આનંદીબેન પટેલને યુપી ઉપરાંત વધુ એક રાજ્યના રાજ્યપાલનો ચાર્જ સોંપાયો

PC: Scroll.com

રાજ્યમાં રાજકીય ચહલપહલના માહોલ વચ્ચે એક મહત્ત્વના વાવડ મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલની સાથોસાથ મધ્ય પ્રદેશના રાજ્યપાલનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. આ એક વધારાની જવાબદારી આનંદીબેનને સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ભારતના રાષ્ટ્રપતિએ લાલજી ટંડનની ગેરહાજરીમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલના કાર્યની વધારાની એક જવાબદારી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત આનંદીબેન પટેલને આપી છે.

રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ નિર્ણય સંબંધી પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી. મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એમની આ ગેરહાજરીને ધ્યાને લઈને આનંદીબેનને આ વધારાનો ચાર્જ સોંપાયો છે. મધ્ય પ્રદેશમાં રાજ્યપાલ તરીકે લાલજી ટંડન જે જરૂરી નિર્ણય લેતા એ તમામ હવે આનંદીબેન પટેલ લઈ શકશે. લાલજી ટંડનની ઉંમર 85 વર્ષની છે અને ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં આવેલી મેદાંતા હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી છે. તા. 11 જૂનથી તેઓ આ હોસ્પિટલમાં સારવાર હેતુ એડમિટ થયા હતા. હાલમાં એમની સ્થિતિ સારી છે એવું જાણવા મળ્યું હતું.

લખનૌની મેદાંતા હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે, હાલમાં લાલજી ટંડનની સ્થિતિ સારી છે. એમનું ડાયાબિટીઝ કંટ્રોલમાં છે. એમની કિડની, હાર્ટ તથા લીવરની સ્થિતિ અગાઉ કરતા ઘણી સારી છે. લાલજી ટંડનનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. લીવરની બીમારીને કારણે એમનું ઑપેરશન કરવામાં આવ્યું હતું. હવે મધ્ય પ્રદેશમાં લાલજી ટંડનના બદલે આનંદીબેન પટેલ કાર્યભાર સંભાળશે. આનંદીબેન પટેલ અગાઉ પણ મધ્ય પ્રદેશ રાજ્યના રાજ્યપાલ રહી ચુક્યા છે. ઓગસ્ટ 2018માં તેમને છત્તીસગઢના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. જૂલાઈ 2019થી તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ રહ્યા છે. હવે ફરી એકવખત વધારાનો ચાર્જ સોંપાયો છે. આવનારા થોડાં સમયમાં લાલજી ટંડન સ્વસ્થ થઈને ફરી પોતાનો કાર્યભાર સંભાળશે. મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની કેબિનેટ ટીમનો વિસ્તાર થાય એવા એંધાણ છે. એવામાં આનંદીબેન પટેલ નવા મંત્રીઓને શપથ લેવડાવે એવી પૂરી સંભાવના છે. 30 જૂનના રોજ શિવરાજ મંત્રીમંડળનો વિસ્તાર થાય એવી શક્યતાઓ છે. તા. 28 જૂનના રોજ શિવરાજસિંહ ચૌહાણ દિલ્હીની મુલાકાતે ગયા હતા. જ્યાં ભાજપના મોટા પદાધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp