નાનીના જન્મદિને ગંભીરની 25 સેક્સ વર્કર્સની દીકરીઓની જવાબદારી ઉઠાવવાની જાહેરાત

PC: thehindu.com

જાણીતા ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના નેતા, પૂર્વી દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે શહેરના GB રોડ વિસ્તારની સેક્સ વર્ક્સની દીકરીઓની સહાયતા માટે ગુરુવારે એક પહેલ કરી હતી. ક્રિકેટરમાંથી એક નેતા બનેલા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, આ પહેલ હેઠળ દિલ્હીની સેક્સ વર્ક્સની 25 સગીર દીકરીઓની દેખરેખ કરવામાં આવશે અને તેની શરૂઆત શુક્રવારે કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ, શુક્રવારે તેની નાનીનો જન્મદિવસ છે અને તે એ જ દિવસે આ અભિયાનની શરૂઆત કરવા માંગે છે. ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, ‘સમાજમાં દરેક વ્યક્તિને એક સારું જીવન જીવવાનો અધિકાર છે અને હું સુનિશ્ચિત કરવા માગું છું કે, આ બાળકીઓને વધુ અવસર મળે જેથી, તે પોતાના સપના સાકાર કરી શકે.

હું તેમની જીવિકા, શિક્ષણ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશ. તેણે જણાવ્યું હતું કે, આ વખતે 10 છોકરીઓની પસંદગી કરી છે. જે આ સત્રમાં અલગ-અલગ સરકારી શાળાઓમાં ભણી રહી છે. આગામી સત્રમાં આ કાર્યક્રમમાં વધુ છોકરીઓને સામેલ કરવામાં આવશે અને ઓછામાં ઓછી 25 છોકરીઓને મદદ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ગંભીરે આ અભિયાનને ‘પંખ’ નામ આપ્યું છે. ગૌતમ ગંભીરે જાણકારી આપતા કહ્યું હતું કે, પસંદગી યુક્ત છોકરીઓ અત્યારે સેલ્ટર હોમ્સમાં રહે છે. તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ અભિયાન હેઠળ 5 વર્ષથી લઈને 18 વર્ષ સુધીની છોકરીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. કાઉન્સિલિંગ થકી તેમને સશક્ત બનવામાં સરળતા મળશે. તો ગંભીરે અપીલ કરી છે કે, જો સમાજ વચ્ચેથી કોઈ વ્યક્તિ આ અભિયાનમાં તેનો સાથ આપવા માંગે છે તો તે પણ ગૌતમ ગંભીર સાથે આ કાર્યમાં જોડાઈ શકે છે.

ગંભીરે જણાવ્યું કે, શુક્રવારે તેની નાનીનો જન્મદિવસ છે અને એ દિવસે તેમના આશીર્વાદથી તે આ નવી પહેલની શરૂઆત કરશે કારણ કે, તેનો આખો શ્રેય નાનીને જ જાય છે. તેમનું ફાઉન્ડેશન દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા 200 શહીદોના બાળકોના સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, હાલમાં કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના કારણે સેક્સ વર્કરોને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના મહામારીના કારણે લોકોએ તેમની પાસે જવાનું છોડી દીધું છે. તેનાથી સેક્સ વર્ક્સની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. ત્યારે આવી મહામારીમાં ગૌતમ ગંભીરની આ પહેલને સેક્સ વર્કરો અને તેમની દીકરીઓ માટે જરૂર રાહતની વાત કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp