અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે હોય છે ન્યુક્લિયર ફૂટબોલ, શું તેનું બટન તે દબાવી શકે?

PC: nbcnews.com

અમેરિકાના નવા વરાયેલા રાષ્ટ્રપતિનો પદગ્રહણ સમારોહ 20 જાન્યુઆરીએ પુરો થયો. આ ખાસ દિવસે તત્કાલિન રાષ્ટ્રપતિ નવા રાષ્ટ્રપતિને ન્યૂકલિયર ફુટબોલની સોંપણી કરવાની પરંપરા છે. આ ન્યૂકલિયર ફુટબોલને એક રીતે અમેરિકાની પરમાણુ શકિતઓ માનવામાં આવે છે. તો શું અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે એવી સત્તા હોય છે કે તેઓ કયારેય પણ ન્યૂકલિયર બટન દબાવી શકે? તો આજે અમે તેના વિશે તમને  માહિતી આપીશું.

અમેરિકા પુરી દુનિયામાં પોતાની પરમાણુ શકિત માટે પણ જાણીતું છે. અમેરિકામાં ન્યૂકલિયર બટનને ન્યૂકલિયર ફુટબોલ કહેવામાં આવે છે અને તેને એક બ્રિફ કેસમાં રાખવામાં આવે છે. રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં હોય કે દેશની બહાર ગયા હોય આ ફુટબોલ તેમની સાથે હમેંશા રાખવામાં આવે છે. કાળા રંગના બ્રિફ કેસમાં એક સીસ્ટમ હોય છે, જેમાં લોંચ કોડ નાંખવાનો હોય છે.

ન્યૂકલિયર ફુટબોલમાં ટેકનિકલ રીતે કોઇ બટન હોતું નથી, પણ કેટલાંક નક્કી કરેલા નિયમો, પાલન અને હાઇટેક ઇકવિપમેન્ટસના માધ્યમથી રાષ્ટ્રપતિ સૈન્યને ન્યૂકલિયર હુમલાની સુચના આપી શકે છે. આ ઇકવિપમેન્ટ ઉપયોગ કરવાનો આશય એવો છે કે અમેરિકન સેના એ વાતની ખાત્રી કરી શકે કે આદેશ આપનાર  પોતે કમાન્ડર ઇન ચીફ યાને રાષ્ટ્રપતિ પોતે જ છે.

અમેરિકામાં યુદ્ધની જાહેરાત કરવાનો અધિકાર આમ તો અમેરિકન કોંગ્રેસ પાસે છે, પણ કેટલાંક રાષ્ટ્રપતિઓએ અધિકારીક રીતે યુદ્ધની ઘોષણા કર્યા વગર સૈન્ય ટુકડીઓને ફ્રન્ટ પર મોકલ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકાની કોંગ્રેસે માત્ર 5 વખત જંગની જાહેરાત કરી છે, પણ તેની સામે રાષ્ટ્રપતિઓએ યુદ્ધની જાહેરાત કર્યા વગર 120 વખત સેનાને લડાઇ માટે મોકલ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે પડછાયાની  જેમ રહેતા કાળા રંગના બ્રિફકેસમાં ઘણું બધું હોય છે. એમાં યુદ્ધના તૈયાર પ્લાનથી માંડીને હુમલાની મંજૂરી આપવાનો કમ્પ્યૂટર કોડસ અને કમ્યૂનિકેશન ડિવાઇસ હોય છે. જેનું વજન 20 કિલો હોય છે.

આ  ન્યૂકિલયર ફુટબોલ રાષ્ટ્રપતિનો એકદમ નજીકનો વ્યકિત સાથે લઇને ચાલતો હોય છે.રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં હોય, કારમાં હોય, હવાઇ યાત્રા પર હોય કે વિદેશમાં હોય, આ બ્રિફકેસ તેમની સાથે અવશ્ય હોય છે. રાષ્ટ્રપતિ લિફટમાં હોય તો તેમનો સહયોગી બ્રિફકેસ લઇને તેમની સાથે હોય છે. હોટલમાં રોકાયા હોય ત્યાં પણ. રાષ્ટ્રપતિની સુરક્ષા  કરતી સિક્રેટ સર્વિસ સહયોગીની સુરક્ષાની પણ જવાબદારી સંભાળે છે.

એવું કહેવાય છે કે આ બ્રિફકેસમાં એક બિસ્કિટ નુમા કાર્ડ હોય છે, જેની પર ન્યૂકલિયર લોંચ કોડ લખેલો હોય છે. આ કાર્ડને અમેરિકાના રાષ્ટ્રપતિ હમેંશા પોતાની પાસે રાખે છે. કોઇક સંજોગોમાં રાષ્ટ્રપતિ અસમર્થ હોય તેવા સમયે કોઇ ભયાનક પરિસ્થિતિ ઉદભવે એના ઓપ્શન તરીકે ઉપરાષ્ટ્રપતિ પાસે પણ ન્યૂકલિયર ફુટબોલ હોય છે.

 જો  અમેરિકામાં ન્યૂકલિયર હુમલા જેવી સ્થિતિનું નિર્માણ થાય તો તેની ગંભીરતા જોઇને જવાબી કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રપતિ પાસે ગણતરીની મિનિટો હોય છે. આ ગણતરીની મિનિટોમાં રાષ્ટ્રપતિના ઇશારે 925 ન્યૂકલિયર બોંબ આખી દુનિયાને ક્ષણવારમાં તબાહ કરી શકે છે. આ બોંબ જાપાનના હિરોશિમામાં ફુટેલા બોંબ કરતા 17 હજાર ગણી વધારે તબાહી મચાવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ઇચ્છે તો ન્યૂકલિયર હુમલાની પહેલ કરી શકે છે, જો કે એના માટે રાષ્ટ્રપતિએ અનેક કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જે સરળ હોતું નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp