બ્રિજેશ મેરજા મોરબી ભાજપના ઉમેદવાર લખેલું પોસ્ટર વાયરલ થતા વિવાદ

PC: toiimg.com

રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. જેથી આગામી દિવસોમાં ગુજરાતમાં 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે. હજુ તો ચૂંટણીપંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત અને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવારોના નામ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યા ત્યાં બ્રિજેશ મેરજા ચર્ચામાં આવ્યા છે.

આગામી દિવસોમાં યોજાનાર 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે બ્રિજેશ મેરજાને મોરબી, માળીયા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હોય તેવું એક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયુ છે. આ પોસ્ટર વાયરલ થતાં ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. ભાજપના આઇ.કે. જાડેજા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મૌખિક રીતે મોરબી, માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી આવેલા બ્રિજેશ મેરજાને ઉમેદવાર તરીકે ટિકિટ આપશે એવું નિવેદન આપ્યું હતું પરંતુ આ બાબતે હજુ સુધી ઓફિશિયલ માહિતી ભાજપ દ્વારા આપવામાં આવી નથી. ત્યારે આગામી 5મી ઓગસ્ટના રોજ રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમને લઇ બ્રિજેશ મેરજાનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, '5મી ઓગસ્ટ આપણા ઘરની બહાર એક દીવો પ્રગટાવો, 500 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવી રહ્યુ છે' અને નીચે લખવામાં આવ્યું છે 65 મોરબી, માળિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી બ્રિજેશ મેરજા.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સાંસદ મોહન કુંડારિયા અને જિલ્લા ભાજપ અધ્યક્ષનો ફોટો લગાવવામાં આવ્યો છે પરંતુ પોસ્ટરમાંથી માજી ધારાસભ્ય કાંતિ બલરની બાદબાકી કરવામાં આવી છે.

મહત્ત્વની વાત કહી શકાય કે, હજી તો પેટા ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ અને કોઈ પક્ષ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી ત્યાં મોરબી બેઠક પરથી ઉમેદવાર તરીકેનો બ્રિજેશ મેરજાનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp