મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનનો નિર્ણય PM મોદી-શાહના દબાણથી લેવાયોઃ દિગ્વિજય

PC: oneindia.com

મહારાષ્ટ્રમાં સત્તાના મહાસંગ્રામ વચ્ચે મંગળવારે જ્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે ત્યાં કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંહે આ મુદ્દે પોતાનું ફરી એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો નિર્ણય વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના દબાણથી લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના કાનપુરના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના રાજ્યપાલે જે પ્રક્રિયા શરુ કરી હતી તે એકદમ યોગ્ય હતી. સૌ પ્રથમ સૌથી મોટી પાર્ટી અને ત્યાર બાદ બીજા નંબરની મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે હાંકલ કરી હતી.

ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટીને છેક સાંજે સાડા આઠ વાગ્યે આમંત્રણ દેવામાં આવ્યું. પછી બપોરે એવું તે શું થયું કે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી કેન્દ્ર સરકારે આપી દીધી. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, નિયમ અને કાયદા અનુસાર સ્પષ્ટ બહુમતી ન હોવાની સ્થિતિમાં સૌથી મોટી રાજકીય પાર્ટીને સરકાર બનાવવાનો મોકો આપવો જોઈએ. જોકે, ભાજપે ગોવા, મણિપુર, મેઘાલયમાં પણ આ પ્રકારની કોઈ પ્રક્રિયા અનુસરી ન હતી. અંતે જે ફેરફાર થયો તે નિશ્ચિત રીતે વડા પ્રધાન મોદીના દબાણથી લેવાયો છે. જેની સામે મને વાંધો છે. છેલ્લા 15 દિવસથી મહારાષ્ટ્રમાં ચાલતી રાજકીય ઉથલપાથલને ધ્યાને લેતા રાષ્ટ્રપતિએ આ માટે મંજૂરી આપી દીધી હતી.

રાજ્યપાલે ભગતસિંહ કોશ્યારીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ પણ પક્ષ સરકાર બનાવી શકે એવી કોઈ સ્થિતિમાં નથી. તેથી અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવું જોઈએ. આ પહેલામાં મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ પહેલા રાજ્યપાલે શિવસેના, ભાજપ અને NCPને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજ્યપાલ તરફથી દેશના ગૃહમંત્રાલયને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાજકીય સમીકરણ જોતા સરકાર રચાય એવું લાગતું નથી. પરિસ્થિતિ વધુ મુશ્કેલીભરી બનતી જાય છે. પછીથી રાજ્યપાલે 356 કલમનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ શાસન માટેની ઈચ્છા વ્યક્ત કરી.

મોદી સરકાર સામે એ જ લડી શકે છે કે, જેની પર ED અને CBIના કોઈ કેસ ન ચાલતા હોય. કારણ કે, સરકાર આ તપાસ એજન્સીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. ઈવીએમની મદદથી બનેલી મોદી સરકારની મજુર વિરોધી નીતિ સામે એ જ લડી શકે છે જેની સામે ED અને CBIની કોઈ તપાસ ન ચાલું હોય. કારણ કે સરકાર ઈન્કમટેક્સનો પણ હથિયારની જેમ ઉપયોગ કરે છે. અમિત શાહ અને મોદીનું આઝાદીની લડાઈમાં કોઈ યોગદાન નથી. તેથી તેઓ સરદાર સાહેબની મૂર્તિ બનાવીને જશ ખાટી રહ્યા છે. કેન્દ્રમાં મજૂર વિરોધી સરકાર બેઠી છે. સાર્વજનિક ઉપકરણ વેચવાની સરકાર વાતો કરે છે. જાહેર ક્ષેત્ર બરબાદ થઈ ગયું છે.

સરદાર પટેલ દૂધ ઉત્પાદકો પર ટેક્સ લગાવવાના સમર્થનમાં ન હતા. પણ ભાજપ સરકારે એમના ઉપર પણ ટેક્સ ઝીંકી દીધો. BSNLના 70 હજાર કર્મચારીઓ VRSલેવાની તૈયારીઓમાં લાઈનમાં ઊભા છે. કાનપુર એક સમયે દેશનું માનચેસ્ટર ગણાતું હતું પણ અહીં કાપડ ઉદ્યોગ મૃત અવસ્થામાં છે. કેન્દ્ર સરકાર ઉદ્યોગોને ઊભા કરવાના નામે શ્રમિકોના કામના કલાક આઠના બદલે નવ કરવાની તૈયારીમાં છે. જ્યારે જાપાન જેવા દેશમાં માત્ર અઠવાડિયાના ચાર જ દિવસ કામ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp