26th January selfie contest

મહારાષ્ટ્ર આવેલા કેન્યાના સાંસદની આ કહાની જાણશો તો થઈ જશો ભાવુક

PC: patrika.com

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સિત્તેર વર્ષના વડીલે જ્યારે તેમના બારણે એક વિદેશી મહેમાનને જોયા ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ જ્યારે એ મહેમાને તેમની ઓળખાણ આપી તો વડીલને અત્યંત આનંદ થયો અને મહેમાને જ્યારે છેક કેન્યાથી તેમના ઘરે આવવાનું કારણ જણાવ્યું તો વડીક અત્યંત ભાવુક થઈ ગયા.

જી હા, આ વાત છે ઔરંગાબાદના કાશીનાથ ગવલીની, જેમને ત્યાં કેન્યાના સાંસદ ઓચિંતા મહેમાન થઈને અવ્યા હતા. કેન્યાના સાંસદ રિચર્ડ ટોંગી જ્યારે તેમની પત્ની સાથે ગવલીને દરવાજે ઊભા રહ્યા ત્યારે પહેલાં તો ગવલીને ઓળખાણ ન પડી. પરંતુ રિચર્ડે તેમને યાદ અપાવ્યું કે વર્ષો પહેલાં તેઓ કેન્યાથી ઔરંગાબાદ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા આવ્યા હતા.

રિચર્ડે આવી ઓળખાણ આપી એટલે કાશીનાથ ગવલી તેમને ઓળખી તો ગયા, પરંતુ પછી આમ અચાનક ઔરંગાબાદ આવવાનું તેમણે કારણ પૂછ્યું ત્યારે રિચર્ડે તેમને કહ્યું કે કૉલેજમાં અભ્યાસ કરતી વખતે એકવાર રિચર્ડને અત્યંત ભીડ પડી હતી ત્યારે કાશીનાથે તેમને બસો રૂપિયા ઉછીના આપ્યા હતા. જોકે પછી કાશીનાથ એ પૈસા વિશે ભૂલી ગયા હતા, પરંતુ રિચર્ડને કેન્યા પહોંચ્યા પછી આટલા વર્ષો પછી પણ યાદ હતું.

અને જ્યારે ગવલીને એ વાતની જાણ થઈ કે કેન્યાના સાંસદ બની ગયેલા રિચર્ડ માત્ર બસો રૂપિયાનું દેવું ચૂકવવા માટે અહીં આવ્યા છે તો તેઓ અત્યંત ભાવુક થઈ ગયા. સામે છેડે રિચર્ડ પણ એટલા જ ભાવુક થઈ ગયા હતા, જેમણે મીડિયા સમક્ષ ગવલીનો આભાર માન્યો હતો કે ગવલીએ તેમને અત્યંત મુશ્કેલ સમયમાં મદદ કરીને તેમને બચાવી લીધા હતા. આનંદની વાત એ છે પોતાને ઘેર આવેલા મહેમાનને જમાડવા માટે ગવલીએ કોઈ હોટેલનો વિચાર કર્યો હતો, પરંતુ રિચર્ડે બહારનું ખાવાનો સાફ ઈન્કાર કર્યો હતો અને ગવલીની ઘરે મહારાષ્ટ્રીયન ભોજન ખાવાનો જ આગ્રહ રાખ્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp