યુવતી સાથેનો વીડિયો વાયરલ થવાની બીકે ગુજરાતના મંત્રીએ રૂ. 2.5 લાખ આપી દીધા પણ..

PC: https://www.huffingtonpost.co.uk

એક એવો કિસ્સો બહાર આવ્યો છે તે ચોંકાવનારો છે. ગુજરાતના એક કેબિનેટ મંત્રીએ બદનામીથી બચવા રૂ. 2.50 લાખ ચૂકવ્યા પરંતુ પછીથી ખબર પડી કે તેમને જે યુવતીએ ફસાવ્યા હતા તેવી કોઇ યુવતી આ દુનિયામાં છે જ નહીં.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી એવા એક નેતાજીને જુલાઇ 2021માં એક યુવતી સાથે સોશિયલ મીડિયા મારફતે ઓળખાણ થઇ. તેણે કહ્યું કે તે રાજસ્થાન ભાજપમાં કાર્યકર છે. મંત્રીજીની તેની સાથે તેની સોશિયલ મીડિયા પર મેસેજની આપ લે થતી હતી. થોડા સમય પછી તે યુવતીએ મંત્રીજીનો પર્સનલ નંબર મેળવી લીધો. પછી તેમની સાથે વાતો પણ થવા લાગી.

બન્ને ફોન પર સંપર્કમાં હતા. એકબીજા સાથે અંતરંગ વાતો પણ થવા લાગી હતી. પછી થયું એવું કે ડિસેમ્બર 2021માં એક રાત્રે તે યુવતીનો ફોન આવ્યો. તેણે મંત્રીને કહ્યું કે તેઓ વીડિયો કોલ કરે. મંત્રીએ વીડિયો કોલ કર્યો ત્યારે સામેવાળી યુવતી પોતાના કપડા ઉતારવા લાગી અને અશ્લીલ ચેનચાળા કરવા લાગી. મંત્રીએ તેનો વિરોધ ન કરતા પછી તે યુવતીએ મંત્રીને પણ દબાણ કર્યું કે તેઓ પોતે પણ કપડા ઉતારે. મંત્રીજીએ પણ કપડા ઉતારી દીધા. થોડા સમય પછી ફોન અચાનક કપાઇ ગયો.

થોડી જ વારમાં મંત્રીજીના ફોન પર એક વીડિયો આવ્યો જેને જોઇને તેમના હોશ ઉડી ગયા. આ વીડિયો તેઓ નગ્ન અવસ્થામાં તે યુવતીને જોઇ રહ્યા હતા. તેમને તો ડિસેમ્બરની ઠંડીમાં પણ પરસેવો છૂટી ગયો. ત્યારપછી તેમના ફોનની ઘંટી વાગી. સામેથી મંત્રીને કહેવાયું કે જો તેઓ રૂ. 5 લાખ નહીં આપે તો તે વીડિયો વાયરલ કરી દેવામાં આવશે. તેમણે રૂ. 2 લાખ આપી પણ દીધા. અગાઉ તેમણે આ યુવતીને રૂ. 50000ની મદદ કરી હતી. હવે મંત્રીજી ફંસાઇ ચૂક્યા હતા. કારણ કે તેઓ રૂપિયા આપી દે પછી પણ જો આ વીડિયો વાયરલ કરી દેવાય તો શું.

આ વાતની જાણ તેમણે સિનિયર પોલીસ ઓફિસરોને કરી. તેમણે આ આખા પ્રકરણની તપાસ કરતા ખબર પડી કે વીડિયોમાં જે યુવતી હતી તેવી કોઇ યુવતી આ દુનિયામાં છે જ નહીં. બ્લેકમેલર્સ હવે ટેક્નોલોજીના માધ્યમથી આવી યુવતીઓ પેદા કરે છે. પછી તેઓ પૈસાદાર લોકોને ફંસાવીને રૂપિયા ઉઘરાવે છે. આ ટેક્નોલોજીને ડિપફેક ટેક્નોલોજી કહેવાય છે. જેની મદદથી કોઇ પણ વ્યક્તિના હમશક્લને બનાવીને સામેવાળી વ્યક્તિ સાથે વાત પણ કરાવી દેવાય છે. ખરેખર આવી કોઇ વ્યક્તિ દુનિયામાં હોતી જ નથી. જ્યારે વીડિયો કોલ થાય ત્યારે સ્ક્રીન પર દેખાતી યુવતી બીજી હોય છે અને જેનો અવાજ હોય તે બીજી હોય છે.

મંત્રીજીને તો ગુજરાતના મોટા પોલીસ અધિકારીઓ સાથે ઓળખાણ હતી એટલે બચી ગયા પરંતુ સામાન્ય લોકોમાંથી ઘણા આવા બ્લેકમેલર્સના જાળમાં ફંસાઇ જાય છે કારણ કે તેઓ પોલીસ સુધી જવાની હિંમત કરી શકતા નથી. મંત્રીજી આ મુશ્કેલીમાંથી તો બહાર આવી ગયા હતા પરંતુ તેમને ફરીથી કેબિનેટમાં સ્થાન મળ્યું ન હતું.

આ અગાઉ પણ જુલાઇ 2021માં એક બીજા મંત્રી પણ દિલ્હી-ગુડગાંવની એક યુવતીના ચક્કરમાં ફંસાઇ ગયા હતા. તેમની પાસે પણ રૂ. 2.5 લાખની માગણી થઇ હતી. પરંતુ તેમણે આ બાબતની જાણ તરત જ પોલીસને કરતા તેઓ બચી ગયા હતા. મેવાત વિસ્તારમાં આવી ગેંગ સક્રિય છે.  

આ અગાઉ દક્ષિણ ગુજરાતના એક પોલીસ ઇન્સપેક્ટર પર આવા નેટવર્કમાં ફસાઇ ગયા હતા તેમનો વીડિયો તો વાયરલ પણ થઇ ગયો હતો. જ્યારે ભાજપના એક સંગઠનના નેતા પણ આ રીતે ફંસાયા હતા. 

જાણકારો કહે છે કે જ્યારે કોઇ વ્યક્તિ સામેવાળી વ્યક્તિને વીડિયો કોલ કરે છે ત્યારે જો આવી કોઇ હરકત થાય તો તરત જ તેમણે ફોન ડિસકનેક્ટ કરી દેવો જોઇએ અને પોલીસને જાણ કરવી જોઇએ. જો કોઇ વ્યક્તિ આ ગેંગની કોઇ યુવતી સાથે ચેટ પણ કરે છે તો ચેટના આધારે પણ તેઓ બ્લેકમેઇલ કરતા હોય છે. ગેંગ એ રીતે કામ કરે છે કે વ્યક્તિને ક્યારેય લાગતું નથી તે સામે કોઇ સાચી યુવતી નથી પરંતુ બ્લેકમેલર્સની ગેંગ તેમને ફંસાવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp