26th January selfie contest
BazarBit

મંત્રી કુંવરજી બાવળિયાએ, મંજૂરી ન હોવા છતા કર્યું જિમનું ઉદઘાટન

PC: youtube.com

રાજ્યમાં સરકાર દ્વારા માત્ર જનતા માટે જ નિયમો બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે જો કોઈ સામાન્ય નાગરિક રસ્તા પર માસ્ક પહેર્યા વગર નીકળે અથવા તો સામાજિક અંતરનું પાલન ન કરે તો પોલીસ, નગરપાલિકા કે, મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તે વ્યક્તિ પાસેથી નિયમ ભંગ બદલ દંડની વસૂલાત કરવામાં આવે છે પરંતુ અવાર-નવાર રાજકીય પક્ષના નેતાઓ દ્વારા કોઈ કાર્યક્રમ અથવા તો વિરોધના બહાને લોકોને એકઠા કરવામાં આવે છે અને નેતાઓ દ્વારા માસ્ક અથવા તો સામાજિક અંતરના નિયમોનો ભંગ કરવામાં આવે છે પરંતુ પોલીસ દ્વારા નેતાઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવતી નથી. ત્યારે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયા ફરી વિવાદમાં આવ્યા છે. રાજ્ય સરકારે 1 ઑગસ્ટથી અનલોક-3માં જીમ જેવી સુવિધાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે પરંતુ 1 ઓગસ્ટ પહેલાં જ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા એક જિમનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટ અનુસાર હાલ અનલોક-2માં રાજ્ય સરકારે જિમને ખોલવા માટે મંજૂરી આપી નથી પરંતુ અનલોક-3નું પાલન થશે ત્યારથી રાજ્યમાં જિમને ખોલવાની મંજૂરી છે પરંતુ હાલ અનલોક-3 પહેલા જ ગુજરાત સરકારના મંત્રી એવા કુંવરજી બાવળીયાએ જસદણમાં એક જિમનું ઉદ્ધઘાટન કર્યું હતું. ઉદ્ધઘાટન કરવાની સાથે-સાથે મંત્રી કુંવરજી બાવળીયાએ જિમમાં કસરતો પણ કરી હતી. જિમનું ઉદ્ધઘાટન કરતા મંત્રી કુંવરજી બાવળિયાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

હાલ રાજ્યમાં જિમ શરૂ કરવા માટેની મંજૂરી ન હોવા છતાં પણ જસદણમાં મંત્રી કુંવરજી બાવળિયાએ જિમનું ઉદ્ધઘાટન કરતા મંત્રી વિવાદમાં આવ્યા છે. ત્યારે આ ઘટના પરથી સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કે, સરકાર નિયમો માત્ર જનતા માટે જ બનાવી રહી છે. સરકારના પ્રતિનિધિઓ દ્વારા અવાર-નવાર નિયમોનો ભંગ કરવામાં આવે છે. થોડા દિવસો પહેલાં જ્યારે અમરેલીમાં PAASના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા ત્યારે ભાજપના નેતાની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થયા હતા. તો બીજી તરફ જ્યારે નવસારીના સાંસદ સી. આર. પાટીલને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે પણ તેમના સ્વાગતમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. સાંસદ સી. આર. પાટીલ અને ભાજપના કાર્યકર્તાઓના સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને પાડવામાં આવ્યા હોય તેવા ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે આ ઘટના ઉપરથી જ સ્પષ્ટ પણે દેખાઇ રહયું છે કે, ગુજરાતમાં જનતા જો નિયમ ભંગ કરે તો તેની પાસેથી જ દંડ વસૂલાત કરવામાં આવે. મંત્રીઓને દંડમાંથી છૂટછાટ આપવામાં આવી રહી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp