આસામની જગ્યાએ બંગાળ મોકલો ધારાસભ્યોને, સારી મહેમાનગતિ કરીશુ: મમતા બેનર્જી

PC: indianexpress.com

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બળવો કરનારા ધારાસભ્યો પર કટાક્ષ કર્યો છે. તેમણે એમ કહી દીધું કે, બળવો કરનારા ધારાસભ્યોને આસમાની જગ્યાએ પશ્ચિમ બંગાળ મોકલી દેવા જોઈએ, તેમની સારી મહેમાનગતિ કરવામાં આવશે. મમતા બેનર્જી કહે છે કે, મહારાષ્ટ્રમાં અત્યારે જે થઈ રહ્યું છે તે હેરાન કરનારું છે. આ ધારાસભ્યોને આસામની જગ્યાએ પશ્ચિમ બંગાળ મોકલી દેવા જોઈએ. અમે તેમની સારી મહેમાનગતિ કરીશું.

મુખ્યમંત્રી મમતા બેનર્જી કહે છે કે, ભારતમાં હવે લોકતંત્ર કામ પણ કરે છે, તેના પર શંકા છે. ક્યાં છે લોકતંત્ર? શું આવી જ રીતે ચૂંટાયેલી સરકારો પર બુલડોઝર ચાલી જશે? આપણને લોકો માટે ન્યાય જોઈએ, ઉદ્ધવ ઠાકરે માટે ન્યાય જોઈએ. તેમનું શું છે, અત્યારે મહારાષ્ટ્રમાં સરકાર પાડી રહ્યા છે, પછી બીજા રાજ્યોમાં પણ પ્રયત્ન કરશે. આ સમયે કોંગ્રેસ અને કેટલાક બીજા વિપક્ષ ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીના કારણે મહારાષ્ટ્રમાં સરકાર પાડવાનો પ્રયત્ન કરાવમાં આવી રહ્યો છે.

હવે તેના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ એમ જ માને છે કે ભાજપ પાસે નંબર જ નથી, જેના કારણે મહારાષ્ટ્રમાં સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીએ અહીં સુધી આરોપ લગાવી દીધો કે આ સમયે કેન્દ્રમાં ભાજપની સરકાર છે એટલે તેમના ધારાસભ્યો, નેતાઓ પર કોઈ કાર્યવાહી થઈ રહી નથી. તેઓ કહે છે કે, મારી પાર્ટીના 200 લોકોને CBI, EDએ નોટિસ આપી રાખી છે, પરંતુ ભાજપને કશું જ થતું નથી. તેમની પાસે પૈસાનો કોઈ હિસાબ નથી, શું તેને હવાલો નહીં કહેવાય?

તેમણે કહ્યું કે, શું તે એક કૌભાંડ નથી કે કેન્દ્રમાં બેઠી પાર્ટી બેફામ ધારાસભ્ય ખરીદી રહી છે. મુખ્યમંત્રીએ ભાજપને ચેતવણી આપી છે કે, ભવિષ્યમાં એવો સમય પણ આવશે જ્યારે તેઓ સત્તામાં નહીં રહે, જ્યારે કોઈ બીજું સરકારમાં હશે. તેમનું કહેવું છે કે, જ્યારે તમે સત્તામાં છો તો પૈસા સાથે રમી રહ્યા છો, જરા વિચારો તમે સત્તામાં નહીં રહો ત્યારે શું થશે. મહારાષ્ટ્રના રાજકીય સંકટની વાત કરીએ તો અત્યારે પણ એકનાથ શિંદે બળવો કરનારા ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં છે. તેમની તરફથી શક્તિ પ્રદર્શન પણ કરી દેવામાં આવ્યું છે. અત્યારે તેમના સમર્થનમાં કુલ 42 ધારાસભ્ય દેખાઈ રહ્યા છે, તેમાં શિવસેનાના 35 ધારાસભ્ય અને અપક્ષના 7 બતાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp