શ્રદ્ધાંજલિ: નગીનદાદાએ મને ફોન કરીને કહ્યું મારે સોશિયલ મીડિયા પર એક્ટિવ થવું છે

PC: khabarchhe.com

(રાજેશ શાહ).જાણીતા કટાર લેખક અને રાજકીય વિશ્લેષક પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું 101 વર્ષની વયે સુરતમાં અવસાન થયું છે. તેમને છેલ્લાં 3 દિવસથી અસ્થમાની બિમારી ડિટેક્ટ થઇ હતી અને રવિવારે શ્વાસની તકલીફ ઉભી થતા મહિધરપરા વિસ્તારમાં આવેલી બુરહાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બપોરે નગીનદાસ સંઘવી તેમની દિકરી હર્ષાબેન સાથે જમ્યા પણ હતા. તેઓ સુરતમાં દીકરી સાથે જ રહેતા હતા. સિટી સ્કેન કરાવ્યા પછી તેમણે શ્વાસ છોડી દીધો હતો.

પત્રકાર જગતમાં નગીનદાદાના નામે જાણીતા આ લેખક એકદમ સૌમ્ય સ્વભાવ અને ડાઉન ટુ અર્થ હતા.તમે મળો તો ચોકકસ એવું ફીલ થાય કે એમને વારંવાર મળતા રહીએ.જ્ઞાનનો ભંડાર હોવા છતા તેમની સાથે વાત કરવામાં કયારેય પણ અભિમાન ન છલકે.101 વર્ષની વય હોવા છતા જાતે પોતાનું કામ કરતા અને નિયમિત લેખ લખતા નગીનદાદાની ખોટ પત્રકાર જગતને સાલસે.

પદ્મશ્રી નગીનદાસ સંઘવી ગુજરાતી પત્રકાર જગતમાં જાણીતું નામ છે. તેમણે અનેક રાજકીય લેખો લખ્યા છે અને 101 વર્ષની વયે પણ અખબારમાં રાજકીય વિશ્લેષણ કરી રહ્યા હતા.તેમનું વિશ્લેષણ એકદમ સચોટ અને તટસ્થ રહેતું હતું.સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવામાં માનનનીય સંઘવી કયારેય અચકાતા નહોતા. તેઓ દેશના સૌથી વધુ વયના એક્ટિવ કટાર લેખક હતા. ગત વર્ષે જ તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. મુંબઇની 3 કોલેજોમાં પોલિટિકલ સાયન્સ ભણાવ્યા પછી તેઓ નિવૃત્તિકાળમાં કટાર લેખક તરીકે સક્રિય હતા. તેમણે ઇતિહાસ, ધર્મ સહિત ઘણા વિષયો પર પુસ્તકો લખ્યા હતા. 

નગીનદાદા પહેલા મુંબઇ રહેતા હતા, પણ થોડા વર્ષ પહેલા સુરતના ઘોડદાડ રોડ પર રહેવા આવ્યા ત્યારે ખબર છે ડોટ કોમે તેમનો સંપર્ક કર્યો હતો અને તેમના ઇન્ટરવ્યુ માટે સમય માંગ્યો હતો.તેમણે કીધું કે ઓકે હમણાં જ આવી જાઓ.અમે કાકડીયા કોમ્પ્લેકસમાં તેમનો ઇન્ટરવ્યું લેવા ગયા.અમારી તેમની સાથેની પ્રથમ મુલાકાત હતી,તમને માનશો, એકદમ સરળ અને સાદગીસભર જીવન જીવતા નગીનદાદાએ અમારી સાથે એટલી સરસ રીતે અને પ્રેમથી વાત કરી કે અમે તો અચંબામાં મુકાયા. આટલા ખ્યાતનામ લેખક અને મોટા મોટા અખબારમાં લખતા માણસ આટલા સાદા અને સરળ હોય શકે.

એ પછી તો અમને નગીનદાદા સાથે એટલી ફાવટ આવી ગઇ કે વારંવાર એમના ઇન્ટરવ્યુ કરવાનો મોકો મળ્યો . તે પછી તેઓ કતારગામ વિસ્તારમાં રહેવા ગયા. ત્યાં પણ અમે તેમના ઘરે વાંરવાર મળવા જતા. લોકડાઉન પહેલાં તો તેમણે આગ્રહ કર્યો હતો કે મારે તમારા સ્ટુડીયો પર આવવું છે. તેઓ અમારા સ્ટુડીયા પર આવ્યા અને ગુજરાતના ઇતિહાસ પર 5 એપિસોડ કર્યા. અમારા સદનસીબે અમારા મિત્ર અને વીએનએસજીયુના માજી કુલપતિ ડો. દક્ષેશ ઠાકરે તેમના જીવન પર ઇન્ટરવ્યુ પણ કર્યો હતો.

અમને એક વાતનો અફસોસ રહી ગયો કે હાલમાં જ તેમણે અમને ફોન કરીને પુછયું હતું કે રાજેશભાઇ,મારે સોશિયલ મિડીયા પર એકટીવ થવું જોઇએ?  આટલી જૈફ વયની વ્યકિત પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ નવું શીખવા માગે તે તેમની ખાસિયત હતી. તેમણે અમને પૂછ્યું તે  અમારા માટે ગૌરવની વાત હતી.અમે તેમને હા પાડી. તેમણે કહ્યું કે તમે મને એકવાર ઘરે આવીને થોડી ટેકનિકલ વાત સમજાવી શકશો? પણ લોકડાઉનને કારણે અમે તેમના ઘરે ના જઇ શકયા. પણ તેમની યાદો હજુ અમારી સાથે સચવાયેલી છે. તેમને શત શત નમન, ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં તેમનું નામ અમર રહેશે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp