ગાંધીનગર કોંગ્રેસમાં પડી તિરાડ, ભાજપમાં સગાવાદ ચાલ્યો

PC: images.google.com

ગાંધીનગરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં બે બિલાડી લડે અને વાંદરો ફાવે એવો ઘાટ સર્જાયો છે. કોંગ્રેસની આંતરિક લડાઈ આજે 20 માર્ચે સત્તા વિચ્છેદન સુધી પહોંચી ગઈ છે. 23 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ 36માંથી 18 સભ્યો કોંગ્રેસની પાસે છે. ભાજપ પાસે 15 સભ્યો અને બે અપક્ષો ખરીદી લેતાં તેમની પાસે 17 સભ્યો થાય છે. વળી કોંગ્રેસ પાસે ગઈકાલ સાંજ સુધી તમામ સભ્યો અકબંધ હતા. કોંગ્રેસના 6 સભ્યો ગેરહાજર રહ્યા હતા અને ભાજપના પ્રમુખ ચૂંટાયા હતા.

ભાજપ કોંગ્રેસના સભ્યોને ખરીદ કરવા માટે સામેથી પ્રયાસ કરી રહ્યો હતો. પણ કોંગ્રેસના એક પણ સભ્યને તેઓ ખરીદી શક્યા ન હતા. પણ ગઈકાલે કોંગ્રેસને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વનિતા સોલંકીનું નામ મૂક્યું છે. ઉપ પ્રમુખ તરીકે ગોપાળ ઠાકોરનું નામ મૂકતાની સાથે આંતરિક ભડકો થયો છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાના જૂથના રાજપુત એવા અને તેમના જૂથ વનિતાના નામની ઉમેદવારી કરતાં જ કોંગ્રેસમાં ભડકો થયો છે.

ભાજપ ખરીદી લેશે એવા ભયના કારણે કોંગ્રેસના સભ્યોને દક્ષિણ ભારત અને ત્યાંથી દિલ્હી કેમ્પમાં લઈ જવા પડ્યા હતા. તેઓ ગઈલાકે સાંજે શામળાજી પહોંચ્યા ત્યારે તે સભ્યોને ખ્યાલ આવ્યો કે કોંગ્રેસ જિલ્લા પ્રમુખે પોતાના જ સગાને પ્રમુખ બનાવી દેવા માટે ફોર્મ ભર્યું છે ત્યારે લીંબું ચમચીના રમત રમતી કોંગ્રેસનાં લીંબું જેવા પાંચ સભ્યો વિરોધમાં ગયા છે. આ પાંચ સભ્યો હવે કોંગ્રેસ તરફી મતદાન નહીં કરે એવું કોંગ્રેસને લાગી રહ્યું છે. તેથી કોંગ્રેસ તાલુકા પંચાયતમાં બહુમતી મેળવી હોવા છતાં તેઓ ગુમાવશે.

ભાજપને બગાસુ ખાતા પતાસુ પડ્યું

ભાજપે કોંગ્રેસના સભ્યોને ખરીદવા માટે ધમપછાડા કર્યાં હતા. તેમ છતાં એક સભ્ય પણ ખરીદાયા ન હતા. પણ હવે કોંગ્રેસના પાંચથી સાત સભ્યો કોંગ્રેસથી છેડો ફાડવા તૈયાર થયા હોવાથી તેમને ભાવતું મળી ગયું છે. બગાસુ ખાતા મોંમાં પતાસુ આવી પડ્યું છે. હવે તેઓને સત્તા મેળવવા માટે માર્ગ મોકળો થયો છે.

કોંગ્રેસે પણ ભાજપના એક સભ્યને કરોડ રૂપિયા આપીને ખરીદી કરવાનું હોર્ષ ટ્રેડીંગ શરૂ કરતાં ભાજપ પણ સાવધાન બની ગયું હતું અને તેમના તમામ સભ્યોને ગાંધીનગર નજીકના એક ભવ્ય રીસોર્ટમાં કેમ્પ કર્યો હતો. ત્યાર બાદ આ કેમ્પને દમણ ખસેડવામાં આવ્યો હતો. ભાજપના સભ્યોને ગાજર લટકાવી આપ્યું હતું. તેઓ દમણ આજે સવારે ગાંધીનગર આવી ગયાં છે.

ભાજપનો સગાવાદ

ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મોટા પ્રમાણમાં વંશવાદ ચાલે છે. ભાજપના જે જિલ્લા કક્ષાના નેતા બને કે રાજ્ય કક્ષાના નેતા બને તેઓ પોતાના કુટુંબના સભ્યોને પંચાયત કે નગરપાલિકાઓમાં પદ અને હોદ્દા આપે છે. ગાંધીનગરમાં પણ એવું જ થયું છે. ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શોભના ઈશ્વર વાઘેલાની ઉમેદવારી કરી છે. આમ સગાવાદ ગાંધીનગરમાં પણ ચાલી રહ્યો છે. ભાજપ જિલ્લા મહામંત્રી આઈ બી વાઘેલાના તેઓ પત્ની છે. આમ રાજ્યના પાટનગરમાં પણ ભાજપમાં ભારે સગાવાદ પેસી ગયો હોવાથી કાર્યકરો નારાજ જોવા મળી રહ્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp