી છે. મોટા ભાગના પરિવાર વિદેશમાં વસે છે. ખાસ કરીને આફ્રિકન દેશો અને બ્રિટનમાં લોકો ઘણા વસે છે. સેશલ્સ અને હવે ઓસ્ટ્રેલિયા જઇને વસનારાઓની સંખ્યા પણ મોટી છે.

વિદેશમાં મહેનત કરીને બે પાંદડે થનારા લોકોની વસ્તી વધુ છે. જો કે પૃથ્વીનો છેડો ઘર એમ કહેવાય, એ છેડો અહીંના લોકોનો કચ્છમાં જ આવે છે. અહીં મોટા ભાગના લોકો ત્રણ મહિના રહીને પાછા વિદેશ જતા રહેતા હોય છે. શિયાળુ પક્ષીઓની જેમ મોટા ભાગના વડિલો શિયાળો બેસતાં જ અહીં આવી જતા હોય છે. હાડ થીજાવી દે એવી ઠંડીમાં ધ્રૂજવાને બદલે વતનની મહેંકથી તૃપ્ત થવા માટે આવી જતા હોય છે.

અહીં આવતા હોવાને પગલે આધુનિક ઘરો બની ગયા છે. વિદેશમાં રહેવાને પગલે અહીં પોતાની સુખ સગવડને ધ્યાનમાં લઇને વિકાસ કરાયો છે અને તેને કારણે જ બળદીયા ગામમાં પહોંચો એટલે તમને કોઇ વિદેશના નગરમાં ફરતા હોય એવો અનુભવ જરૂર થયા વિના ન રહે. બેન્ક અને પોસ્ટ ખાતામાં જમા રકમને આધારે તમે સમજી જ જાવ કે આ તો કરોડપતિઓનું ગામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp