ઓડિશા કોંગ્રેસમાં ઘમાસાણ: હવે આ નેતાને પાર્ટીએ પાણીચું પકડાવ્યું

PC: Facebook.com

પૂર્વ કેન્દ્રિય મંત્રી શ્રીકાંત જેના અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા ચંદ સાગરિયાને કોંગ્રેસ પાર્ટીમાંથી બહાર નીકાળી દેવામાં આવ્યા છે. ઓડિશા કોંગ્રેસ અનુશાસન સમિતિના સંયોજક આનંદ પ્રસાદ શેઠીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની ભલામણના આધારે બન્નેને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ બન્ને નેતાઓ પર પાર્ટી વિરુદ્ધ ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે.

શેઠીએ પોતાના નિવે્દનમાં જણાવ્યું કે, આ બન્ને નેતાઓએ પાર્ટીની ઉપરવટ જઈને મીડિયામાં નિવેદન આપ્યુ હોવાથી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાઈ છે. આથી બન્નેને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, UPAના શાસનકાળમાં જેના કેન્દ્રિય મંત્રી રહી ચૂક્યા છે, જ્યારે સાગરિયા કોરાપુટ બેઠક પરથી ધારાસભ્ય હતા. ઓડિશામાં કૂંડરી દુષ્કર્મ કેસમાં પીડિતાને ન્યાય ના મળતા નારાજ સાગરિયાએ ગત વર્ષે જ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધુ હતું. આ દરમિયાન તેમણે્ ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નિરંજન પટનાયક પર આકરા પ્રહારો કર્યા હતા. સાગરિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નિરંજન પટનાયકની સંપત્તિ નથી.

ઉલ્લેખનીય છે કે. સુંદરગઢના ધારાસભ્ય જોગેશ સિંહને પણ પાર્ટી વિરોધી પ્રવૃતિ અને લોકો વચ્ચે પાર્ટીની છબી ખરાબ કરવાના આરોપમાં બરતરફ કરવામાં આવ્યા હતા. અગાઉ પણ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ નબા કિશોર દાસે પણ 16 જાન્યુઆરીના રોજ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને પોતાનું રાજીનામું મોકલી દીધું હતું. જાણવા મળી રહ્યું છે કે, દાસ બીજુ જનતા દળમાં સામેલ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp