26th January selfie contest

શ્રીમંતો સુધી પહોંચેલો કોરોના ગરીબો સુધી પહોચે નહીં માટે આપણે આટલુ કરવુ પડશે

PC: Khabarchhe.com

કોરાના સામેની લડાઈ વિશ્વ આખુ લડી રહ્યુ છે.આ એવી લડાઈને દેશની સાથે પ્રત્યેક ઘર અને વ્યકિતએ લડવાની છે કારણ એકલી સરકાર આ લડાઈ લડવા જશે તો આપણે બધા હારી જઈશુ. સરકારે આ લડાઈ કેવી રીતે લડવાની તેની વ્યુહ રચના બનાવી છે. સરકાર તે પ્રમાણે લડી રહી છે.દેશની કેન્દ્ર સરકાર અને રાજય સરકારો પણ પોતાની પુરી તાકાત લગાવી રહી છે, પણ એક વ્યકિત અને ઘર તરીકે પણ આ લડાઈમાં આપણી કેટલીક જવાબદારી છે જો તે જવાબદારી ઉપાડી આપણે આ લડાઈનો હિસ્સો બનીશુ તો મને લાગે છે કે વિશ્વ આખા કરતા ઓછી ખુવારી આપણે ત્યાં થશે.

વિશ્વના દેશો કરતા આપણી સ્થિતિ ટેકનીકલી ભલે ઓછી હોય છતાં આપણી જીવન પધ્ધતી અને ટેવો કેરોના સામેની જમા બાજુ છે.સૌથી પહેલા કોરોનાની દવા ભલે હજી સુધી શોધાઈ નથી, પણ આપણું શરીર અને કોરાના થતાં પહેલા તેની સામે લડી શકે તેવો ખોરાક આપણો છે. દેશી દવાઓ છે.વૈજ્ઞાનિક રીતે આપણે ભલે તેને સાબીત કરી શકતા નથી અથવા આપણી જીવન પધ્ધતિને કારણે રોગપ્રતિકારક શકિત વિશ્વના બીજા દેશો કરતા કઈક ચડીયાતી છે તેઓ સાબીત કરવાની જરૂર પણ નથી. આ ઉપરાંત જે દેશોમાં કોરોનાની અસર થઈ ત્યાં સ્ટોર અને બેંકોમાં કતારો લાગી ગઈ છે તેવુ આપણા દેશમાં કેમ નથી તેનું કોઈને આશ્ચર્ય થતુ નથી.

પરંતુ તેનું કારણ પણ આપણી જીવન પધ્ધતિ છે.વિશ્વના મોટા ભાગના લોકો પાસે ઘરમાં બે સપ્તાહ ચાલે એટલો ખોરાકનો જથ્થો હતો, જયારે આપણે ત્યાં ખાસ કરી મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં આખા વર્ષનું અનાજ ભરવાની આદત છે. જેના કારણે બજારો બંધ થઈ જશે અને લોકડાઉન થઈ જશે તો આપણે શુ જમીશુ તેવી ચીંતા મધ્યમ વર્ગને થતી નથી.તેમની પાસે અનાજ અને કઠોળ હોય છે. આવી જ સ્થિતિ ચાલુ રહી તો બે મહિના સુધી પણ ઘરની બહાર નિકળ્યા વગર મધ્યમ વર્ગ નભી જશે. કોરાના સામેની લડાઈમાં સૌથી મોટી જીત ત્યારે જ થાય જયારે આપણે પોતાને કોરોન્ટાઈન કરી લઈએ. ભારતના મધ્યમ વર્ગ પાસે બે મહિના ચાલે એટલુ તો અનાજ છે તેની સાથે નોકરી ધંધો કર્યા વગર ચાલી જાય એટલી બચત પણ હોય છે.

વિશ્વના દેશોમાં સામાન્ય માણસો પાસે બચત સહિત જે કઈ ગણો તે બધુ જ બે સપ્તાહ ચાલે એટલુ જ હોય છે કારણ ત્યાં બચત કન્સેપ્ટ જ નથી. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ પોતાને બે મહિના ઘરમાં રાખી કોરોન્ટાઈન કરી કોરોના સામે જીતી જશે તેવુ માની લેવાની ભુલ પણ કરવા જેવી નથી.કારણ આપણે ત્યાં મધ્યમ વર્ગ કરતા ગરીબોની સંખ્યા વધારે મોટી છે. જે લોકો રોજ કમાઈ રોજ ખાય છે.તેઓ પોતાની બચતમાંથી એક સપ્તાહ કાઢી નાખશે, હાલમાં માત્ર શ્રીમંતોને લાગી રહેલો કોરોના ગરીબો સુધી પહોંચે નહીં તેની સંભાળ આપણે લેવી પડશે.ગરીબ માણસ પણ કોરોન્ટાઈન થાય તે જરૂરી છે. કારણ જો ગરીબીમાં કોરોના પહોંચ્યો તો લાશો ઉપાડનાર પણ આપણને ઓછા પડશે કારણ તેઓ ગીચ વસ્તીમાં રહે છે.

ગરીબો પોતાને કોરાન્ટાઈન કરે તે માટે આપણે ત્યાં કામ કરવા આવતી વ્યકિતને આપણે આખા મહિનાનો પગાર આપી કહેવુ પડશે કે અમે અમારૂ કામ જાતે કરી લઈશુ પણ તુ આ પગાર લઈ અનાજ ભરી તારા ઘરમાં ભરાઈ રહે. આ ઉપરાંત આપણી આસપાસ એવા પણ પરિવાર હશે જેઓ આપણે ત્યાં કામ ભલે કરતા નથી પણ રોજમદાર છે આપણે દરેકે આવા એક પરિવારને બે મહિના માટે દત્તક લઈ તેમને મહિનાનું કરીયાણુ ભરી આપી રોજમદારી માટે બહાર નહીં જવાની ફરજ પાડવી પડશે.આ ગરીબોના પેટમાં અનાજ હોય તે જરૂરી કારણ જો તેઓ પેટ માટે બહાર રહેશે તો કોરાનાના સૌથી મોટા વાહક બની શકે છે.સરકાર બધુ જ કરી શકશે નહીં કોઈક નાનકડી જવાબદારી આપણે પણ ઉપાડીએ.

પ્રશાંત દયાળ

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp