ગુજરાતના આ જિલ્લા પંચાયતમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો

PC: kutchmitradaily.com

કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપના આંતરિક વિખવાદોના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરી લીધા બાદ એક મહિનાના ઘણાં લાંબા સમય પછી 7 સમિતિઓની નિયુક્તિ કરી છે. ગૂંચવાયેલા કોકડામાં દોરો વીંટતા લાંબો સમય પસાર થઈ ગયો હતો. એક મહિના સુધી જિલ્લાના લોકોના રોજબરોજના કામ અટવાઈ ગયા હતા. ખાસ કરીને કચ્છના નેતા ભાનુશાળી સામે બળાત્કારના આરોપો લાગતાં સમગ્ર કચ્છના નેતાઓ તેમાં અટવાઈ ગયા હતા. પૂર્વ કારોબારી અધ્યક્ષ અને કચ્છ જિલ્લા પંચાયતના ભાજપના વરિષ્ઠ સભ્ય અરવિંદ પિંડોરિયાને આખરે પડતા મૂકવામાં આવ્યા છે. આરોગ્ય સમિતિમાંથી પણ કેટલાક રાજીનામાં પડ્યા હતા. છેલ્લી ઘડી સુધી ભાજપ પર અરવિંદ પિંડોરિયાએ દબાણ કરી રાખ્યું હતું. આખરે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે અને જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણ સોઢાએ અધ્યક્ષ પદે અરવિંદને નિયુક્ત કર્યા ન હતા. 7 સમિતિઓમાંથી 4 સમિતિઓમાં જૂના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 4 સમિતિમાં અધ્યક્ષ તરીકે મહિલાઓ છે. જ્યાં વિવાદ ઊભો થયો હતો ત્યાં મહિલાને અધ્યક્ષ તરીકે મૂકી દેવામાં આવતા હતા. જિલ્લાના ઉપપ્રમુખ પણ મહિલા છે.

પ્રમુખ પદ માટે પણ આંતરિક યુદ્ધ થયું હતું

19 જૂન 2018ના રોજ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખપદે લક્ષ્મણ સિંહ સોઢા અને ઉપપ્રમુખ પદ માટે નિયતિ પોકારની નેતાઓએ પસંદગી કરી હતી. મતદાન કરવામાં આવ્યું ન હોવાથી કેટલાક સભ્યોએ તે સામે વાંધો પણ ઉઠાવ્યો હતો. પ્રમુખપદે પટેલ અગ્રણી અરવિંદ પિંડોરીયાનું નામ જોરશોરથી ચર્ચાતું હતું, પરંતુ પિંડોરીયાને ભાજપના જ્ઞાતિવાદી નેતાઓએ પત્તું કાપી કાઢ્યું હતું. તેથી ભારે રોષ જોવા મળ્યો હતો અને ભાજપમાં આંતરિક યુદ્ધ શરૂ થયું હતું. પ્રમુખ નામ લઈને ભાજપમાં આંતરિક જુથવાદ સપાટી પર આવી ગયો હતો. કચ્છ જિલ્લા પંચાયતના ઈતિહાસમાં ભાજપ દ્વારા ક્યારેય ક્ષત્રિય ઉમેદવારને પ્રમુખપદ નથી સોંપાયું. પક્ષે પ્રમુખ તરીકે લક્ષ્મણસિંહ સોઢાનું નામ પસંદ કર્યું છે. પાટીદાર જ્ઞાતિનું સંતુલન જાળવવા નિયતિબેનની ઉપપ્રમુખપદે પસંદગી કરી છે.

જિલ્લામાં ભાજપે ગુમાવ્યું, કોંગ્રેસે મેળવ્યું

નવા સીમાંકનને પગલે જિલ્લા પંચાયતની બેઠકો 33માંથી 40 થઈ પણ શાસક ભાજપની બેઠકો 27ની 27 જ રહી. ગત વખતે કોંગ્રેસ પાસે 7 બેઠક હતી જે વધીને આજે 13 થઇ ગઇ હતી. કોંગ્રેસને લખપત, નખત્રાણા, અબડાસા, ભુજ, મુંદરા, માંડવી અને રાપર તાલુકામાં કુલ 13 બેઠક મળી છે. જ્યારે બાકીની બેઠક ઉપર ભાજપ જીતી હતી. જિલ્લા પંચાયતના પરિણામ ભાજપ માટે મિશ્રિત અને કોંગ્રેસ માટે આશ્વાસનરૂપ ગણાવી રહ્યા છે, જેના ઉપર કચ્છ સહિત સમગ્ર ગુજરાતની નજર સ્થિર થઇ હતી તેવી સુખપર બેઠક ઉપર ભાજપના અરવિંદ લાલજી પિંડોરિયા તેમના હરીફ કોંગ્રેસના નવીન લાલજી પિંડોરિયાને હરાવીને જીત્યા હતા.

હવે શું થશે?

નલિયા બેઠક ઉપર બે પિતરાઈ ભાઈ વચ્ચેના ચૂંટણી જંગમાં કિશોરાસિંહ વખતાસિંહ જાડેજાએ વિક્રમાસિંહ અમરસંગ જાડેજાને હાર આપી હતી. ભાજપે ચોબારી બેઠક ગુમાવી તે પાછળ દૂધ ડેરી અને લીટરે એક રૂપિયો ઓછો અપાતો હોવાનું મૂળ કારણ હતું. હવે સમગ્ર જિલ્લામાં જમીનો અને ગ્રામપંચાયતોમાં જે ખોટું થઈ રહ્યું છે તેના કારણે ભાજપની છાપ ખરડાઈ ચૂકી છે. ગાંધીધામ તાલુકા પંચાયતમાં ભાજપના નેતાઓ ખોટા કામો કરાવીને ભ્રષ્ટાચાર કરી રહ્યાં હોવાનો આરોપ ભાજપના જ નેતાઓ મૂકી રહ્યાં છે. કચ્છ જિલ્લા પંચાયતમાં બધુ સમુંસૂતરું ચાલતું નથી, કારણ કે હજુ જુથવાદ શાંત થયો નથી. જે રીતે રાજીનામા આપવામાં આવી રહ્યાં છે, તે જોતા આંતરિક વિખવાદ હજુ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp