ટિકિટ ન મળતા નારાજ જોશી, કહ્યુ- BJP ઓફિસ જઈને નહીં કરીશ ચૂંટણી ન લડવાની જાહેરાત

PC: outlookindia.com

સત્તામાં ટકી રહેવા માટે ભારતીય જનતા પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. 2019ની જીત સુનિશ્ચિત કરવા માટે પાર્ટી પસંદગીના ઉમેદવારોને જ ટિકિટ આપી રહી છે. પરંતુ, આ જ કારણોસર BJPના દિગ્ગજ નેતાઓ જ પાર્ટીથી નારાજ થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર, લાલકૃષ્ણ અડવાણીની જેમ જ BJPએ વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ટિકિટ ન આપવાનું મન બનાવી લીધુ છે. જ્યારે પાર્ટી તરફથી સંગઠન મહાસચિવ રામલાલે તેમને આ વાતની જાણકારી આપી તો તે સાંભળીને તેઓ નારાજ થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, સોમવારે BJPના સંગઠન મહાસચિવ રામલાલે BJPના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી હતી. રામલાલે મુરલી મનોહર જોશીને કહ્યુ હતુ કે, પાર્ટીએ નક્કી કર્યું છે કે, તમને ચૂંટણીમાં ટિકિટ આપવામા ન આવે. રામલાલે કહ્યુ હતુ કે, પાર્ટી ઈચ્છે છે કે તમે પાર્ટી ઓફિસ આવીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરો. જોકે, પાર્ટીની આ અપીલને મુરલી મનોહર જોશીએ નકારી દીધી હતી. જોશીએ કહ્યુ હતુ કે, આ પાર્ટીના સંસ્કાર નથી, જો પાર્ટીએ મને ચૂંટણીમાં ન ઉતારવાનો નિર્ણય લીધો હોય તો પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આવીને અમને આ અંગે જાણકારી આપવી જોઈતી હતી. મુરલી મનોહર જોશીએ સ્પષ્ટપણે કહી દીધુ હતુ કે, તેઓ પાર્ટી ઓફિસે આવીને તેની જાહેરાત નહીં કરશે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ રામલાલે જ લાલકૃષ્ણ અડવાણી, કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરીને અને શાંતા કુમાર, કરિયા મુંડા સાથે ફોન પર વાત કરીને તેમને ટિકિટ ન આપવાના નિર્ણય અંગે જાણકારી આપી હતી. ત્યારે પણ રામલાલે આ નેતાઓને સૂચિત કર્યા હતા કે તેઓ પોતાની તરફથી ચૂંટણી ન લડવાની જાહેરાત કરે. પરંતુ, લાલકૃષ્ણ અડવાણી પણ મુરલી મનોહર જોશીની જેમ જ તૈયાર થયા નહોતા. તેમણે પણ એવુ જ કહ્યુ હતુ કે, પાર્ટી તેમને ટિકિટ આપવા નથી ઈચ્છતી તો પાર્ટી અધ્યક્ષ અમિત શાહે જાતે આવીને પાર્ટીના નિર્ણય અંગે જાણકારી આપવી જોઈતી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp