કિન્નાખોરી પરાકાષ્ઠાએ: આમંત્રણપત્રિકામાં નામ ન હોવાથી ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઠરી ગઈ

PC: financialexpress.com

ગુજરાતની પ્રજાએ MLAને કામ કરવા માટે ચૂંટીને મોકલ્યા છે. પણ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પ્રજાના કામો પડતાં મૂકીને આમંત્રણ પત્રિકામાં પોતાનું નામ છાપવાના પ્રશ્ન પર તોફાન મચાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લાં 15 વર્ષથી કિન્નાખોરીનું રાજકારણ શરૂ થયું છે તેમાં હવે પરાકાષ્ઠા જોવા મળી રહી છે. સરકારી કે અર્ધસરકારી કામોના ઉદઘાટન કે સમારંભ માટે પ્રજાના પૈસે લાખોના ખર્ચે આમંત્રણ પત્રિકાઓ છાપવામાં આવતી હોય છે. તેમાં સત્તાધારી પક્ષ સામેના પક્ષનું નામ છાપતાં નથી. આ સીલસીલો 2001થી શરૂ થયો છે.

કોંગ્રેસના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવતું ન હોવાથી સામે વેરની વસુલાત માટે કોંગ્રેસ પણ હવે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ભાજપના ધારાસભ્ય કે ચૂંટાયેલા સભ્યોના નામ લખવાનું બંધ કરી દીધું છે. આ મુદ્દે રોજ એક ઘર્ષણ થઈ રહ્યું છે. જેમાં પ્રજાના પ્રશ્નો અને વિકાસ ભુલાઈ જાય છે અને નીજી સ્વાર્થ માટે ઘમાસાણ સર્જાય છે. ભાવનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. જેમાં રૂ.708 કરોડનું પ્રજા લક્ષી બજેટ રજૂ થયું હતું પણ ભાજપે તે નાણાકીય આયોજનો અને પ્રજાના પ્રશ્ન અંગે ચર્ચા કરવાના બદલે ઉદઘાટન કાર્યક્રમના કાર્ડમાં તેમના ધારાસભ્યોના નામ કેમ છાપવામાં આવ્યા નથી. એવો પ્રશ્ન ઊભો કરીને ધમાલ મચાવી દીધી હતી.

બજેટની ચોપડી ફાડીને ફેંકી હતી. તેમણે એક કલાક ધમાલ કર્યા બાદ સામાન્ય સભાનો બહિષ્કાર કરી દીધો. પણ પ્રજાના પ્રશ્ન અંગે કોઈ ચર્ચા કરવાની તૈયારી ન બતાવી. કોંગ્રેસે કહ્યું કે શહેરમાં લોકાર્પણના સરકારી કાર્યક્રમ થયા ત્યારે ભાજપ સરકારે પણ કોઈને અમંત્રણ આપ્યું ન હતું. કોંગ્રેસે પણ આ બજેટ પર કોઈ ચર્ચા કરવાના બદલે રૂ.708 કરોડનું બજેટ માત્ર 7 મીનીટમાં જ પસાર કરી દીધું હતું. આવું જ મોઢેરાના સૂર્ય મંદિરના નૃત્યના કાર્યક્રમમાં થયું છે. તેની આમંત્રણ પત્રિકામાં કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોરનું નામ ન છપાતાં તેમણે મહેસાણા કલેક્ટરની સમક્ષ ઉગ્ર રજુઆત કરી છે. આમ પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાના બદલે આમંત્રણ ન આપવા અને આપવાના મુદ્દે પ્રજાના પ્રતિનિધિઓ લડી રહ્યાં છે. કિન્નાખોરીનું રાજકારણ રમી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp