ધ સ્ટોરી ઓફ અલાઉદ્દીન ખીલજી: શું અલાઉદ્દીન ખરેખર ઘાતકી-ક્રૂર બાદશાહ હતો?

PC: wikipedia.org

અલાઉદ્દીન ખીલજીનું મૂળ નામ અલી ગુરશાસ્પ હતું. દિલ્હીની સલ્તનત પર ખીલજી વંશનો દ્વિતીય શાસક હતો. તે એક વિજેતા બાદશાહ હતો. દક્ષિણના મદુરાઈ સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું. અલાઉદ્દીન બાદ 300 વર્ષ સુધી આટલા મોટા પ્રમાણમાં કોઈ પણ શાસક પોતાની સલ્તનતને ફેલાવી શક્યો ન હતો. મેવાડ અને ચિત્તોડગઢના વિજય અભિયાન માટે ખીલજીને ખ્યાતિ મળી હતી. એવું માનવામાં આવે છે કે ચિત્તોડની મહારાણી પદ્મનીના સૌંદર્ય પર તે મોહી પડ્યો હતો, જેનું વર્ણન મહોમ્મદ ઝાયસીએ લખેલી રચના પદ્માવતમાં કરવામાં આવ્યું છે.

ખીલજીના સમયકાળ દરમિયાન ઉત્તર-પૂર્વમાં મુઘલો દ્વારા આક્રમણ થયા પરંતુ દરેક વખતે તેણે મુઘલોને પરાસ્ત કર્યા હતા. જલાલુદ્દીન ખીલજી(અલાઉદ્દીનના કાકા) બાદશાહ બન્યા બાદ અલાઉદ્દીનને કડા અને મણિકપુરની સુબેદારી સોંપવામાં આવી હતી. ભીલસા, ચંદેરી અને દેવગીરી જેવા પ્રાંતોમાં અલાઉદ્દીને ખીલજી વંશના મૂળીયા મજબૂત કર દીધા. ત્યાર બાદ અલાઉદ્દીને 22 ઓકટોબર,1296માં કાકા જલાલુદ્દીનની ગળે લાગતી વેળા દગાથી હત્યા કરાવી નાંખી હતી. અલાઉદ્દીને પોતાના બે સૈનિક મહોમ્મદ સલીમ અને ઈખતિયારુદ્દીન દ્વારા હત્યા કરાવી હતી. કાકાની હત્યા બાદ અલાઉદ્દીન પોતે સુલ્તાન બન્યો અને 22 ઓકટોબર,1296માં દિલ્હીના બલબનના લાલ મહેલમાં રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો.

અલાઉદ્દીનના દરબારમાં અમીર ખુશરો અને હસન નિજામી જેવા ઉચ્ચ કોટીના ઈસ્લામના જાણકાર અને સૂફી મોજુદ હતા. અલાઈ દરવાજા અને કુશ્કે શિકાર જેવા સ્થાપત્યોનું નિર્માણ પણ કરાવ્યું હતું. અલાઈ દરવાજાને તુર્કી સ્થાપત્યનો બેનમૂન નમૂનો ગણવામાં આવે છે. આ ઉપરાંત સીરીનો કિલ્લો. હજાર ખભ્ભા મહેલનું નિર્માણ કરાવ્યું હતું.

રાજ્યાભિષેક થયા બાદ કઠણાઈઓનો સફળતાપૂર્વક સામનો કરવા માટે અલાઉદ્દીને કઠોર શાસન વ્યવસ્થાનું અમલીકરણ કરાવ્યું અને પોતાની સલ્તનતનો વિસ્તાર કર્યો. અલાઉદ્દીનને સિકંદર દ્વિતીયના ઈલકાબથી પણ ઓળખવામાં આવે છે. આ વાત સિક્કાઓ પર પણ મુદ્રીત કરાઈ હતી.

અલાઉદ્દીને નવા ધર્મની સ્થાપના કરવા માટે તૈયારી કરી હતી. પરંતુ દિલ્હીના કોતવાલ અલ મુલ્કની સમજાવટ બાદ અલાઉદ્દીને નવા ધર્મની સ્થાપનાના વિચારને પડતો મૂક્યો હતો. ત્યાર બાદ ખલીફાનો પદ મેળવ્યો પરંતુ પદ માટેની વિધિ કરી ન હતી. પોતાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીને ઈસ્લામ ધર્મના સિધ્ધાંતોને અગ્રીમતા ન આપીને રાજ્યહિતને સર્વોપરિતા આપી હતી. અલાઉદ્દીન ખીલજીના સમયકાળમાં નિરંકુશતા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી. શાસન ચલાવવા માટે અલાઉદ્દીને ન તો ઈસ્લામના ઉલ્માઓની સલાહ લીધી કે ન તો ઈસ્લામના સિધ્ધાંતો પર ચાલવાનો પ્રયાસ કર્યો. અલાઉદ્દીને પોતાની રીતે જ બધું ચલાવવાનું નક્કી કર્યું હતું.

અલાઉદ્દીનની સલ્તનત દરમિયાન તેની સામે બળવા પણ થયા. 1299માં ગુજરાતમા વિજય હાસલ કર્યા બાદ ઝવેરાત અને રૂપિયાની વહેંચણીમાં વિદ્રોહ થયો હતો. આ વિદ્રોહને નુસરતખાંએ દાબી દીધો હતો. આ ઉપરાંત ત્યાર બાદ 6થી 8 વખત વિદ્રોહ થયા પરંતુ કોઈકને કોઈક રીતે આ તમામ વિદ્રોહને દાબી દેવામાં સફળતા મળી હતી.

તુર્કીઓ જ દ્વારા વિદ્રોહ કરાતા અલાઉદ્દીને ચાર અધ્યાદેશ બહાર પાડ્યા. પ્રથમ અધ્યાદેશમાં અલાઉદ્દીને દાન, ઉપહાર અને પેન્શનના રૂપે અમીરોની જમીનને જપ્ત કરી તેના પર અધિકાર ટેક્સ લાગુ કર્યો. જેથી કરીને જેમની પાસે લખલૂંટ રૂપિયા હતા તેમની પાસે રૂપિયાનો અભાવ સર્જવા લાગ્યો. દ્વિતીય અધ્યાદેશમાં અલાઉદ્દીને ગુપ્તચર વિભાગને સંગઠિત કરી બરીદ(ગુપ્તચર અધિકારી) અને મુનહીન( ગુપ્તચર)ની નિયુક્તિ કરી. તૃતિય અધ્યાદેશમાં અલાઉદ્દીને દારુબંધી, ભાંગ ખાવા કે પીવા અને જુગાર પર પ્રતિબંઘ મૂકી દીધો. જ્યારે ચોથા અધ્યાદેશમાં અલાઉદ્દીને અમીરોનાં લગ્ન મેળાવડા, જાહેર સમારંભો અને વૈવાહિક સંબંધો પર પ્રતિબંધ મૂકી દીધો. સુલ્તાન દ્વારા આ ચારેય અધ્યાદેશ સફળ રહ્યા હતા, એવું ઈતિહાસવિદો નોંધે છે.

અલાઉદ્દીન સામ્રાજ્યવાદી પ્રકૃતિનો માણસ હતો. ઉત્તર ભારતના રાજ્યો પર વિજય હાંસલ કરી પ્રત્યક્ષ રીતે શાસન કર્યું. જ્યારે દક્ષિણ ભારતનાં રાજ્યોને પોતાની તાબે કરી તેમની પાસેથી વાર્ષિક ટેક્સ(સાલિયાણું)ની વસુલાત કરી હતી.

1298માં અલાઉદ્દીને ઉલુગખાં અને નુસરતખાંને ગુજરાતમાં હુમલો કરવા મોકલ્યો. અમદાવાદની નજીક કર્ણદેવ વાઘેલા અને અલાઉદ્દીનના લશ્કર વચ્ચે યુધ્ધ થયું. રાજા કર્ણદેવ આ યુધ્ધમાં પરાજિત થયા અને દેવગીરીના શાસક રામચંદ્ર દેવને ત્યાં શરણ લીધી. અલાઉદ્દીન રાજા કર્ણદેવની સંપત્તિ અને તેની પત્ની કમલાદેવીને સાથે લઈ દિલ્હી આવ્યો. બાદમાં અલાઉદ્દીને કમલાદેવી સાથે વિવાહ કર્યા અને પોતાની પ્રિય રાણી બનાવી. ગુજરાત પર વિજય હાંસલ કર્યા બાદ ખીલીજીના સૈનિકોએ સુરત, સોમનાથ અને ખંભાત સુધી આક્રમણ કર્યા હતા.

રણથંભોર, જેસલમેર, માલવા, ઝાલોર અને દક્ષિણ ભારતમાં દેવગીરી, તેલંગાના અને હોયસલ સુધી પોતાની સલ્તનત વિસ્તારી હતી.

ચિત્તોડ અને મેવાડ પર અલાઉદ્દીને આક્રમણ કર્યું હતું. મેવાડના રાજા રાણા રતનસિંહ હતા જેમની રાજધાની ચિત્તોડ હતી. ચિત્તોડનો કિલ્લો બહુ મજબૂત સ્થળ પર બાંધવામાં આવેલો છે. આના કારણે અલાઉદ્દીનની નજરમાં ચિત્તોડનો કિલ્લો હતો. ચિત્તોડ પર આક્રમણ કરવાનું કારણ અમીર ખુસરો મુજબ રાણી શૈબા અને સુલેમાનનો પ્રેમ હતો તો મહોમ્મદ ઝાયસીના પદ્માવત પ્રમાણે રાણી પદ્મનીના સૌંદર્યને દર્શાવ્યું છે. ચિત્તોડના કિલ્લાને સર કરવા અલાઉદ્દીનને નવનેજા પાણી ઉતરી ગયા હતા. રાણી પદ્મનીના જૌહરની કરૂણાંતિકાનો ઈતિહાસ સાક્ષી છે. રાણી પદ્મનીના સૌંદર્ય પર મોહી પડવાના કારણે અલાઉદ્દીને હુમલો કર્યો હોવાનો ઉલ્લેખ ઈતિહાસકારોએ કર્યો છે.

28, જાન્યુઆરી 1303માં સુલ્તાને ચિત્તોડ પર આક્રમણ કર્યું. રાજા રતનસિંહ શહીદ થયા અને રાણી પદ્મનીએ અન્ય સ્ત્રીઓ સાથે જોહર કર્યુ. કિલ્લા પર કબ્જો મેળવી અલાઉદ્દીને 30,000 રાજપુતોની કતલ કરી. ચિત્તોડનું નામ ખિજરાબાદ રાખ્યું અને તેની જવાબદારી ખિજ્રખાંને સોંપી. આ દરમિયાન રાજુપતો દ્વારા ચિત્તોડને પાછો હાંસલ કરવાના પ્રયાસો ચાલુ હતા તો અલાઉદ્દીને રાજપુત સરદાર માલદેવને ચિત્તોડ સોંપી દીધું. અલાઉદ્દીનાં મૃત્યુ બાદ ગેહલોત રાજવંશના હમ્મીરદેવે માલદેવ પર આક્રમણ કર્યું અને 1321માં ચિત્તોડ પર ફરી રાજપુત શાસનની સ્થાપના થઈ.

અલાઉદ્દીનના સમયકાળમાં જ તેલંગાના પર વિજય હાંસલ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ભારતમાં વિજય માટે મલિક કાફુરે વ્યૂહ રચના ઘડી હતી. તેલંગાનાના શાસક પ્રતાપ રુદ્રદેવ દ્વિતીયએ પોતાની સોનાની મૂર્તિ બનાવી તેના ગળામાં સોનાની માળા નાંખી આત્મસમપર્ણ કરવાના હેતુસર મલિક કાફુર પાસે મોકલી હતી. આ પ્રસંગે જ પ્રતાપ રુદ્રદેવે સુપ્રસિદ્ધ કોહીનૂર હીરાને પણ મલિક કાફુરને સોંપ્યો હતો.

અલાઉદ્દીન ક્રૂર હતો તો એક કૂશળ શાસક પણ હતો. આંતરડાના રોગથી પીડીત અલાઉદ્દીન ખીલજીનો અંતિમ સમય અત્યંત ખરાબ હતો. 2 જાન્યુઆરી 1316માં ખીલજીનું મૃત્યુ થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp