મારી એક સરકાર વિરોધી પત્રકાર હોવાની છાપ છેઃ પ્રશાંત દયાળ

PC: facebook.com

ક્રિકેટનું મેદાનની બહાર બેઠેલા પ્રેક્ષકો હોય અથવા બોક્સિંગ રીંગની બહાર બેઠેલા પ્રેક્ષકો હોય તેઓ પોતાના પ્રિય ખેલાડીને રમતા જોઈ બુમો પાડે, તાળીઓ વગાડે અને ચીચીયારીઓ પણ પાડે. રમત રમનારે રમતના નિયમોને આધીન રમત રમવાની હોય છે. ખેલાડીએ દર્શકની બુમો, તેની ઈચ્છા, તેની માગણી કે પછી તેના સુખ દુખના આધારે રમત રમવાની હોતી નથી. જે ખેલાડી તેણે સ્વેચ્છાએ સ્વીકારે નિયમો પ્રમાણે રમે છે., કદાચ તે રમત હારી પણ જાય તો પણ તેનો અફસોસ હોતો નથી કારણ તે નિયમોને આધીન રમ્યો હતો. જયાં સુધી સોશીયલ મિડીયાનું આગમન થયુ ન્હોતુ ત્યાં સુધી અખબારમાં પત્રકાર અને કોલમીસ્ટ જે કઈ પણ લખતા તે વાંચકને પસંદ પડયુ અથવા નાપસંદ પડયુ તેની તરત ખબર પડતી ન્હોતી. પણ હવે તેવુ રહ્યું નથી, સોશીયલ મિડીયાને કારણે વાંચક તરત પોતાનો અભિપ્રાય આપતો થયો છે.
તેના કારણે કેટલાંક ગંભીર સવાલો પણ ઉભા થયા છે. ખાસ કરી જેઓ પત્રકારત્વ કરે છે અથવા કોલમ લખે છે તેઓ સોશીયલ મિડીયા ઉપર આવતી પ્રતિક્રિયાને આધારીત પોતાનો મત વ્યકત કરી રહ્યા છે. આ જોખમી સ્થિતિ છે, દરેક વખતે જે લખાયુ છે તે વાંચકને પસંદ પડે તે જરૂરી નથી. કયારેક વાંચકને પણ કડવું લાગે તેવુ લખવુ પડે છે. પત્રકારે કયારેય કોઈને રાજી કરવા અથવા દુખી કરવા લખવાનું હોતુ નથી. વાંચીને કોઈ રાજી થાય અથવા કોઈ દુખી થાય તે તો બાય પ્રોડકટ હોય છે. વાંચકો પોતાના પ્રિય લેખક અથવા પત્રકારને લાંબા સમયથી વાંચતા હોય છે તેના કારણે તે પોતાના મનમાં પોતાના પ્રિય લેખક અથવા પત્રકારની એક છબી તૈયાર કરે છે. તે માની લે છે કે તેનો પ્રિય પત્રકાર અથવા લેખક આવો જ છે અને તેણે આખી જીંદગી આવા જ રહેવાનું છે.
મારી એક સરકારી વિરોધી પત્રકાર હોવાની છાપ છે. ગુજરાતમાં છેલ્લાં બે દાયકા કરતા વધુ ભાજપ અને નરેન્દ્ર મોદીનું શાસન હોવાને કારણે ખુદ નરેન્દ્ર મોદી અને તેમના સમર્થકો મને નરેન્દ્ર મોદી વિરોધી માને છે. મારૂ કામ શાસન ખોટું કરે ત્યારે તે તરફ તેમનું ધ્યાન દોરવાનું છે, પરંતુ 2016માં નરેન્દ્ર મોદીએ નોટબંધી જાહેર કરી ત્યારે મોદી વિરોધીઓ તેમના ઉપર તુટી પડયા હતા. નરેન્દ્ર મોદી જે કરે છે તે ખોટું જ કરે છે તેવા મતનો હું ત્યારે પણ ન્હોતો અને આજે પણ નથી. વિરોધ નરેન્દ્ર મોદી નહીં પણ તેમના નિર્ણયો થવો જોઈએ, જયારે દેશનો મોટો વર્ગ તેમનો વિરોધ કરી રહ્યો હતો ત્યારે મેં લખ્યુ કે નોટબંધીનો નિર્ણય સાચો છે કે ખોટો તેના માટે આપણે મોદીને પચાસ દિવસનો સમય આપવો જોઈએ, દેશના કરોડો લોકોની જેમ હું પણ બેન્કની કતારમાં ઉભો હતો. હું ત્યારે માનતો કે નોટબંધીને કારણે દેશને ફાયદો થશે કે નુકશાન તે સમજવા મોદીને સમય આપવો જોઈએ,
ત્યારે મેં મોદીના નિર્ણયને સમર્થન ન્હોતુ આપ્યુ પણ મોદીને સમય આપવો જોઈએ તેવા મતનો હતો. મેં જયારે મોદીને સમય આપવો જોઈએ તેવુ લખ્યુ ત્યારે મને પસંદ કરતા અનેક વાંચકો નારાજ થયા, તેમને મન મારે કાયમ મોદીની ટીકા જ કરવાની હતી. આજે હું માનુ છુ કે નોટબંધી ફારસ સાબિત થઈ. પણ તે ફારસ સાબિત થાય નહીં ત્યાં સુધી મારે મોદીની ટીકા કરવાની ન્હોતી. શાસનમાં આજે મોદી છે આવતીકાલે બીજુ કોઈ હશે. મારે અને પત્રકારે શાસનના ટીકાકાર જ રહેવાનું છે. પણ ટીકાકારે સાવધ રહેવાની જરૂર હોય છે. ટીકાકારે વ્યકિગત ગમા-અણગમા બાજુ ઉપર રાખી માત્ર નિર્ણય આધારીત ટીકા કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો હોય છે. નહીં કે પેવેલીયનમાં બેઠેલા દર્શકોની તાળીઓને આધારે પોતાનો મત વ્યકત કરવાનો હોય છે.
હજી થોડા દિવસ પહેલા મેં 2019ની ચુંટણી અંગે જયોતિષ શુ માને છે તેવી સ્ટોરી કરી. આપણા દેશમાં હું જયોતિષમાં માનતો નથી તેવુ કહેનાર લોકોને મેં રોજ અખબારમાં રાશીફળ વાંચતા જોયા છે. આમ સેકસની જેમ જયોતિષ પણ વંચાતો વિષય છે. આ સ્ટોરી મને પણ પ્રભાવિત કરે તેવી ન્હોતી. આ સ્ટોરી પ્રસિધ્ધ થયા બાદ મારા એક મિત્ર મને મેસેજ કર્યો કે બ્રાન્ડ પ્રશાંત દયાળ પાસે જે સ્ટોરીની અપેક્ષા છે તેવી નથી. આવુ ભૂતકાળમાં પણ અનેક વખત થયુ છે. મને કોઈ કહે છે ઘણા દિવસ થયા કઈ ધડાકા ભડાકા કર્યા નથી. બસ પછી તો કઈ બબાલ થઈ જાય તેવી સ્ટોરી કરી નાખવાની. પણ મને ક્રમશ સમજાયુ કે વાંચકો અથવા મિત્રને મઝા પડે અથવા તેમના થ્રીલ માટે હું લખતો નથી. મારી ઈમેજ સરકાર વિરોધી હોવાને કારણે નરેન્દ્ર મોદીનો કયાંથી વાંક શોધી લખ્યા કરવાનું તેવું પણ નથી. વાંચકોની તાળીઓ અને ચીચીયારીઓથી પ્રભાવિત થયા વગર માનસિક સમતોલ રાખી લખવુ જરૂરી છે.
આવું સામે પક્ષે પણ થાય છે. જેઓ નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે તેવા વાંચકો અનેક વખત લખે છે કે તમે તો કોંગ્રેસી છો. તમે કોંગ્રેસ વિરૂધ્ધ તો કઈ લખતા નથી. જયાં સુધી હું મારી જાતને તપાસું છું ત્યારે મને ખબર પડે છે કે કોંગ્રેસ વિરૂધ્ધ લખવામાં મારી જુવાની ખર્ચાઈ ગઈ. નરેન્દ્ર મોદીના સમર્થકો હું કોંગ્રેસ વિરૂધ્ધ લખી શકુ તેવી તક મને છેલ્લાં અઢી દાયકાથી આપતા નથી. પણ હું કોંગ્રેસી નથી તેવુ સાબિત કરવા, બિસ્માર થઈ ગયેલી કોંગ્રેસને હું નિષ્પક્ષ છું, તેવું સાબિત કરવા ગાળો આપવી તે પણ વાજબી નથી. જે પત્રકાર પોતાની શરત પ્રમાણે જીવે છે તેને શાસન તો પસંદ કરતુ નથી પણ જેઓ પોતાની શરત પ્રમાણે જીવી શકતા નથી તેઓ પણ તેમને સહન કરી શકતા નથી. પોતાની શરત પ્રમાણે જીવનારે કિમંત ચુકવી પડે છે અને દરેકમાં કિમંત ચુકવવાની તૈયારી પણ હોતી નથી.

પ્રશાંત દયાળ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp