પાંચ મહિનાથી કોરોના ન હતો, ભાજપ બહારથી લોકોને લાવ્યા અને ફેલાઈ મહામારીઃ CM મમતા

PC: amarujala.com

કોરોના વાયરસે દેશમાં રીતસરનો કહેર વર્તાવ્યો છે. દિવસે દિવસે એક્ટિવ કેસની સંખ્યા લાખોમાં આવી રહી છે. બીજી તરફ રિક્વરી રેટ પણ ઘટી રહ્યો છે. આ માહોલ વચ્ચે પશ્ચિમ બંગાળમાં બાકી રહેલા મતદાન અંગે આયોગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ તથા રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં કોરોના ફેલાવવાનો આરોપ ભાજપ પર મૂક્યો છે. નૌપાડામાં પક્ષની એક રેલીમાં દીદીએ કહ્યું હતું કે, પાંચ મહિનાથી કોઈ કોરોના ન હતો. ભાજપ બહારથી લોકોને લાવ્યો અને એમનો કોરોના ટેસ્ટ પણ ન કરાવ્યો. જે લોકો બહારથી પશ્ચિમ બંગાળમાં આવી રહ્યા છે એનો કોરોના ટેસ્ટ થવો જોઈએ. બાહરથી લોકો આવી રહ્યા છે અને કોરોના ફેલાવી રહ્યા છે. જ્યારે અમારા લોકો મૃત્યુ પામશે તો એ લોકો અમારા પર આરોપ મૂકશે. બીજી તરફ ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં સત્તામાં રહેલી તૃણમુલ કોંગ્રેસ તુચ્છ રાજકીય સ્વાર્થ માટે લોકોના મોત પર રાજકારણ રમી રહી છે. શરમ આવવી જોઈએ.ભાજપ તરફથી એક ઓડિયો ક્લિપ જાહેર થયા બાદ પશ્ચિમ બંગાળમાં મોટો વિવાદ થયો છે.

આ ઓડિયો ક્લિપમાં દીદી કુચબિહારના સીતલકુચીથી તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર સાથે એવું કહેતા સંભળાય છે કે, તા.10 એપ્રિલના રોજ મતદાન દરમિયાન CISFના ફાયરિંગમાં માર્યા ગયેલા ચાર વ્યક્તિઓના મૃતદેહ સાથે રેલી કાઢો. તૃણમુલ કોંગ્રેસે આ ઓડિયો ક્લિપ ખોટી હોવાનો દાવો કર્યો છે. આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ પ્રકારની કોઈ વાત થઈ નથી. અમે આ પ્રકારની કોઈ ઓડિયો ક્લિપને સમર્થન ન કરી શકીએ. જે પાંચમા તબક્કાના મતદાન પહેલા જાહેર કરવામાં આવી છે.

મમતા બેનર્જી અને ઉમેદવાર પાર્થ પ્રતિમ રાય વચ્ચે ટેલિફોનિક વાતચીતના અંશ જાહેર કરતા ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ દાવો કર્યો કે, પોતાના પક્ષના નેતાઓના મૃતદેહ સાથે રેલી કાઢીવાની વાત કરીને હુલ્લડ કરવા પ્રયત્નો કરી રહી છે. હિંસા માટે ઉશ્કેરી રહી છે. મામલો ત્યાં સુધી આગળ વધી ગયો છે કે, પોલીસ અધિક્ષક અને કેન્દ્રીય દળના કર્મચારીઓ બંનેને ફસાવી શકાય. શું કોઈ મુખ્યમંત્રી પાસેથી આવી આશા રાખી શકાય? લઘુમતી કોમના મત મેળવવા માટે તે આ પ્રકારનો ભયનો માહોલ ઊભો કરવા પ્રયાસ કરે છે. તા.10 એપ્રિલના રોજ કુચબિહાર જિલ્લાના સીતલકુચીમાં સ્થાનિકોએ હુમલો કર્યો હતો અને રાઈફલ ઝૂંટવી લેવા પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ કેન્દ્રીય દળે ફાયરિંગ કરતા ચાર વ્યક્તિના મોત થયા હતા. જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp