આ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ હાર્દિક અને MLA મેવાણીએ કર્યો

PC: Youtube.com

રાજયમાં ગરીબોને કામ મળી રહે તે માટે અલગ-અલગ જિલ્લાના ગામડાઓમાં રાજ્ય સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત ગરીબ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે પરંતુ મનરેગા યોજના અંતર્ગત સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા લગાવવામાં આવ્યો છે. આ બાબતે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી એક પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી અને ખાસ કરીને ગુજરાતમાં મનરેગા યોજના અંતર્ગત ઘણા ગરીબ પરિવારો મજૂરી કરતા હોય તેવા લોકોને કામ આપવામાં આવે છે પરંતુ સમૃદ્ધ કહેવાતા ગુજરાતમાં મનરેગા યોજનાનું રાજ્ય વ્યાપી મોટું કૌભાંડ પણ થતું હોય છે. જેનાથી ગુજરાતના લોકો અને મીડિયાને અજાણ કરવામાં આવતા હોય છે. આજે હું અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કઈ રીતે ગરીબોના પૈસા મનરેગા યોજના હેઠળ લઈ લેવામાં આવે છે, તે લોકોને કામ આપવામાં નથી આવતું, લોકોના ખોટા એકાઉન્ટ બનાવી દર વર્ષે 25થી 30 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવે છે આવા કૌભાંડનો વિસ્ફોટ કરવા માટે હોવાથી હું જીગ્નેશ મેવાણી આપની વચ્ચે આવ્યા છીએ. બનાસકાંઠામાં જે લોકો સાથે કૌભાંડ થયું છે અને જે લોકોના પૈસા ક્યાંકને ક્યાંક લઈ લેવામાં આવ્યા છે તેવા પરિવારોને પણ અમે સાથે લાવ્યા છીએ.

અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, બધા જિલ્લાઓમાં તપાસ કરતાં ખબર પડી કે, 300થી 350 ગામમાં મનરેગા યોજના અંતર્ગત એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. મારા હાથમાં એક પેમેન્ટ સીટ છે. આ સીટમાં એવા લોકોના નામ છે કે જે લોકોએ ક્યારેય મનરેગા યોજના અંતર્ગત કામ કરવા માટે અરજી કરી નથી. જે લોકોએ મનરેગા યોજનામાં કામ કર્યું નથી, મનરેગા યોજનાની સાઇડ જોઈ નથી, તેવા લોકોના જોબ કાર્ડ બની ગયા, બેંકમાં ખાતા ખુલી ગયા, આ લોકોના ATM કાર્ડ નીકળ્યા અને તેમની જાણ બહાર તેમના ખાતામાં લાખો રૂપિયાના પેમેન્ટ થઈ ચૂક્યા છે. આમાંથી એક પણ પેમેન્ટ તાલુકા વિકાસ અધિકારીની સહી વગર થતા નથી. આ પેમેન્ટ સીટ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામની છે. બાલુન્દ્રા ગામના 16 લોકો આજે મીડિયા સમક્ષ તેમની વ્યથા લઈને ઉપસ્થિત થયા છે. આ તમામ લોકોનું કહેવું છે કે, અમે મનરેગામાં કામ માગ્યું નથી, મનરેગાની સાઇડ જોઈ નથી અને મનરેગામાં કામ કર્યું નથી છતાં અમારા આધાર પુરાવા અને ડોક્યુમેન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરી ATM બનાવવામાં આવ્યા, જોબ કાર્ડ અને બેંકની પાસબુક નીકળી અને છેલ્લા 8થી 10 વર્ષમાં બાલુન્દ્રા ગામમાં 8થી 10 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. એક ગામમાં 8થી 10 કરોડનું કૌભાંડ થયું હોય તો બનાસકાંઠા જિલ્લાના 300થી 350 ગામડાઓમાં કેટલું મોટું કૌભાંડ થયું હશે અને આ જ પ્રકારનું કૌભાંડ રાજ્ય સરકારની રહેમ નજર હેઠળ, જિલ્લાના કલેક્ટર અને વિકાસ અધિકારીઓની મિલીભગતથી ચાલી રહ્યું છે.

આ ઉપરાંત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે તેના સોશિયલ મીડિયા ફેસબૂક પેજ પર એક પોસ્ટ અપલોડ કરી તેમાં લખ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામનું કૌભાંડ છે. જે લોકોએ મનરેગામાં કામ કરવા અરજી કરી નથી, કામ નથી કર્યું એવા 500 લોકોના જોબ કાર્ડ, બેન્કના ખાતા, ATM બની ગયા અને એમની જાણ બહાર કોઈ ત્રીજા જ વ્યક્તિને પેમેન્ટનું બારોબાર ચુકવણું થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. ફક્ત આ એક જ ગામનું 10 કરોડનું કૌભાંડ છે. બનાસકાંઠામાં આવા 350થી વધુ ગામો છે. સરકારી તંત્રને વારંવારની રજૂઆત છતાં જેમના નામે જોબ કાર્ડ બોલે છે એમને તંત્ર જોબ કાર્ડ અપાવી શકતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp