ગુજરાતના લૂંટાવદર ગામમાં કેમ લૂંટ થાય છે?

PC: google.co.in/maps

ગુજરાતનું એક ગામનું નામ છે લુંટાવદર. મોરબી જિલ્લાનું આ ગામનું નામ જેવું છે એવું ત્યાં પણ લૂંટ કરવા માટે મધ્યપ્રદેશથી ગેંગ આવે છે. અહીં લૂંટ કરવાની અનેક ઘટનાઓ બની છે. 17 ઓક્ટોબર 2018ના રોજ પણ આવી એક ઘટના બની હતી. ભોળા ગામજનોને લૂંટવા માટે નકલી સોનું પધરાવી દેવા માટે એક ટોળકી આવી હતી. જેને ગામના લોકોએ પકડી પાડીને તેને લૂંટ કરવા દીધી ન હતી. આમ લૂંટાવદર ગામના લોકો હવે લૂંટ ચલાવનારા સામે સાવધ થઈ ગયા છે. જોકે હજુ અહીં સરકારી અધિકારીઓ અને રાજનેતાઓ લૂંટ ચલાવે છે તે અંગે ગામના લોકો કંઈ કરી શક્યા નથી. કારણ કે લૂંટાવદર ગામના લોકો માને છે કે તેઓ મોટા લૂંટારાઓ છે એટલે જલદી પકડી શકાતા નથી અને તેઓ લૂંટાવદરને લૂંટીને જતાં રહે છે.

નવરાત્રીના તહેવારોમાં જે રીતે પોરબંદરમાં રૂ.450 કરોડનું સોનું પહેરીને મહિલાઓ રાસ લે છે તેમ છતાં ત્યાં કોઈ લૂંટ થતી નથી. પણ મોરબીમાં નવરાત્રીના તહેવાર બાદ હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભોળા લૂંટાવદરના ભલા ગામગ્રામજનોને છેતરવા ચિટર ટોળકી શિકાર શોધવા આવી હતી. આ ટોળકી સોનુ ચકાવવા માટે આવી હતી. લૂંટાવદર ગામમાં બે ગાંઠિયાઓ સોનું ચમકાવી દેવાને બહાને છેતરપિંડી આચરવા આવ્યા હતા. પરંતુ જાગૃત ગ્રામજનો ગાઠીયાઓની દાનત પારખી જતા બન્ને ને પકડી પાડીને ગ્રામજનો બન્ને ગાઠીયાઓને બરાબરનો મેથીપાક આપી ગામના પાણીના પરબમાં પુરી દીધા હતા. બાદમાં લૂંટાવદરના ગ્રામજનોએ બન્ને લૂંટારા ગાઠીયાઓને મોરબી તાલુકા પોલીસ મથકને હવાલે કર્યા હતા.

મધ્ય પ્રદેશની ટોળકી લૂંટાવદર કેમ પહોંચી

જૂન 2018માં લૂંટાવદર ગામ નજીક વેપારીની આંખમાં મરચું છાંટી સાત કિલો ચાંદીના દાગીનાની લૂંટ ચલાવનાર બે લૂંટારાઓને પોલીસે પકડી પાડ્યા હતાં. બાઈકમાં આવેલા શખ્શો દાગીના કીમત રૂ.1.20 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા. સાગરસિંગ આલમસિંગ ડાવર અને ઇદં કડકસિંગ ઉર્ફે ઝહરસિંગ અલાવા રહે બંને જી.ધાર મધ્યપ્રદેશવાળાને ઝડપી લઈને તેની પાસેથી નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ તથા બે મોબાઈલ પકડી પાડ્યા હતા. લૂંટનો મુદામાલ મધ્યપ્રદેશમાં જોબટમાં સોની વેપારીને વેંચી દીધા હતા. મધ્ય પ્રદેશમાં રહેતાં અન્ય આરોપી ખીમન તુસુ મચ્છાર તથા દિલીપ અને મળીયાસિંગને પણ પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

29 લાખની નોટો સાથે પકડાયા

20 ડિસેમ્બર 2016ના દિવસે મોરબી- મોરબી નજીકથી નવી 12 લાખની નોટો સહિત કુલ 29 લાખની કરન્સી સાથે ચાર લોકો ઝડપાયા હતા. લુંટાવદર નજીકથી પસાર થતી કાર રોકીને તેની તલાસી લેતા કારમાંથી 2000ના દરની નવી નોટો 600 નંગ (રૃા.12 લાખ) 100ના દરની નોટો નંગ 16,000 રૃા.16 લાખ) અને 50ના દરની 2000 નોટો (રૃા.1 લાખ) મળીને કુલ રૃપિયા 29 લાખ મળી આવી હતી. વેરા ચોરીની આ રકમ હોવાથી આવકવેરા વિભાગને તે અંગે જાણ કરવામાં આવી હતી.

પશુની ચોરી

એ જ રીતે 3 જાન્યુઆરી 2017માં લીલાપર, નવાગામ, જોધપર, અદેપર અને લુંટાવદર સહિતના ગામોમાં રાત્રીના સમયે અમુક લોકોની ટોળકી વાહનોમાં આવીને પશુઓને વાહનોમાં ઉઠાવી જતાં કિસ્સા બની રહ્યા છે. ચોરી કરીને અન્ય જગ્યાએ વેચી નાખવાનું કૌભાંડ તાલી રહ્યું હતું.

શિયળ લૂંટાયું

મૂળ રાજસ્થાનના અને હાલ મોરબીમાં રહીને મજૂરી કામ કરતા દંપતીને એક બાઈક પર આવી રવિ ઉર્ફે જીગો ગોવિંદ ઝાલરીયા નામના 20 વર્ષના છોકરાએ દંપતીને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને બાઈકમાં બેસાડી ગયો હતો. પરિણીતાને ઉતારી દીધી હતી અને આગળ તેણે પુરુષને ઉતારી દીધા બાદ આ બાઈક સવાર શખ્સ પરત ફર્યો હતો. અને પરિણીતાને હું કહું તેમ કરવું પડશે તેમ કહીને કનિદૈ લાકિઅ કાઈ આનાકાની કરીશ તો તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધાક ધમકીઓ આપીને પરિણીતાની મરજી વિરુદ્ઘ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. યુવાન મોરબીના લુંટાવદર ગામનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું.

મરચું નાંખી સોનીની લૂંટ

મોરબીના લુંટાવદર ગામના રહેવાસી અને પીપળીયા ચાર રસ્તા પાસે અંબિકા જવેલર્સ નામની દુકાન ધરાવતા સોની વેપારી ધીરજલાલ શિવલાલ પારેખ રાત્રીના સમયે પોતાની દુકાન બંધ કરીને ઘર જઈ રહ્યા હતા ત્યારે લુંટાવદર ગામના પાટિયા પાસે ત્રણ સવારી બાઈકમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ સોની વેપારી કશું જ સમજે તે પહેલા તેની આંખમાં મરચાની ભૂકી છાંટીને સોની વેપારી પાસે રહેલા દાગીના ભરેલાં થેલાની લૂંટ ચલાવી હતી જેથી ભોગ બનેલા વેપારીની સાત કિલો ચાંદીની ચોરીની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસે લુટારુ શખ્સોને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.

પોલીસે પણ લૂંટ કરી

અંબિકા જવેલર્સ વાળા ધીરજલાલ પારેખને આંતરીને કરવામાં આવેલી લુંટમાં ત્રણેય લૂંટારુઓ દાગીના ભરેલ થેલો લઇ ગયા હોવાથી ભોગ બનનારના પરિવારજનો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, લુટારુઓ કુલ મળીને સાડા છ તોલા જેટલું સોનુ અને આઠ કિલો જેટલી ચાંદીના દાગીના લુંટી ગયા હતા. તેની બજાર કીમત પાંચેક લાખ જેટલી હતી, અને તે મુજબ જ ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસ ચોપડે માત્ર સાત કિલો ચાંદીની જ લુંટ દર્શાવવામાં આવી છે અને તેની કિમત માત્ર 1.20 લાખ ગણવામાં આવી છે જેથી પોલીસ ચોપડે લુંટાયેલા દાગીનાની કિમત કેમ ઘટી ગઈ છે તે તપાસનો વિષય હતો. એક કિલો ચાંદીની વર્તમાન બજાર કિંમત રૂ.39000 હતી પણ પોલીસે ગણ્યા માત્ર રૂ.17000! આમ બે રીતે વેપારીને લૂંટી લેવામાં આવ્યા હતા.

હપ્તાની લૂંટ

લૂંટાવદરમાં દારુનું વ્યસન વ્યાપક છે. તેથી અહીં દારુનો ધંધો કરનારા વધું ભાવ લઈને દારૂડીયાઓની લૂંટ કરે છે. દારુના અડ્ડાઓ પાસેથી પોલીસ હપ્તા લઈને લૂંટ કરે છે. જોકે હપ્તા લેતા હોવાની લૂંટ અંગે સત્તાવાર રીતે હજુ કોઈએ ફરિયાદ કરી નથી. તેથી દર વર્ષે તેઓ લૂંટનો માલ ઘરભેગો કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp