મનાલી પહોંચ્યા બાદ જુઓ કંગના રણૌત આદિત્ય ઠાકરે વિશે શું બોલી

PC: dnaindia.com

શિવસેના અને બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત વચ્ચે વિવાદ અટકતો નજરે પડી રહ્યો નથી. કંગના સતત મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના પર હુમલો કરી રહી છે. મુંબઈમાં 5 દિવસ વિતાવ્યા બાદ કંગના સોમવારે મનાલી પહોંચી હતી. ત્યાં જઈને કંગનાએ ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર તીખા પ્રહાર કર્યા છે. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની બેઝિક સમસ્યા એ છે કે, મેં આખરે કેમ મુવી માફિયા, સુશાંત સિંહ રાજપુતના હત્યારા અને ડ્રગ રેકેટને એક્સપોઝ કર્યા, જેમની સાથે તેમનો પુત્ર આદિત્ય ઠાકરે હરતો-ફરતો હતો. મેં ઘણો મોટો અપરાધ કરી દીધો છે અને અત્યારે તેઓ મને ફિક્સ કરવા માંગે છે. ઓકે તમે પ્રયત્ન કરો. જોઇએ છીએ કોણ કોને ફિક્સ કરે છે.’

ઉલ્લેખનીય છે કે, કંગના રણૌત 9 સપ્ટેમ્બરે પોતાના મુંબઈવાળા ઘરે ગઈ હતી. કંગના રણૌતે આરોપ લગાવ્યો હતો કે, શિવસેના સાથેના ઘર્ષણના કારણે મહારાષ્ટ્ર સરકાર તેને નિશાનો બનાવી રહી છે. શિવસેનાની આગેવાનીવાળી BMCએ બુધવારે કંગનાના બાંદ્રા સ્થિત બંગલામાં કેટલાક ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું હતું. જોકે પછીથી બોમ્બે હાઈકોર્ટે કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર બાબતે કંગનાના હાલના નિવેદનથી વિવાદ ઊભો થઈ ગયો છે. તેણે દાવો કર્યો હતો કે, તે મુંબઈમાં અસુરક્ષિત અનુભવે છે. ત્યારબાદ શિવસેનાના નેતા સંજય રાઉતે તેને મુંબઈ પાછી ન આવવા કહ્યું હતું. રાઉતના આ નિવેદન બાદ એક્ટ્રેસ કંગના રણૌતે મુંબઈની સરખામણી પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીર (PoK) સાથે કરી હતી.

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઈના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પરિવારવાદનો મુદ્દો ગરમાયો હતો. શરૂઆતમાં સુશાંતના કેસમાં કેટલાક એક્ટરો અને ડાયરેક્ટરો પર કેસ પણ નોંધાયા હતા. ત્યારબાદ સુશાંતના પિતા કે. કે. સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટના પોલીસમાં કેસ નોંધાવ્યા બાદ આ કેસમાં નવો જ વળાંક આવ્યો હતો. હવે આ કેસમાં NCB, ED અને CBI તપાસ કરી રહી છે. આ કેસમાં હવે ડ્રગ્સ એંગલ સામે આવ્યું છે અને તેમાં રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ પણ કરવામાં આવી છે. રિયા પણ હવે NCBની કસ્ટડીમાં છે અને NCB તેની વધુ પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp