21 વર્ષે સરપંચ બનેલી યુવતીએ ગામની તસવીર બદલી, ગામમાં બાળકો બોલે છે સંસ્કૃત

PC: dainikbhaskar.com

સરપંચ ઈચ્છે તો ગામને શહેર કરતાં પણ સારું બનાવી શકે છે. ગામના લોકોને સરપંચની સૂઝબૂજના કારણે સુવિધાઓથી વંચિત રહેવું પડતું નથી પરંતુ જો ગામના સરપંચ કામ ન કરે તો ગામના લોકો સુવિધાઓથી વંચિત રહે છે. હજુ પણ સરકારી તંત્ર અને સરપંચની અણઆવડતના કારણે કેટલાક ગામડાઓમાં વિકાસ થયો નથી. ત્યારે આજે એક એવા ગામની વાત કરવી છે તે ગામ શહેરોને પણ ટક્કર મારે છે. આ ગામ હરિયાણાના કૈથલ જિલ્લામાં આવેલું છે. કાકરાળા અને કુચિયા ભેગા મળીને એક ગ્રામ પંચાયત બને છે. આ બંને ગામડાની વસ્તી 1200 લોકોની છે પરંતુ ગામના સરપંચ પરવિણ કૌરના કારણે બંને ગામડાઓ શહેરોને પણ ટક્કર મારે છે.

વર્ષ 2016માં પરવિણ કૌર નામની 21 વર્ષની યુવતી કાકરાળા અને કુચિયા ગામ પંચાયતની સરપંચ બની હતી. તે હરિયાણાની સૌથી નાની વયની સરપંચ છે. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે પરવિણ કૌરને વુમન્સ ડે પર સન્માનિત કરવામાં આવી હતી. પરવિણ કૌરે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આજે તેની સૂઝબૂઝ અને આવડતના કારણે બંને ગામની દરેક શેરીએ CCTV કેમેરા લાગેલા છે, ગામમાં સોલર લાઇટ, વોટર કુલર અને લાયબ્રેરી છે અને ગ્રામ પંચાયત વિસ્તારમાં જેટલા પણ બાળકો રહે છે તે હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષા પણ બોલે છે.

મહત્ત્વની વાત તો એ કહી શકાય પરવિણ કૌરે ગામ માટે કંઈક કરવાનો વિચાર કરીને મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરવાનું માંડી વાળ્યું હતું. તેનું કહેવું છે કે, તે જ્યારે નાનપણમાં ગામડે આવતી હતી ત્યારે ગામના રસ્તાઓ ખૂબ જ ખરાબ હતા. ગામમાં બાળકોને ભણવા માટે સારી શાળામાં ન હતી અને પાણીની અછત હોવાના કારણે મહિલાઓને દૂર-દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતો એટલે મેં નક્કી કર્યું કે હું ભણી ગણીને આ ગામ માટે જરૂરથી કંઈક કરીશ. હું 21 વર્ષની હતી અને 2016માં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી ત્યારે ગામ લોકો મારા પિતાજીને મળવા આવ્યા અને મને સરપંચ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો.

સરપંચ બનાવવાનો પ્રસ્તાવ એટલા માટે મારી પાસે આવ્યો હતો કે, તે સમયે સરકાર દ્વારા ભણેલી-ગણેલી વ્યક્તિને જ સરપંચ બનાવી શકાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો અને મારા ગામડામાં મારી સિવાય કોઈ ભણેલું વ્યક્તિ નહતું. એટલે ગામના લોકોએ મારી સામે સરપંચ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો પરંતુ હું પહેલા સરપંચ બનવા માટે તૈયાર થઇ નહોતી પરંતુ ત્યારબાદ મારા પિતાએ મને સપોર્ટ કરતા હું સરપંચ બનવા માટે તૈયાર થઈ ગઈ.

સરપંચ બન્યા બાદ મેં ગામડાની મુશ્કેલીઓ વિષે જાણવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ગામની તમામ સમસ્યાનું એક મોટું લિસ્ટ તૈયાર કરી મારે શું કરવું શું ન કરવું તે બાબતે વિચારવાનું શરુ કર્યું. સૌથી પહેલા ગામના રસ્તા સરખા કર્યા અને ત્યાર બાદ પાણીની તકલીફ લોકોને ન પડે તે માટે ઠેર-ઠેર વોટર કુલર લગાવ્યા હતા. ત્યારબાદ ગામની શાળામાં છોકરીઓ ભણવા આવતી ન હતી એટલા માટે છોકરીઓની સુરક્ષાને લઇને ગામમાં CCTV કેમેરા લગાવ્યા ત્યારબાદ લાઈટની સમસ્યા હોવાનાં કારણે સોલર લાઈટ વ્યવસ્થા કરી. જેના કારણે છોકરીઓ રાત્રે કોઈ પણ જગ્યા પર જઈ શકે છે.

આ ગ્રામ પંચાયતમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ગામના તમામ બાળકોને સંસ્કૃત ભાષા પણ આવડે છે અને તેનું કારણ એ છે કે, મહર્ષિ વાલ્મિકી સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ જ્યારે પરવિણ કૌરના ગામમાં આવ્યા ત્યારે તેમને સંસ્કૃત ગ્રામ બનાવવાનો પ્રસ્તાવ સરપંચ સામે રાખ્યો હતો. સરપંચે આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને ગામમાં સંસ્કૃતના શિક્ષક આવ્યા અને ત્યારબાદ બાળકોને સંસ્કૃતનો અભ્યાસ શરૂ થઈ ગયો. પરવિણ કૌરે ગામની મહિલાઓની સમસ્યા માટે મહિલાઓ માટે એક અલગ કમિટી બનાવી છે અને ગામની મહિલાઓ આ કમિટી સમક્ષ તેમની તકલીફ જણાવી શકે છે.

આગામી સમયમાં આવનારી ચૂંટણીને લઈને પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે હવે કોઈ બીજા યોગ્યને યુવા વર્ગમાંથી તક મળે કારણ કે, કોઈ વ્યક્તિને વારંવાર સરપંચ કરવી તે યોગ્ય ન કહેવાય. હું પરિવર્તનના ઇરાદાથી આવી હતી અને મને આનંદ છે કે, હું ઘણી હદ સુધી પરિવર્તન લાવવામાં સફળ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp