જપ્ત કરેલા વાહનો ખાઈ રહ્યા હતા કાટ, પોલીસકર્મીઓએ તેમાં ઉગાડ્યા ઓર્ગેનિક શાકભાજી

PC: yourstory.com

કેરળના ત્રિશૂર જિલ્લાના ચેરુથુર્થી પોલીસ સ્ટેશનના સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, વર્ષ 2019ના એક રિપોર્ટ અનુસાર, રાજ્યના પોલીસ સ્ટેશનોમાં 40 હજાર કરતા વધુ વાહન કાટ ખાઈ રહ્યા છે, જેમાં કેટલાક વાહન લાવારિશ છે તો ઘણા વાહન જપ્ત કરવામાં આવેલા છે. તેમાં તમને ટુ- વ્હિલરથી લઈને ભારે વાહન પણ જોવા મળી જશે. હવે વાત એવી છે કે, વર્ષોથી વાહન પોલીસ પરિસરમાં પડ્યા-પડ્યા કાટ ખાઈ રહ્યા હતા. તો ચેરુથુર્થી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ વિચાર્યું કે, તેમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે તો? પછી શું, તેમનો આ આઈડિયા છવાઈ ગયો અને વાહનોમાં ઉગતા શાકભાજી હવે પોલીસ કેન્ટીનમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ કાટ ખાઈ રહેલા વાહનોમાંથી કેટલાકમાં ચેરુથુર્થી પોલીસે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું, જેની જવાબદારી રંગરાજને લીધી. રંગરાજ, સિવિલ પોલીસ અધિકારી હોવાની સાથોસાથ એક ખેડૂત પણ છે. તેમણે અન્ય ઓફિસર્સની સાથે મળીને આ સુંદર કામને અંજામ આપ્યો. ખેતીના પહેલા ચરણમાં તેમણે ભીંડા, પાલક અને ફળ- ફળાદી ઉગાડ્યા હતા.

રેતી અને માટીની તસ્કરી માટે ઉપયોગમાં લેવાતા મિની ટ્રકને પોલીસવાળાઓએ જપ્ત કર્યા હતા, જેમાં ત્રણ મહિના પહેલા શાકભાજી ઉગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ પ્રયાસ સફળ રહ્યો અને ગત અઠવાડિયે પોલીસકર્મીઓએ પોતાનો પહેલો પાક લણ્યો. જેને તેમણે પોલીસ કેન્ટીનમાં આપી દીધો. હવે જ્યારે પાક સારો થયો તો તેઓ ખેતીનો વ્યાપ વધારવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. મતલબ કે, હવે તેઓ અન્ય વાહનોમાં પણ શાકભાજી ઉગાડશે.

નોર્થ કેરળના એક SHOએ કહ્યું, જો કોઈ વાહનને ગેરકાયદેસર ગતિવિધિ બદલ જપ્ત કરવામાં આવે તો તેના માલિક ક્યારેય પણ તેના પર પોતાનો દાવો કરતા નથી. સામાન્યરીતે, માત્ર ડ્રાયવર જ પકડાઈ જાય છે. દુર્ઘટનાગ્રસ્ત વાહનોના મામલામાં ઘણીવાર કોર્ટના આદેશ બાદ પણ માલિક તેને પાછા લેવા માટે આવતા નથી. અન્ય મામલાઓમાં, કાયદાકીય પ્રક્રિયામાં કેટલાક વર્ષોનો સમય નીકળી જતો હોય છે, એવામાં વાહન કાટ ખાવા માંડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp