2018મા યોજાયેલી 9 વિધાનસભાની ચૂંટણીમાં આ રાજ્યોમાં કોંગ્રેસ માટે દરવાજા થયા બંધ

PC: india.com

વર્ષ 2018મા દેશમાં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ. આ તમામ ચૂંટણીઓને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની સેમી ફાઇનલ તરીકે જોવામાં આવી કારણ કે, આ એક વર્ષ દરમિયાન જે રાજ્યોમાં ચૂંટણી થઈ તેના આધારે આગામી લોકસભાની ચૂંટણીમાં કયો પક્ષ ચૂંટણીમાં રંગ દેખાડશે તે સાબિત કરશે. જોકે, આ 9 રાજ્યોમાં પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં સત્તાસ્થાને રહેલી કોંગ્રેસને ભારે ફટકો પડ્યો છે અને આ ચૂંટણીઓમાં આ રાજ્યોમાં ભાજપનું ખાતુ ખૂલ્યું છે, તો કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણી બાદ થયેલા ભારે નાટકના અંતે ખૂબ જ ઓછા દિવસમાં ફ્લોર ટેસ્ટમાં ભાજપની યેદિયુરપ્પાની સરકાર પડી ગઈ હતી અને તેના સ્થાને કોંગ્રેસ જનતા દળ (એસ)ને સમર્થન આપીને સરકાર રચવામાં સફળ થયું. આ ઉપરાંત હિન્દી હાર્ટલેન્ડ ગણાતા રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની આશાઓ પર કોંગ્રેસે પાણી ફેરવી દેતા આ ત્રણે રાજ્યોમાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. તો પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં કોંગ્રેસને બહુ મોટો ફટકો પડ્યો અને ત્યાં મિઝો નેશનલ ફ્રન્ટે તેની પાસેથી સત્તા આંચકી લઈને સરકાર બનાવી છે. તો આવો નજર કરીએ આ 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના આ સ્પેશિયલ રિપોર્ટ પર.

ત્રિપુરામાં ભાજપનો ભગવો લહેરાયો

સૌથી પહેલા નજર કરીએ વર્ષના પહેલા ત્રણ મહિના દરમિયાન પૂર્વોત્તર રાજ્ય પૈકીના ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી પર તો 18મી ફેબ્રુઆરીના રોજ 59 બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જ્યાં 1998થી સત્તા પર રહેલી વામ મોરચાની માણિક સરકારને મોટો ફટકો પડ્યો અને તેના સ્થાને ભાજપની સરકાર બની. આ ચૂંટણીમાં ભાજપની મહેનત અને નીતિ રંગ લાવી અને પહેલી વખત આ રાજ્યમાં ભાજપને 35 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસ એક પણ બેઠક પર પોતાનું ખાતુ ન ખોલાવી શકી. આ ચૂંટણીમાં ભાજપને ફાળે 43 ટકા મત પડ્યા તો કોંગ્રેસને માત્રને માત્ર 1.8 ટકા જ મત મળ્યા હતા.

ભાજપે મેઘાલયમાં બગાડી કોંગ્રેસની બાજી

હવે નજર કરીએ પૂર્વોત્તરના બીજા રાજ્ય મેઘાલય પર, તો આ રાજ્યમાં 27મી ફેબ્રુઆરીએ મતદાન થયું જેમાં 60 બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 21 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવી હતી પરંતુ 19 બેઠકો સાથે બીજા નંબર પર રહેલી નેશનલ પીપલ પાર્ટીને છ બેઠકો જીતનાર યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીએ સમર્થન કર્યું તો સાથે સાથે PDF અને ભાજપ જે બે-બે બેઠકો પર જીત્યું છે. તેણે પણ નેશનલ પીપલ પાર્ટીને સમર્થન કરતા અહીં નેશનલ પીપલ પાર્ટીની સરકાર બની હતી. આમ અહીં પણ કોંગ્રેસની સરકાર બનાવવાની આશા પર ભાજપે પાણી ફેરવી દીધું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને કુલ મતોના 28.5 ટકા મત મળ્યા હતા. નેશનલ પીપલ પાર્ટીને 20.6 ટકા અને ભાજપને માત્ર 9.6 ટકા મત મળ્યા હતા.

નાગાલેન્ડમાં કોંગ્રેસની નૈયા સંપૂર્ણપણે ડૂબી ગઈ

હવે વાત કરીએ નાગાલેન્ડની તો 60 બેઠકો ધરાવતા નાગાલેન્ડ વિધાનસભામાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો જંગ રહ્યો હતો. અહીં પણ કોંગ્રેસનું ખાતુ ખૂલ્યું ન હતું અને તેને માત્ર 2.1 ટકા જ મત મળ્યા હતા. આ રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે નાગા પીપલ્સ ફ્રન્ટ 27 બેઠક સાથે પહેલા નંબરે રહ્યો. બીજા નંબરે રહેલા નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને 17 બેઠકો મળી હતી અને તેને ભાજપ, અપક્ષ અને JDUનું સમર્થન મળ્યું છે. આ ચૂંટણીમાં ભાજપને 12, JDUને 1 અને 1 અપક્ષને ફાળે બેઠકો ગઈ છે. આમ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના સમર્થનમાં પોતાના પક્ષની 17 બેઠકો ઉપરાંત 14 ધારાસભ્યોનું સમર્થન મળતા તેણે સરકાર બનાવી છે. આમ ભાજપે અહીં પણ પોતાના સમર્થનવાળી સરકાર બનાવવામાં સફળતા મેળવી છે.

કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકારના નાટકનો આવ્યો નાટ્યાત્મક અંત

પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ બાદ હવે વાત કરીએ દક્ષિણના મોટા રાજ્ય કર્ણાટકની તો 224 બેઠકો ધરાવતી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 12મી મેના રોજ યોજાઈ. આ ચૂંટણીમાં 72.13 ટકા બમ્પર મતદાન થયું અને અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો અને બંને પક્ષો માટે આ રાજ્ય પ્રતિષ્ઠાનો જંગ બની ગયો હતો. ચૂંટણી પરિણામો બાદ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરીને બહાર આવ્યો હતો. તેને આ ચૂંટણીમાં 36.2 ટકા મત સાથે 104 બેઠકો મળી હતી, જે બહુમતીના જાદુઈ આંકડાથી 8 બેઠકો દૂર હતી. બીજી બાજુ 38 ટકા મતો સાથે કોંગ્રેસને 78 બેઠકો તેમ જ જનતા દળ સેક્યુલરને 18.3 ટકા મત સાથે 37 બેઠકો મળી હતી. જોકે આ બન્ને પક્ષોનું ગઠબંધન હોવા છતાં તેમને પણ વિધાનસભામાં સરકાર રચવા માટે જાદુઈ આંકડાને પાર કરી દીધો હતો. જોકે આ રાજ્યમાં સરકાર રચવા માટે કોંગ્રેસ અને જનતા દળ સેક્યૂલરે સરકાર રચવાનો દાવો કર્યો હતો. બીજી બાજુ ભાજપે પણ સરકાર રચવા માટે દાવો કર્યો હતો પરંતુ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ કોંગ્રેસ અને જનતા દળ સેક્યૂલરને સરકાર રચવા આમંત્રણ ન આપી રાતોરાત ભાજપને આમંત્રણ આપ્યું હતું અને ભાજપના યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ પણ લેવડાવી દીધા હતા. આ કારણે ભારે વિવાદ અને વિરોધ થયો હતો અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ દ્વારા યેદિયુરપ્પાને બહુમતી પુરવાર કરવા જે સાત દિવસનો સમય આપ્યો હતો, તેના બદલે સુપ્રીમ કોર્ટે માત્ર એક જ દિવસમાં બહુમતી પુરવાર કરવાનો સમય આપ્યો હતો. જેના કારણે ભાજપ કર્ણાટકમાં તોડજોડ કરી શક્યું નહિ અને છેવટે વિધાનસભાના ફ્લોર પર યેદિયુરપ્પા બહુમત પુરવાર ન કરી શકતા તેમણે રાજીનામું આપી દીધું હતું અને પછી કોંગ્રેસે નવો દાવ ખેલીને જનતા દળ સેક્યૂલરને સમર્થન આપીને તેમના નેતા કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો અને આમ કર્ણાટકના નાટકનો અંત આવ્યો અને જનતા દળ સેક્યૂલર જે માત્ર 37 બેઠકો પર હોવા છતાં પણ કુમારસ્વામી આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને કોંગ્રેસના સમર્થનમાં બહુમત પણ પુરવાર કરી દીધો.

રાજસ્થાનમાં અશોક બન્યા સમ્રાટ અને સચિન બન્યાં પાયલટ

હવે વાત કરીએ હિન્દી હાર્ટલેન્ડ એવા રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની. સૌ પહેલા રાજસ્થાનની વાત કરીએ તો 200 બેઠકો ધરાવતી રાજસ્થાન વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ હતો. રાજસ્થાનમાં દેશના રાજયો કરતા એક અલગ ચૂંટણી પેટર્ન રહી છે. અહીં છેલ્લા કેટલાય સમયથી દર પાંચ વર્ષે સત્તામાં પાર્ટી બદલાતી રહી છે એટલે કે એક વખત કોંગ્રેસ સત્તામાં હોય તો તેના પછીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તા મળતી આવી છે. અગાઉ કોંગ્રેસના અશોક ગેહલોતની સરકારને હરાવીને 2013મા વસુંધરા રાજેના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી. વર્ષ 2013મા ભાજપને 163 બેઠકો મળી હતી, જોકે તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં 90 બેઠકોના નુકશાન સાથે ભાજપ 73 બેઠકો પર જ વિજય મેળવી શકી હતી. તો સામે છેડે કોંગ્રેસને વર્ષ 2013મા માત્રને માત્ર 21 બેઠકો જ મળી હતી પરંતુ આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં 78 બેઠકોના ફાયદા સાથે 99 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવી હતી. જોકે વિધાનસભાની બેઠકોને જોતા 101 બેઠકો બહુમત માટે જોઈએ તેની સામે કોંગ્રેસ બહુમતથી 2 બેઠકો દૂર રહી હતી. જોકે, બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસને રાજસ્થાનમાં સમર્થન આપવાની જાહેરાત કરી હતી. આ ચૂંટણીમાં રાજસ્થાનમાં બસપાના છ ઉમેદવારો વિજયી થયા છે એટલે બસપાના સમર્થન સાથે કોંગ્રેસનું સંખ્યાબળ 105નું થઈ ગયું છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક રાજસ્થાનના સમ્રાટ બન્યા તો યુવા નેતા સચિનને પાયલટ બનાવવામાં આવ્યા છે. આમ અહીં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લઈને 2019ની ચૂંટણી પહેલા રાજસ્થાનમાં મોટું નુકશાન કરી દીધું છે.

કમળને કચડીને કમલ બન્યા મધ્ય પ્રદેશના નાથ

હવે વાત કરીએ મધ્ય પ્રદેશની તો છેલ્લા 15-15 વર્ષથી રાજ્યમાં શાસન કરી રહેલા ભાજપને આ વખતે પણ ફરી વખત સત્તા પર આવવાની આશા હતી અને મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં પણ ભાજપનું પલડું ભારે દેખાતું હતું. જોકે, આ એક્ઝિટ પોલ ખોટા ઠર્યાં અને 230 બેઠકો ધરાવતી મધ્ય પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ 114 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીક બહાર આવ્યો અને ભાજપે માત્ર 109 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. અહીં પણ ભાજપે અપક્ષ ઉમેદવારો સાથે તડજોડ કરવાના પ્રયાસો કર્યાં પરંતુ આ વખતે કોંગ્રેસ મેદાન મારી ગયું અને તેણે અપક્ષોના ટેકા તેમજ બહુજન સમાજ પાર્ટીના બે ઉમેદવારોના સમર્થન સાથે રાજ્યપાલ આનંદીબહેન પટેલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરી દીધો અને કોંગ્રેસના હાઈકમાન્ડ અને મધ્ય પ્રદેશના સ્થાનિક નેતાઓની ભારે મસક્કત બાદ આ રાજ્યના નાથ બન્યા કમલનાથ અને આમ મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસે મેદાન મારી લીધું અને ભાજપની ચોથી ટર્મમાં સત્તા પર આવવાની ખેવના માત્ર ખેવના બનીને રહી ગઈ.

છત્તીસગઢમાં મતદારો સાથેનો છત્રીસનો આંકડો નડ્યો ભાજપને

હવે કરીએ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીની વાત તો 90 બેઠકો ધરાવતા છત્તીસગઢમાં પણ છેલ્લા 15 વર્ષથી ભાજપનું રાજ હતું અને આ વખતે પણ અહીં ફરી એકવાર ભાજપ સત્તા પર આવે એવી પૂરેપૂરી શક્યતાઓ હતી કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલી યોજનાઓનો સૌથી વધુ અમલ આ રાજ્યમાં થયો હતો અને તેને જોતા કોંગ્રેસને પણ છત્તીસગઢમાં સત્તા મળશે એવી આશા નહોતી. પરંતુ પરિણામો જાહેર થયાં જેમાં ભાજપની ઉંઘ ઉડી ગઈ અને કોંગ્રેસને બગાસું ખાતા પતાસુ મળ્યું હોય એવો ઘાટ સર્જાઈ ગયો કેમ કે આ ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે 68 બેઠકો આવી જે તેની અપેક્ષા કરતા વધારે હતી. બીજી બાજુ ભાજપને માત્રને માત્ર 16 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. વર્ષ 2013મા યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 49 બેઠકો મળી હતી તો કોંગ્રેસને 39 બેઠકો મળી હતી. જોકે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 33 બેઠકોનું નુકશાન થયું છે. જ્યારે કોંગ્રેસને 29 બેઠકોનો સીધો ફાયદો થયો છે.

તેલંગાણામાં કેસીઆરનો જુગાર લાવ્યો રંગ

હવે વાત કરીએ દક્ષિણના રાજ્ય તેલંગાણાની તો 119 બેઠકો ધરાવતી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી આમ તો વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીની સાથે યોજાવાની હતી પરંતુ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથે આ ચૂંટણી ન યોજાય અને વર્ષ 2018મા જ ચૂંટણીઓ યોજાય તે માટે વિધાનસભા ભંગ કરી નાખી હતી અને તેમના આ જુગારે તેમને ફરી એકવાર તેલંગાણાના મુખ્યમંત્રી પદે બિરાજમાન કર્યાં. આ રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસે પણ કમર કસી દીધી હતી. જોકે, કોંગ્રેસે તેલંગાણામાં થોડા સમય પહેલા જ એનડીએને રામ રામ કરી દેનારા તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપી સાથે ગઠબંધન કર્યું હતું પરંતુ આ ગઠબંધનને તેલંગાણાના મતદારોએ સ્વીકાર્યો નહિ અને તે બન્ને પક્ષોને કુલ 21 બેઠકો પર જ જીતથી સંતોષ માનવો પડ્યો. તો સામા છેડે ભાજપે આ ચૂંટણી દ્વારા તેલંગાણામાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ફાયદો કરવા માટે રણનીતિ ઘડી હતી. પરંતુ આ ચૂંટણીમાં તેને માત્ર એક જ બેઠક મળતા ભાજપ માટે રાજકીય પંડિતો કહી રહ્યા છે કે આ રાજ્યમાં લોકસભાની બેઠક મેળવવાનું સપનું જ રહે એવી શક્યતાઓ છે. આ ચૂંટણીમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ એટેલે કે TRSને બે બેઠકોના નુકશાન સાથે 88 બેઠકો મળી હતી. જે વર્ષ 2014મા યોજાયેલી ચૂંટણીમાં TRSને 90 બેઠકો મળી હતી.

કોંગ્રેસ માટે પૂર્વોત્તર રાજ્ચમાં રહી સહી આશા પણ મિઝોરમમાં ધોવાઈ ગઈ

હવે છેલ્લે પૂર્વોત્તર રાજ્ય એવા મિઝોરમની વાત કરીએ. 40 બેઠકો ધરાવતી મિઝોરમ વિધાનસભામાં આ વર્ષે તમામ રાજકીય પક્ષોએ સત્તા મેળવવા માટે કમર કસી હતી અને વર્ષ 2013ની સત્તાધારી પાર્ટી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 5 બેઠકો જ મળી છે. જ્યારે મિઝો નેશનલ ફ્રન્ટને 26 બેઠકો મળી છે. તો ભાજપને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. વર્ષ 2013મા કોંગ્રેસે અહીં 34 બેઠકો પર જીત મેળવી હતી. આમ કોંગ્રેસને આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં 29 બેઠકોનું નુકશાન થયું છે. તો ભાજપે ગત ચૂંટણીમાં ખાતુ ન હતું ખોલાવ્યું પરંતુ આ વર્ષની ચૂંટણીમાં એક બેઠક મેળવીને પોતાનું ખાતું ખોલાવ્યું છે.

9 રાજ્યોની અસર સીધી વર્તાશે 2019ની લોકસભા ચૂંટણી પર

આમ વર્ષ 2018મા યોજાયેલી 8 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને જે મોટા ફાયદાની અપેક્ષા હતી તેના કરતા વધારે નુકશાન સહન કરવું પડ્યું છે અને તેનું કારણ એક જ છે કે વર્ષ 2014ની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા આપવામાં આવેલા વચનો તેમ જ પેટ્રોલ-ડિઝલ અને વિવિધ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં અસહ્ય મોંઘવારીના કારણે મતદારોએ પોતાનો મિજાજ ચૂંટણીઓમાં બતાવ્યો છે. તેમ જ હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં ખેડૂતોના પ્રશ્ને પણ સ્થાનિક સરકારોની ઉદાસીનતાએ ભાજપની નૈયા ડૂબાડી દીધી છે. બીજી બાજુ પૂર્વોત્તર રાજ્યો જ્યાં એક સમયે કોંગ્રેસની બોલબાલા હતી અને તેનું વર્ચસ્વ હતું ત્યાં આજે આ રાજ્યોમાં મજબૂત નેતાગીરીના અભાવે કોંગ્રેસે પૂર્વોત્તર રાજ્યોમાં પોતાનું વર્ચસ્વ ગુમાવી દીધું છે. જોકે, વર્ષ 2019મા યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાની આ ચૂંટણીઓએ એક વાત તો સાબિત કરી દીધી છે કે, પ્રજાકીય તેમ જ ખેડૂતોની ઉપેક્ષા હજુ પણ કરવામાં આવશે તો 2019ની ચૂંટણી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.

(નિમિષા ભટ્ટ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp