CM રૂપાણીએ પણ માન્યું રજીસ્ટર થયેલા કેસ કરતા પોઝિટિવ કેસ વધારે છે

PC: newindianexpress.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. દર્દીઓને બેડ માટે વેઇટિંગમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર પડે તો તેની ગુજરાતમાં શૉર્ટેજ છે. તેથી આ ઇન્જેક્શનના સ્ટોકને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે.

રેમડેસિવીર ઇન્જેક્શન બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આંકડા ખોટા નથી. આજે આપણી પાસે 35 હજાર જેટલા કેસ છે. પણ આ 35 હજારને રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર નથી. 35 હજાર જે કેસ છે એ રજિસ્ટર થયેલા કેસ છે. જ્યાં લેબોરેટરીમાં ટેસ્ટ થાય છે અને લેબોરેટરી દ્વારા ભારત સરકારની પોર્ટલ પર આંકડાઓ દર્શાવવામાં આવે છે તે આંકડા છે. ઘણા લોકોએ બારોબાર ટેસ્ટ કરાવ્યા છે અને કોરોના થયો હશે તો તેમને ઘરે બેસીને સારવાર લીધી હશે. આ આંકડાઓ કદાચ આમાં ન પણ આવતા હોય.

અત્યારે 35 હજાર દર્દીઓ છે. તેમાંથી માની લઈએ કે 50 ટકા લોકોને આ ઇન્જેક્શનની જરૂર પડી. 17 હજાર લોકોને ઇન્જેક્શનની જરૂર પડે એટલે 6 ડોઝ આપવામાં આવે તો 1.50 લાખ રેમડેસિવીર આમાં વપરાયા છે. બાકીના ઇન્જેક્શન આપણે ત્યાં જે લોકો રજિસ્ટ્રેશન નથી થયા અને તેમને સારવાર દરમિયાન ઇન્જેક્શનની જરૂર પડી છે તો તેમને મળ્યા છે. 4 લાખ ઇન્જેક્શન માટે પોણા બે લાખ જેટલા ઇન્જેક્શન તો રાજ્યના સ્ટોકિસ્ટો પાસે ગયા છે. એટલે સ્ટોકિસ્ટો દ્વારા આ ઇન્જેક્શન કોને આપવામાં આવ્યા એ ખબર નથી અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે તેમને ઇન્જેકશન આપ્યા હશે. સરકારે જે ઇન્જેકશન આપ્યા છે તે બે લાખ ઇન્જેકશન આપ્યા છે.

રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે બેડની શોર્ટેજને લઈને તેમને જણાવ્યું હતું કે, જે કોરોના આંકડાઓ છે તેમાંથી 70 ટકા જેટલા આંકડાઓ ચાર મહાનગરોમાં જ સામે આવે છે અને ચાર મહાનગરોની અંદર જ બેડની ઘટ સામે આવી છે. બીજા 30 ટકામાં ગુજરાત છે. 15 માર્ચે રાજકોટની અંદર 3000 બેડ હતા. અમે 20 દિવસની અંદર 3000 બેડના 6000 બેડ કર્યા. રોજ તેની સામે 500થી 600 જેટલા કેસ આવે છે. એટલે 10 દિવસની અંદર જ 6000 કેસ સામે આવ્યા છે. એક દર્દીને સારવાર લેતા 14 દિવસ લાગે છે. એટલે તેને બેડ ખાલી કરવા માટે 14 દિવસનો સમય લાગે છે. 14 દિવસમાં હિસાબ કરો તો કેટલા બેડ જોઈએ એટલે જ સરકાર ફ્યુચર પ્લાનિંગ કરે છે. એટલે જ આગામી દિવસોમાં 25% બેડ વધારવામાં આવશે. એક તરફ બેડ ભરાતા જાય છે અને બીજી તરફ સરકાર બેડ વધારતી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp