અને પછી હું શહીદોના પરિવારો માટે ભલાઈના કામ કરવા લાગી

PC: tarksangat.com

જ્યારે 1991મા મારા લગ્ન કેપ્ટન શફિક ગૌરી સાથે થયા ત્યારે મારી ઉંમર 19 વર્ષની હતી. તેમની બદલી હંમેશાં થતી રહેતી અને તેઓ હંમેશાં લાંબા સમય માટે મારાથી દૂર રહેતાં હતાં. શરૂઆતમાં મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ તેઓ મને સમજાવતા કે એક સૈનિકની પત્ની હોવું કેવું હોય છે. એ જમાનામાં મોબાઈલ ન હતાં. હું કલાકો સુધી ફોનની પાસે બેસીને તેમનાં ફોનની રાહ જોયા કરતી હતી.

અમે બંને એકબીજાને પત્ર લખતા હતાં. મારા પતિ એ ખાતરી કરતા હતા કે મને રોજે એક પત્ર મળે. હું તેમના માટે નાની નાની નોટ લખતી હતી અને તેમનાં સામાનમાં કોઈને કોઈ સરપ્રાઈઝ છૂપાવતી હતી.

આગામી કેટલાંક વર્ષોમાં તેમની પોસ્ટિંગ કેટલીક ખતરનાક જગ્યાઓ પર થઈ. તે સમયમાં પંજાબ અને પૂર્વીય વિસ્તારો ખતરનાક હતાં. તેમની પોસ્ટિંગ ત્રિપુરા, શ્રીનગર અને પંજાબ કરવામાં આવી હતી. તેઓ ઘણા દિવસ ઘરની બહાર રહેતા હતા. પરંતુ ત્યાં સુધી મેં પોતાને મજબૂત કરી લીધી હતી. મેં પોતાનું અને બાળકોની સારસંભાળ રાખવાનું શરૂ કર્યું. હું જાણી ગઈ હતી કે તેમનો પહેલો પ્રેમ દેશ છે, અને પત્ની-બાળકો બીજા નંબર પર આવે છે.

1999મા તેઓ શ્રીનગરમાં ફિલ્ડ પોસ્ટિંગ પર હતાં. તે એક ખૂબ જ ખતરનાક વિસ્તાર હતો એટલા માટે પરિવારને સાથે રહેવાની મંજૂરી ન હતી. 28 જૂન, 2001ના દિવસે અમે છેલ્લી વાર એકબીજા સાથે વાત કરી હતી. તેણે અમારા હાલચાલ પૂછ્યાં અને જણાવ્યું કે તેઓ એક સૈન્ય અભિયાન માટે જંગલમાં છે. તે છોકરાઓ સાથે વાત કરવા ઇચ્છતા હતા પરંતુ બાળકો પોતાના કઝીન સાથે રમતા હતાં અને ખૂબ જ અવાજ આવતો હતો, તેથી મેં તેમને કહ્યું કે બેસ પર આવી કોલ કરે અને બાળકો સાથે વાત કરે. મને આજે એ વાતનો ખૂબ જ અફસોસ થાય છે.

1 જુલાઈ, 2001ના રોજ સાંજે સાડા છ વાગ્યે કેટલાંક સૈન્ય અધિકારીઓ અને તેમની પત્નીઓ અમારા ઘરે આવ્યાં. અચાનક એક મહિલાએ મને બેસાડી અને કહ્યું કે મેજર ગૌરી હવે નથી રહ્યાં. તે પોતાની વાત જણાવી ચૂકી હતી પરંતુ મને લાગ્યું કે મેં કંઈ ખોટું સાંભળ્યું છે. તેમણે જણાવ્યું કે સવારથી તે અમારો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યાં છે, પરંતુ ફોન લાઈનમાં ખરાબી હોવાનાં કારણે કરી શકતા ન હતાં.

ઓપરેશન રક્ષક દરમિયાન ઉગ્રવાદીઓ સાથે થયેલી લડાઈમાં મેજર ગૌરી શહીદ થઈ ગયા હતા અને તેની સાથે મારા માથા પર આભ ફાટી ગયું હોય તેવું લાગતું હતું. તે છેલ્લો દિવસ હતો જ્યારે મને તેમનો પત્ર પ્રાપ્ત થયો હોય.

આગળના દિવસે હું તેમને રિસિવ કરવા છેલ્લીવાર એરપોર્ટ ગઈ. આ વખતે તેઓ એક બોક્ષમાં આવ્યા. તેમણે તિરંગાની ચાદર ઓઢેલી હતી. હું ખૂબ જ રડવા લાગી. તેમણે હંમેશાં મને મજબૂત રહેવા માટે કહ્યું હતું. જ્યારે અમે છેલ્લીવાર વાત કરી હતી ત્યારે પણ તેમણે મને આજ કહી હતી. પરંતુ મેં તેમના વગર મારા જીવનની કલ્પના જ ન કરી હતી.

મેં તેમના કપડાં અને યુનિફોર્મને એક બોક્ષમાં મૂકી દીધા. મેં તેમના કપડાંને 8 વર્ષ સુધી ધોયા ન હતા કારણ કે હું તે ભાવનાઓ અને લાગણીઓ સાથે રહેવા ઇચ્છતી હતી. તેમના પૈસા હજી સુધી તેમના વૉલેટમાં છે. હું આજે પણ તેમના પત્રો વાંચું છું. મેં એક મા અને પિતાની ભૂમિકા નિભાવવાની કોશિશ કરી છે, પરંતુ જ્યારે હું બાળકોને તેમના માતા-પિતા સાથે રમતા જોવ છું ત્યારે હું મારા આંસુ રોકવાની કોશિશ કરું છું.

આજે હું કર્ણાટકમાં શહીદોના પરિવારો અને તેમની વિધવા સ્ત્રીઓને મદદ કરવાની કોશિશ કરું છું. જ્યારે મેજર શફીક ગૌરી શહીદ થયા ત્યારે મારી ઉંમર 29 વર્ષની હતી. લોકોએ મને જિંદગીમાં આગળ વધવા માટે કહ્યું પરંતુ મેં કહ્યું કે તેઓ મારી સાથે હતા અને હંમેશાં રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp