આ લોકો, સરકાર કંઈક કરશે અથવા સરકાર કંઈ જ કરતી નથી, તેવું માની બેસી રહેતા નથી

PC: meranews.com

થોડા દિવસ પહેલા મારે હસમુખ પટેલને મળવાનું થયુ, આમ તો તેમનો અને મારો પરિચય બહુ જૂનો છે, પણ તેમને જયારે પણ કોઈ  વ્યકિત લાંબા સમય પછી ફોન કરે અને પૂછે કે હસમુખભાઈ કેમ છો? એટલે તેઓ કેમ છોનો જવાબ આપવાને બદલે તરત સામો સવાલ કરે તમે મને જ ફોન કર્યો છે કે પછી પુર્વ શિક્ષણ મંત્રી હસમુખ પટેલને ફોન કર્યો છે. પછી ખડખડાટ હસી પડે, ગુજરાતના રાજકારણને નજીકથી ઓળખનારા બન્ને હસમુખ પટેલના નામથી પરિચીત છે. હું જે હસમુખ પટેલની વાત કરી રહ્યો છું તે હસમુખ પટેલ દાતા પાસેના એક નાનકડા ગામમાં પોતાની હેસિયત અને મિત્રોની મદદથી એક સેવા યજ્ઞ ચલાવે છે. તે ત્યાં ગરીબ માણસો, વિધ્યાર્થીઓ અને હવે ઉનાળો હોવાને કારણે પશુઓની પણ ચિંતા કરે છે.

મૂળ સર્વોદય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હસમુખ ખાદી ધારી છે. પણ આપણે જોયેલા ખાદીધારીઓ કરતા સાવ જુદા માણસ છે. આજે તેમને સરકાર અને સરકાર સાથે સંકળાયેલા લોકો પસંદ કરતા નથી. કારણ તેઓ કાયમ વંચિતો માટે લડે અને તેમના માટે જે કંઈ થાય તેના પ્રયત્નો કરતા રહે. ઘણા તેમને ભાજપ વિરોધી પણ માને છે. આવું જ કઈક પ્રકાશ ન શાહના કિસ્સામાં પણ છે. પ્રકાશ ન શાહ પણ જાહેરમાં સરકાર વિરૂધ્ધ બોલે અને લખે. અહિયા મેં એક ખાસ શબ્દનો પ્રયોગ કર્યો. જેમાં મેં સરકાર શબ્દનો પ્રયોગ કર્યો છે. ભાજપ નહીં. પણ છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવાને કારણે લોકોના મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે તમે સરકાર સામે બોલો એટલે ભાજપ સામે જ બોલો છે. હસમુખ પટેલ અને પ્રકાશ ન શાહ જેવા માણસો સરકાર એટલે વ્યવસ્થા સામે લડે છે.

આશ્ચર્ય તે વાતનું છે કે ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી નાંખી ત્યારે હસમુખ પટેલ અને પ્રકાશ ન શાહ જેવા તે વખતના અનેક યુવાનો જેમને આજે ભાજપ વિરોધી સમજવામાં આવે છે. તે બધા ઈન્દિરા ગાંધીની કટોકટીનો વિરોધ કરવાને કારણે મહિનાઓ સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ત્યારે ભાજપનું અસ્તિત્વ ન્હોતુ. નહીંતર કોંગ્રેસવાળા ત્યારે તેમને ભાજપવાળા જ માની લેતા. ખેર, કોણ શું માને છે તે મહત્વનું કયારેય હોતુ નથી. વાત અહિંયા થોડીક જુદી છે. દાતા જેવા આદિવાસી વિસ્તારમાં ગરીબો અને વંચિતો માટે કામ કરતા હસમુખ પટેલને જોઉં ત્યારે હ્રદયને ટાઢક પહોંચે છે. હું ક્રમશ માનવા લાગ્યો છું કે વ્યવસ્થા સામે લડવુ જોઈએ બોલવુ જોઈએ. પણ વ્યવસ્થા સામે લડતા લડતા જીંદગી ખર્ચી નાખવાને બદલે આપણે સમાંતર કઈ રીતે બીજી વ્યવસ્થા ઉભી કરીએ અને લોકોની મદદથી કઈ રીતે બદલી શકાય અથવા તેમા સુધારો કઈ રીતે થઈ શકે તે દિશામાં પણ વિચારવુ જોઈએ.

આપણે ત્યાં વ્યવસ્થા ( અહિયા ભાજપ-કોંગ્રેસની વાત નથી) સામે લડનાર અનેક લોકો છે. આપણે તેમને સલામ કરીએ છીએ, પણ મારો અનુભવ કહે છે, વ્યવસ્થા સામેની લડાઈ બહુ લાંબી હોય છે. પરિણામની શકયતા બહુ ઓછી હોય છે. આ ઉપરાંત સરકારના ભરોસે બેસી શકાય તેવી સ્થિતિ પણ સારી નથી. આપણે ત્યાં અનેક સેવા યજ્ઞ કરનારા લોકો એવા છે જેઓ રાજયનાં કોઈ એક ખુણામાં સરકારની મદદ મળે તો પણ ઠીક અને ના મળે તો પણ ઠીક પોતાની ધુણી ધખાવી બેઠા છે. પછી તે અમદાવાદની મીત્તલ પટેલ નામની યુવતી જે ઘણા વર્ષોથી દેહ વ્યાપાર કરતી મહિલાઓ અને વિચરતી જાતિના લોકો માટે લડી ઝઘડી અને  શ્રેષ્ઠીઓની મદદ લઈ પોતાનું કામ કરે છે. આ જ પ્રકારે મહારાષ્ટ્રમાં ડૉ પ્રકાશ આમટે( બાબા આમટેના પુુત્ર) વર્ષોથી પિતાના પગલે જંગલ વિસ્તારમાં આદિવાસીઓની સેવા કરી રહ્યા છે. આ યાદી તો બહુ લાંબી છે.

આ તમામ લોકોએ સરકાર કંઈક કરશે અથવા સરકાર કંઈ જ કરતી નથી, તેવું માની બેસી રહેતા નથી. જરૂર પડે ત્યાં વ્યવસ્થાનું ધ્યાન દોર્યુ, જરૂર પડે ત્યાં વ્યવસ્થા સામે આકરા પણ થયા પણ માત્ર વ્યવસ્થા સામે બંદુકો તાકી ઉભા રહેવાને બદલે એક નવી વ્યવસ્થા ઉભી કરી અને નાની નાની ઘટનાઓ દ્વારા તેમણે લોકોની જીંદગીમાં નોંધપાત્ર બદલાવ જોયો છે.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp