26th January selfie contest

PM મોદી વિપક્ષ પર વરસ્યા, કહ્યું- ‘આ ચોકીદાર એક પણ ચોરને નહીં છોડે’

PC: narendramodi.in

લોકસભા ચૂંટણીને પગલે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ દ્વારા બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા વિપક્ષને આડેહાથ લીધું હતું. PM મોદીએ જણાવ્યું કે, ઈતિહાસમાં પ્રથમ વખત થયું છે કે, સરકાર પર ભ્રષ્ટાચારનો કોઈ પણ આરોપ લાગ્યો નથી. આ અંગે આપણને ગર્વ થવો જોઈએ. દેશના 16 રાજ્યોમાં આપણી સરકાર છે અથવા તો આપણા સહયોગીઓની સરકાર છે, જેમાં તમારુ અમૂલ્યો યોગદાન છે.

 સપા-બસપા ગઠબંધનની આલોચના કરી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, એક સમયે રાજનીતિક પાર્ટીઓ કોંગ્રેસની વિચારધારાનો વિરોધ કરતા હતા. આજે તેઓ એક થઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસના મોટા-મોટા નેતાઓ જામીન પર છે, ત્યારે આવી પાર્ટીઓ કોંગ્રેસ આગળ શરણાગતિ સ્વીકારી રહી છે. આ દેશના મતદાતાઓને દગો દેવાનો પ્રયાસ છે.

અનામત પર શું કહ્યું?
ગરીબ સવર્ણોને શિક્ષા અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત નવા ભારતના નિર્માણ માટે આત્મવિશ્વાસ વધારનારુ પગલું છે. આ માત્ર અનામત નથી, પરંતુ નવો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની કોશિષ છે. અગાઉ જેમને આરક્ષણની સુવિધા મળી રહી હતી, તેમના હક્ક સાથે છેડછાડ કર્યા વિના ભાજપ સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
અમારા પહેલા જે સરકાર હતી, તેના કાર્યકાળમાં દેશ અંધારામાં ધકેલાઈ ગયો હતો. ભારતે 2004થી 2014ના 10 વર્ષ ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો સામનો કર્યો હતો. અયોધ્યા વિષયમાં કોંગ્રેસ પોતાના વકીલો દ્વારા કોર્ટની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસ નથી ઈચ્છતી કે, અયોધ્યા વિવાદનો ઉકેલ આવે.

નેશનલ હેરાલ્ડ અને CBI પર શું બોલ્યા?
કોંગ્રેસને આજે CBI સ્વીકાર્ય નથી. તેમના મતે આર્મી, પોલીસ, સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ તમામ ખોટા છે, માત્ર તેઓ એકલા જ સાચા છે. શું આપણે દેશને તેમના ભરોસે છોડી શકીએ? ગાંધી પરિવાપ દેશની સિસ્ટમનો કેવી રીતે દૂરુપયોગ કરે છે, તેનું ઉત્તમ ઉદાહરણ નેશનલ હેરાલ્ડ છે. આ કેસમાં તેમના અધ્યક્ષ જામીન પર બહાર ફરી રહ્યા છે. આ કેસ દ્વારા જાણી શકાય છે કે, કોંગ્રેસના નેતાઓ જનતા રુપિયા અને જમીન પચાવી પાડે છે. કોંગ્રેસ જાણી લે, આ ચોકીદાર કોઈને નહીં છોડે.

ખેડૂતો પર શું બોલ્યા?
જ્યારે આપણે ખેડૂતોની સમસ્યાના સમાધાનની વાત કરીએ તો, આપણે અગાઉની સચ્ચાઈનો સ્વીકાર પણ કરવો જોઈએ. પહેલાની સરકારે ખેડૂતોની સમસ્યાના સમાધાનની જગ્યાએ ખેડૂતોને માત્ર મતદાતા બનાવીને રાખ્યા હતા. અમે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા માંગીએ છીએ.

પૂર્વ વડાપ્રધાન અટલજીને કર્યા યાદ
તેમણે જણાવ્યું કે, આ પ્રથમ રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકો છે, જે અટલજી વિના થઈ રહી છે. તે જ્યાં પણ હશે, ત્યાંથી પોતાના બાળકોનો દેશ પ્રત્યે સમર્પણ જોઈને સંતોષ થશે. જો સ્વતંત્રતા બાદ સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન હોત અને 2000ની ચૂંટણી બાદ અટલજી વડાપ્રધાન બન્યા હોત, તો ભારત આજે ક્યાંય આગળ હોત.

યોજનાઓના નામકરણ પર શું કહ્યું?
વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવે છે કે, અમે માત્ર યોજનાઓના નામ જ બદલ્યા છે. તેમને પૂછવા માંગુ છું કે, એવી કેટલી યોજનાઓ છે, જે નરેન્દ્ર મોદીના નામે ચાલે છે? શું આયુષ્યમાન ભારત યોજના આગળ નરેન્દ્ર મોદી લખ્યું છે? આવી જ રીતે ભારત માલા, સાગર માલા કે ઉજ્જવલા યોજના શું નરેન્દ્ર મોદીના નામે ઓળખાય છે?

મોંઘવારી પર શું કહ્યું?
અગાઉ દાળની કિંમતોને લઈને ખૂબ જ હોબાળો કરવામાં આવતો હતો. હવે એટલા ભાવ ઘટી ગયા છે કે, ટીવી પર દાળની કિંમતો અંગે કોઈ બ્રેકિંગ ન્યૂજ નથી આવ્યા. આ બધુ અમારી સરકારની નવી નીતિઓના કારણે જ શક્ય બન્યું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp