સુરતમાં કોરોનાના મૃતકોની મફતમાં અંતિમવિધિ કરતા સમાજસેવકો થાકી ગયા!

PC: careerindia.com

(રાજા શેખ).સુરતમાં જીવલેણ કોરોના વાઈરસથી પહેલુ મોત થયું ત્યારથી જ પોતાના જીવના જોખમે વિના મૂલ્યે ( ના સરકાર, મહાનગર પાલિકા પાસેથી રૂપિયા લેતી ન જેનો અંતિમ સંસ્કાર કરાતો તેમના પરિવાર પાસેથી એક પણ રૂપિયા લે છે) તેના શબના અંતિમ સંસ્કારની કામગીરીમાં જોતરાયેલી સુરતના એકતા ટ્રસ્ટના સેવાભાવીઓએ એક દિવસ પહેલા અચાનક જ કામગીરીથી અળગા થવાનો નિર્ણય લઈ લીધો હતો. ટ્રસ્ટના 17 જેટલા સ્વંય સેવકો લગાતાર ત્રણ મહિનાથી 24 કલાક કામગીરી કરવાને કારણે બિમાર પડતા અને સામે મનપાના આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓએ મેનપાવર સહિતની મદદ જ ન કરતા ટ્રસ્ટે આરામ કરવાનો નિર્ણય લીધો. જોકે, કામગરા કહેવાતા મનપા કમિશનર બંચ્છાનિધીએ તેમને જે અસુવિધાઓ ઊભી થઈ હતી તે દૂર કરવાની ખાતરી આપી ફરી આ ટ્રસ્ટની સેવા શરૂ કરાવી દીધી અને અંતિમ સંસ્કાર શરૂ થયા.

શું સમસ્યા હતી?

એકતા ટ્રસ્ટના ખૂબ જ એક્ટિવ ખજાનચી ફિરોઝ મલેક અને અબ્દુલ મલબારી સાથેની વાતચીત મુજબ…

ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીના મોત બાદ તેઓના સ્વંયસેવકોને ફોન કરીને બોલાવી લે છે અને બે બે કલાક બેસાડી રાખે છે. તેની પાછળનું કારણ એ કે તેઓ દર્દીના સગા પાસે સારવાર માટેની બાકી રકમ કઢાવવા માટે શબ તેમને સુપરત કરતા નથી. ત્યાં સુધી શબ રોકી રાખે છે. બીજી તરફ તેઓ મૃતકના પરિવારને અમારો નંબર આપી દે છે અને કહે છે કે બોડી તેમને આપી દીધી છે. જેથી, પરિવાર શબની અંતિમ વિધિ માટે ઉતાવળ કરે છે અને મોટાભાગના કેસમાં અમારી સાથે ગાળાગાળી કરે છે. 

ઉપરથી ખાનગી હોસ્પિટલે પડાવેલી રકમ માટે પણ અમને ભલુબુરુ કહે છે. જોકે, અમે ખાનગી કે સરકારી હોસ્પિટલના શબના અંતિમ સંસ્કાર માટે એક રૂપિયો પણ લેતા નથી. અમારી કામગીરીને બિરદાવી કેટલાક સંબંધીઓ દાન આપે છે તો પણ હાલના કપરા સમયે અમે તે તે લેતા નથી અને ચાલુ દિવસોમાં ગમે ત્યારે દાન કરી જવા સમજાવીએ છીએ જેથી, અમારા પર કોઈ આળ ન આવે. જેથી, અમે ખાનગી હોસ્પિટલની દર્દીના સગાઓ પાસે રૂપિયા પડાવવાની નીતિ રીતી સામે વિરોધ કર્યો અને ખાનગી હોસ્પિટલથી શબ ઉઠાવવાની કામગીરીથી મુક્તિ માંગી.

સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગે બારોબાર આઠથી દસ લોકોને રોજના રૂ. 1000 આપીને પોતાની રીતે પણ કામગીરી શરૂ કરાવી. આ કામમાં રૂપિયાનો વહીવટ થતો હોવાથી લોકો અમે વિના મૂલ્યે કામ કરતા હોવા છતા અમારા ટ્રસ્ટ પર આગળીઓ ઉઠે તેવી સંભાવના જોતા અમે કામગીરી થોડા કલાક અટકાવી દીધી અને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ તમામ કામગીરી રૂપિયાથી કરાવી લેવા કમિશનરને કહીં દીધુ. આમ પણ લગાતાર ત્રણ મહિનાથી રોજના 30થી 50 કે જેમા કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના અંતિમ સંસ્કાર ગાઈડલાઈન મુજબ અમે કરીને ખૂબ જ થાકી ગયા હતા. 24 કલાક અમારા સ્વંય સેવકો માત્ર દફન વિધિ અને અંતિમ સંસ્કારની કામગીરીમાં જ વ્યસ્ત રહેતા હતા.

એકતા ટ્રસ્ટના 17 જેટલા સ્વંય સેવકો ત્રણ મહિનાથી લગાતાર 24 કલાકની કામગીરીને કારણે બિમાર પડ્યા અને કેટલાક સંક્રમણના શિકાર બન્યા. અમારા પરિવારને પણ અમારા આરોગ્યની ચિંતા હોય તે સ્વભાવિક છે. એવામાં અમે મૃતક દર્દીને નવડાવવાથી લઈને અંતિમધામ પહોંચાડવા સુધીની કામગીરી કરીએ છીએ. અમે સુરત મહાનગર પાલિકા પાસેથી સ્ટાફની માંગણી કરી. ખાસ કરીને શબને હોસ્પિટલથી ઉઠાવીને એમ્બ્યુલન્સમાં મુકવાની કામગીરી જ તેઓ પૂરી કરી આપે તો ઘણી રાહત થાય પણ લગાતાર આરોગ્ય અધિકારીઓને રજૂઆતો કરવા છતા તેઓએ વાત કાને ધરી નહીં. સંક્રમણને કારણે એક તરફ સ્વંયસેવકો ઘટ્યા અને કામગીરી વધતી ગઈ પણ આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ ફોન પણ લેતા ન હતા. ઉપરથી ફાયર વિભાગે રૂપિયા આપીને બીજા લોકોને તૈયાર કરીને વિવાદ પેદા કરવાની કોશિશ કરી. જો અમને જ એ સ્ટાફ આપી દેવાતે તો કામગીરી વધુ સરળ બનતે.

અશ્વની કુમારની 9 ગેસ ભઠ્ઠી, જહાંગીરપુરા કુરુક્ષેત્રની પહેલા બે ભઠ્ઠી (હવે ચાર થશે) અને ઉમરાની 9 ભઠ્ઠીમાં રોજ અંતિમ સંસ્કાર માટે કતારો લાગતી હતી. ત્યા રેગ્યુલર મરણ જનારાના શબના પણ અંતિમ સંસ્કાર થતા હોવાથી અને કોવિડમાં મોત થનારા પણ. જેથી, તે ભરાવો ક્લીયર કરવાની વ્યવસ્થા ઊભી કરવાની પણ અમારી માંગણી હતી. જો વધુ ભઠ્ઠી ચાલુ કરાવાય તો ત્યાં આઠ દસ શબોના અંતિમ સંસ્કારનું વેઈટિંગ ન રહે અને તે માટે લાંબી રાહ જોવી ન પડે. બીજી તરફ, મુસ્લિમ શબ માટે કબર ખોદવાથી દફન કરવા સુધી 6થી 8 કલાકનો સમય જતો હોવાથી તે અંગે પણ પ્રોપર વ્યવસ્થા ઊભી થવી જોઈએ. કોવિડમાં મોતને ભેટેલાઓના શબ સિંગલ કંટ્રોલ રૂમથી વ્યવસ્થા કરી નીકળે અને અમારા પર મોતને ભેટેલા પરિવારનું અંતિમ ક્રિયા માટે ખોટુ પ્રેસર ન આવે તેવુ અમે ઈચ્છતા હતા.

હવે શું વ્યવસ્થા થઈ?

અબ્દુલ મલબારીએ કહ્યું કે, મનપા કમિશનર બંન્છાનિધિ પાનીએ તુરંત આરોગ્ય વિભાગના અધિકારીઓને બોલાવીને ફરિયાદનું નિરાકરણ કર્યું. એક્તા ટ્રસ્ટ વિના મૂલ્યે જ કામ કરતુ આવ્યું છે અને કરતુ રહેશે. અમે માત્ર સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેરમાં મોત થતા કોરોના પોઝિટિવ દર્દીઓની જવાબદારી ઉપાડી લીધી.

ખાનગી હોસ્પિટલની જવાબદારી ફાયર વિભાગ તેમણે રોજ રૂ 1000 લેખે કામચલાઉ ધોરણે રાખેલા બીજા વ્યક્તિઓને સોંપાય છે. બીજુ કે હવે એક જ જગ્યાએ તમામ શબોની નોંધણી કરીને તેને ત્યાંથી જ અમને સોંપવામાં આવશે અને મૃતકના દર્દીઓને આ કંટ્રોલરૂમમાંથી જ ફોન કરી જાણ કરાશે. દફનવિધિ અને અંતિમ સંસ્કારની વિધિ પણ સરળ બનાવવાની અને અમને બોડી ઉઠાવીને એમ્બ્યુલન્સમાં મુકવા ઉતારવા માટે માણસો પણ આપવામાં આવશે. અબ્દુલ મલબારીએ કહ્યું કે અમારો આશય મૃતકના સગાઓએ લાંબી રાહ ન જોવી પડે, તેઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને સમયપર તેમના સ્વજનની અંતિમ વિધિ થઈ જાય તે માટેનો જ હતો. હવે વહીવટી તંત્ર અમારી સેવા પર વધુ ભાર ન નાંખી મેનપાવર સહિતની સગવડ ઊભી કરી આપે તો જ સરળતા થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp