PAASનાં નેતાઓની તોડફોડ, વેચાનાર દોષી તો ખરદીનાર પણ ગુનેગાર

PC: newsworldindia.in

પાટીદાર અનામત આંદોલનાં નેતાઓની મોટાપાયા પર તોડફોડ કરવામાં આવી રહી છે. આક્ષેપ તો ભાજપ સામે થઈ રહ્યા છે કે ભાજપનાં કેટલાક નેતાઓ દ્વારા PAASનાં કેટલાક આગેવાનોની લે-વેચ શરૂ કરવામાં આવી છે. હાર્દિક પટેલને એકલો પાડી તેની આજુબાજુનાં ટોળાને વિખેરી નાંખવાની જાળ પાથરવામાં આવી છે અને તેમાં કેટલાક અંશે ભાજપનાં નેતાઓ સફળ રહ્યા હોવાની માહિતી છે.

મુદ્દો એ છે કે સમાજ હિતની લડાઈ લડવાનાં નામે PAASનાં નેતાઓએ ગુજરાતભરમાં ભાજપ સામે પ્રચંડ જુવાળ ઉભો કર્યો છે. આ જુવાળની અડફેટમાં ચગદાઈ જવાના ડરે ભાજપે ચૂંટણી પાછી ઠેલવાની રજૂઆત ચૂંટણી પંચ સમક્ષ કરી છે તો સાથે સાથે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા યુવાનોને પ્રલોભનો આપી ફોડી નાંખાવાનો પેંતરો અજમાવવામાં આવ્યો છે. આ પેંતરામાં PAASનાં નેતાઓ આબાદ સપડાઈ પણ જવા પામ્યા છે.

મૂળ મુદ્દો એ છે કે જો PAASનાં કેટલાક આગેવાનો ભાજપનાં દબાણમાં આવી હાર્દિક સાથે બેવફાઈ કરતા હોય તો તેઓ સમાજ અને ગુજરાતભરનાં લોકોનાં દોષી બની રહ્યા છે. પાટીદારો માટે અનામતની લડાઈ શરૂ કરી શું મેળવ્યું તેનાં કરતાં પણ મહત્વનું છે કે ગુજરાતનાં રાજકારણમાંથી પાટીદારોનો એકડો કાઢી નાંખાવાની રાજરમત પર એક પ્રકારે અંકુશ તો આવ્યું જ છે. જે પ્રકારે કોંગ્રેસ મુસ્લિમોનો ઉપયોગ કરતી હતી તેવી જ રીતે ભાજપે પાટીદારોનાં ખભે ચઢી પાછલા 22 વર્ષથી ખોબે-ખોબે વોટ મેળવ્યા અને તેમનાં પર જ દંડા અને ગોળીઓનો વરસાદ થયો. જે પોષતું તે મારતું કહેવત બન્ને પક્ષે ચરિતાર્થ થઈ છે. એવુંય સમગ્ર પાટીદાર સમાજ ભાજપથી વિમુખ થયો છે પરંતુ ભાજપના પાટીદાર વોટમાં મોટું ગાબડું પડી ગયું છે.

જે લોકો વેચાઈ રહ્યા છે એ દોષી છે જ તો સાથો સાથ જે લોકો ખરીદી રહ્યા છે તે પણ દોષી છે. આજકાલ બહુ ફેમસ સોન્ગ છે કે સોનુ તને મારા પર ભરોસો નંઈ કે...આ સોન્ગને એવી રીતે કહેવું પડે કે ભાજપ તને પોતાના પર ભરોસો નંઈ કે? ભાજપનાં કેટલાક નેતાઓ ખરીદ-વેચાણમાં પડ્યા હોય તો તેઓ પણ ચોક્કસ ગુનેગાર બની રહ્યા છે. કારણ કે વર્ષો જૂના સંગઠનના આ રીતે લીરેલીરા થઈ રહ્યા છે અને સમાધાન અને પતાવટના કિસ્સાઓ ભાજપનાં કાર્યકરોમાં હતાશા અને એક પ્રકારે રોષ જન્માવી રહ્યા છે. માટે ખરીદીની સાઈડ ઈફેક્ટ ભાજપને દઝાડશે એ પણ મીનમેખ છે.

વિધાનસભા ચૂંટણીના કારણે ભાજપે ડેમેજ કન્ટ્રોલની વાત આગળ ધરી ઓપરેશન PAAS શરૂ કર્યું છે પરંતુ ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળું મારવા જેવી આ વાત બની રહી છે. હવે હાર્દિક પટેલ પોતે આવીને એવું કહે કે ભાજપને સપોર્ટ કરો તો જે ડેમેજ થયું છે તે હવે રિપેર થવાના ચાન્સીસ ઘટી ગયા છે. હાર્દિકની પૂછડીયા ટીમની વિકેટ ખંખેરી લેવાથી સ્થિતિ સુધારવાનાં બદલે વધુ બગડવાની સંભાવના વધુ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp