ગુનાખોરીમાં ગુજરાત નંબર 1: 3231 દુષ્કર્મના બનાવો, ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે

PC: facebook.com/Pradipsinh.Jadeja.BJP

ગુજરાત રાજ્યમાં રાજધર્મની ઐસીતૈસી કરનાર ભાજપ સરકારનાં શાસનમાં ગુનાખોરીએ માઝા મૂકતાં દારૂની રેલમછેલ, અપહરણ અને હત્યાનાં છડેચોક બનતાં બનાવો વચ્ચે દુષ્કર્મના 3,231 બનાવો ગુજરાત માટે કલંકરૂપ છે. કેબિનેટ મંત્રી નહીં બની શકનાર ગૃહ રાજ્યમંત્રી કે મુખ્યમંત્રીને આ ક્રાઈમ રેટ દેખાતો નથી કારણ કે, તેમણે મોબ લિચિંગ તેમજ દલિત–આદિવાસી સામેનાં અપરાધમાં બીજા નંબરે રહેલાં ગુજરાતને લોકસભાની ચૂંટણી પહેલાં જ નંબર 1 બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હોવાનું કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.

ગુજરાત રાજ્યમાં 2017 અને હવે રૂપાણી સરકારનાં 6 મહિનાનાં સમયમાં ગુનાખોરીએ માઝા મૂકતાં સામાન્ય પ્રજા સલામત રહી નથી. ધોળે દહાડે વૃદ્ધજનો લૂંટાઈ રહ્યાં છે, તો ઠેર ઠેર છડેચોક હત્યા થઈ રહી છે. માત્ર દોઢ વર્ષમાં રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરામાં 202 લૂંટ, 405 અપહરણ અને 2,536 જેટલાં ચોરીનાં બનાવો પોલીસ દફ્તરે નોંધાયા છે. જ્યારે 2017ના વર્ષમાં 2,514 અપહરણનાં બનેલા બનાવો સામે મહિલા સુરક્ષિત હોવાની વાતો કરનાર રૂપાણી સરકારમાં દુષ્કર્મનાં 901 બનાવો બનતા એક જ વર્ષમાં છ ગણાં વધારે બન્યા છે. દિલ્હી નિર્ભયા કિસ્સાને પગથીયું બનાવી સત્તા મેળવનાર ભાજપનાં ગુજરાત મોડેલમાં જ છેલ્લાં 4 વર્ષમાં દુષ્કર્ષનાં 3,231 બનાવો બન્યાં છે. જ્યારે દોઢ વર્ષમાં જ દહેજ, ત્રાસ–અત્યાચાર, છેડતી અંગે સવા બે લાખ ફોન આવતાં હોય ત્યાં મહિલાઓ કેટલી સલામત છે તે ભાજપ જ સમજી શકે તેમ છે.

35 ટકાનાં વધારા સાથે દારૂની થતી રેલમછેલમાં દરેક ગુનાખોરીમાં 25-40 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં હેડ ક્રાઈમ અને મોબ લિચિંગમાં ઉત્તરપ્રદેશનાં 18 બનાવો પછી ગુજરાત 13 બનાવો સાથે બિહાર કરતાં પણ આગળ છે. તો આદિવાસી–દલિત સામે અપરાધનાં બનાવોમાં દેશમાં બીજા નંબરે રહેલાં ગુજરાતમાં માત્ર સત્તા ટકાવી રાખવાની લાલસા સાથે ભાજપ સરકારે જ છૂટ્ટો દોર આપતાં મહિલા, બાળકો કે વૃદ્ધજનોની કોઈ સલામતી રહી નથી. ભાજપ સરકારના પોલીસ તંત્રના આંકડા પ્રમાણે જો કાયદો – વ્યવસ્થાની આ હાલત હોય તો વાસ્તવિકતા તો આનાથી પણ ખૂબ જ ચિંતાજનક છે ત્યારે ગુજરાતભરમાં ગુનાખોરી ડામવામાં સદંતર નિષ્ફળ ગયેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને નૈતિકતા અને થોડી ઘણી પણ શરમ બાકી રહી હોય તો તાત્કાલિક રાજીનામું આપી દેવા ડૉ. હિમાંશુ પટેલે માગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp