દિવ્યાંગ દીકરાની વરઘોડાની ઈચ્છા પૂરી કરવા પરિવારે કરાવ્યા અનોખા લગ્ન

PC: khabarchhe.com

તમે ઘણા લગ્ન જોયા હશે પણ ક્યારેય દુલ્હન વગરના લગ્ન જોયા છે. તો આજે અમે તમને એક એવા લગ્ન વિષે વાત કરવાના છીએ કે, એ લગ્નમાં વરરાજાનો વરઘોડો નીકળ્યો, લોકો નાચ્યા પણ ખરા, લોકોએ લગ્નમાં ભોજન પણ કર્યું પણ આ લગ્નમાં લોકોએ દુલ્હન જોઈ નહીં. કારણ કે, આ લગ્નમાં વરરાજો એકલો જ હતો દુલ્હન નહોતી.

હવે તમે વિચારતા હશો કે, એકલા વરરાજાના લગ્ન થાય ખરા? પણ આ વાત સાચી છે, લગ્નમાં ખાલી વરરાજો જ હતો દુલ્હન ન હતી એનું કારણ એ છે કે, માનસિક રીતે દિવ્યાંગ છોકરાના લગ્નના કોડ પુરા કરવા માટે તેના માતા-પિતા અને મામાએ આ રીતે અનોખા લગ્ન કર્યા, જેમા લગ્નની બધી વિધિ કરવામાં આવી અને પછી વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો, પરંતુ આ લગ્ન ખાલી વરઘોડા સુધી જ સીમિત હતા. તેનાથી આગળની લગ્ન વિધિ વરરાજાના નસીબમાં ન હતી.

મળતી માહિતી અનુસાર, હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામનો અજય ઉર્ફે પોપટ બાળપણથી જ માનસિક દિવ્યાંગ છે અને આ અજયને બાળપણથી જ એક ઈચ્છા હતી કે, તેનો પણ વરઘોડો નીકળે અને લોકો તેમાં નાચે. કારણે કે, ચાંપલાનાર ગામમાં કોઈના લગ્ન હોય કે, પછી નવરાત્રી હોય નાચવામાં અજય ક્યારે પાછો પડતો ન હતો.

અજયના પિતા વિષ્ણુભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગામમાં બીજાના લગ્ન જોઈને અજય હંમેશાં પૂછતો હતો કે, તેના લગ્ન ક્યારે થશે. આ વાત સાંભળીના મારી અને અજયની માતાની આંખમાં આંસુ આવી જતા હતા. અજયની માતા સાવકી માતા હોવા છતાં પણ તે અજયને સગા દીકરાથી વિશેષ પ્રેમ કરે છે. અજયના લગ્નની ઈચ્છા પુરી કરવા માટે તેના મામા આગળ આવ્યા અને અજયનો લગ્ન સમારોહ ગોઠવ્યો.

અજયના મામાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અજયના નસીબમાં લગ્ન ન હતા છતાં પણ તેના લગ્ન લેવડાવ્યા, અજયના લગ્નની કંકોત્રી છપાવી, લગ્નના વધામણા કર્યા અને અજયની વરઘોડાની ઈચ્છા પૂર્ણ કરવા માટે વરઘોડો કાઢવા માટે શુક્રવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો. જેમાં અજયની બહેનો અને લોકો ખૂબ નાચ્યા હતા અને અજયને ઘણા આશીર્વાદ આપ્યા હતા.

માનસિક રીતે દિવ્યાંગ લોકોના નસીબમાં લગ્ન હોતા નથી, પરંતુ તેમના મનમાં બીજાના લગ્ન જોઈને લગ્નના ઓરતા હોય છે, ત્યારે અજયના મનમાં પણ લગ્નની ઈચ્છા હતી, તે ઈચ્છાને અજયના મામા અને માતા-પિતાએ વાસ્તવિકતામાં પરિવર્તિત કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp