ગુજરાતમાં ફ્રી વીજળી આપી શકે છે કેજરીવાલ, કહ્યુ- આ જાદુ છે જે ફક્ત મને જ આવડે છે

PC: ndtv.com

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. સોમવારે (4 જુલાઈ, 2022) યાત્રાના બીજા દિવસે, દિલ્હીના મુખ્યમંત્રીએ અમદાવાદમાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, 'ભાજપના મંત્રીઓ એશ કરી રહ્યા છે અને ગરીબોના એક પંખા-બલ્બનું બિલ હજારોમાં આવે છે.'

પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું, 'લોકોનું આ દુ:ખ સાંભળીને મારું હૃદય રડી પડે છે. એક ગરીબ માણસનું વીજળીનું બિલ હજારોમાં આવશે તો તે બાળકોને કેવી રીતે ભણાવશે? તેના કુટુંબીજનોને રોટલો કેવી રીતે ખવડાવી શકશે? ગુજરાતમાં વીજળી આટલી મોંઘી કેમ?' તેમણે વધુમાં કહ્યું કે, 'ગુજરાતમાં મંત્રીઓ એશ કરી રહ્યા છે. તેમના હજારો યુનિટનું બિલ પણ શૂન્ય આવે છે અને ગરીબોના એક પંખા અને બલ્બનું બિલ પણ હજારોમાં આવે છે.'

મુખ્યમંત્રી કેજરીવાલે વધુમાં કહ્યું કે, '24 કલાક મફત વીજળી આપવી એ એક જાદુ છે અને આ જાદુ ફક્ત મને જ આવડે છે. આજ સુધી આખી દુનિયામાં કોઈએ આવું કર્યું નથી, ફક્ત હું જ જાણું છું કે તે કેવી રીતે કરવું. ભગવાને આ વિદ્યા ફક્ત મને જ આપી છે.' તેમણે કહ્યું, 'ગુજરાતના મોટા નેતા કહેતા હતા કે કેજરીવાલ મફતમાં કેમ આપે છે? લોકોને મફત વીજળી જોઈતી નથી. મંત્રીઓને મફત વીજળી, તો જનતાને કેમ નહીં?'

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, 'તેઓને ડર છે કે જો લોકોને મફત વીજળી મળવા લાગી, તો તેમની પાસે લૂંટાવવા માટે પૈસા બચશે નહીં. ભાજપ ખેડૂતોને રાત્રે વીજળી આપે છે. ખેડૂતોએ દર મહિને 5000 રૂપિયાનું બિલ ચૂકવવું પડે છે.' AAP કન્વીનરે કહ્યું કે, 'ગુજરાત સચિવાલયમાં પણ રાત્રે વીજળી આવવી જ જોઈએ. મંત્રીઓએ પણ રાત્રે કામ કરવું જોઈએ. ભાજપ-કોંગ્રેસ કહેતા હતા કે, દિલ્હી એક નાનું રાજ્ય છે, અહીં વીજળી મફત મળી શકે છે, મોટા રાજ્યમાં નહીં.'

પંજાબનું ઉદાહરણ આપતા CM કેજરીવાલે કહ્યું કે, 'ભગવાને આપણને મોટું રાજ્ય પંજાબ પણ આપ્યું છે. ત્યાં વીજળી પણ મફત કરવામાં આવી હતી. હું શિક્ષિત છું. મારી ડિગ્રી પણ અસલી છે. હું બધી ગણતરીઓ કર્યા પછી બોલું છું.' તેમણે દિલ્હી અને પંજાબ મોડલને ગુજરાતમાં લાવવાની વાત કરી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'અમારી સરકારે પંજાબમાં 300 યુનિટ સુધી વીજળી ફ્રી કરી છે. ગુજરાતમાં પણ આવું જ બની શકે છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp