ભાજપના પૂર્વ સાંસદે પક્ષની સામે બળવો પોકાર્યો, ઉભી કરી વેલનાથ સેના

PC: facebook.com/DevjibhaiFatepara

આગામી સમયમાં ગુજરાતની 8 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. પેટાચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂર જોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેવામાં હવે ક્યાંકને-ક્યાંક ભાજપના નેતાઓમાં અસંતોષ સામે આવી રહ્યો છે. સુરેન્દ્રનગરના ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ફરી એક વખત મેદાને આવ્યા છે અને તેમને પક્ષની સામે જ બળવો પોકાર્યો છે. પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ સર્કીટ હાઉસમાં ઠાકોરના સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં આગામી દિવસોમાં આવનારા પેટાચૂંટણીના લઈને ચર્ચા કરી હતી. ભાજપના જ પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ પક્ષની સામે હવે વેલનાથ સેનાની જાહેરાત કરી છે. દેવજી ફતેપરાએ ઠાકોર સમાજના અગ્રણીઓને સૌરાષ્ટ્રમાં વેલનાથ સેનાની રચના કરવા માટે પણ જણાવ્યું હતું. સાથે જ ભાજપ અને કોંગ્રેસની સામે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, બંને પક્ષ દ્વારા જો વેલનાથ સેનાની સાથે બેઠક કરવામાં આવશે નહીં તો વેલનાથ સેના દ્વારા ધારીમાં એક ઉમેદવાર ઉભો રાખવામાં આવશે.

આગાઉ જ્યારે લોકસભાની ચૂંટણી સમયે ભાજપ દ્વારા દેવજી ફતેપરાની ટિકિટ કાપવામાં આવી હતી. તે સમયે પણ તેઓ પક્ષથી નારાજ થયા હતા. સુરેન્દ્રનગરમાં જ્ઞાતિ-જાતીનું સમીકરણ ખૂબ જ મહત્ત્વનું ગણવામાં છે. સુરેન્દ્રનગરમાં ઠાકોર કોળી સમાજનું ખૂબ મોટું પ્રભુત્વ રહેલુ છે અને હંમેશા આ બેઠક પરથી ઠાકોર સમાજના સાંસદો જ ચૂંટાતા હોય છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજની જે અવગણના કરવામાં આવે છે, તેને લઈને દેવજી ફતેપરા અને ઠાકોર સમાજના અગ્રણીઓ રાજકીય પક્ષોથી નારાજ થયા છે. આ નારાજગીના જ કારણે દેવજી ફતેપરા દ્વારા વેલનાથ સેનાની બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. દેવજી ફતેપરાને વેલનાથ સેનાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

મહત્ત્વની વાત છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપે પૂર્વ સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કાપીને મહેન્દ્ર મુંજપરાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા. લોકસભામાં મહેન્દ્ર મુંજપરાનો વિજય થતા તેઓ સુરેન્દ્રનગરને સાંસદ બન્યા હતા. લોકસભાની ચૂંટણી સમયે દેવજી ફતેપરાએ પક્ષની સામે બળવો પોકાર્યો હતો અને હવે અગામી દિવસોમાં પેટાચૂંટણી આવી રહી છે તે પહેલા જ દેવજી ફતેપરાએ વેલનાથ સેનાની રચના કરીને પક્ષની સામે બળવો પોકાર્યો છે. લોકસભામાં ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ ન આપવામાં આવતા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો હોવાની વાત પણ ભાજપના પૂર્વ સાંસદ કરી રહ્યા છે અને આગામી પેટાચૂંટણીમાં આની અસર જોવા મળશે તેવું પણ તેમને જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp