પશ્ચિમ બંગાળમાં 3 રેલી કર્યા બાદ સાંજે PMએ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી

PC: PIB

17 એપ્રિલે PM નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં 3 રેલીને સંબોધિત કરીને સાંજે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રવર્તમાન કોવિડ-19 મહમારીને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા માટે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દવાઓ, ઓક્સીજન, વેન્ટિલેટર્સ અને વેક્સીનેશન જેવા વિવિધ પરિબળો પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે ગયા વર્ષે એકસાથે મળીને કોવિડને હરાવ્યો હતો અને ભારત ફરી આ જ સિદ્ધાંતોનું પાલન કરીને ફરી કરી શકે છે પરંતુ તેની ઝડપ અને સંકલન બંનેની ગતિ વધારવી પડશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટનો કોઇ જ વિકલ્પ નથી. મૃત્યુદર ઘટાડવા માટે વહેલી તકે પરીક્ષણ અને યોગ્ય ટ્રેકિંગ હજુ પણ ખૂબ જ મહત્વના છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્થાનિક પ્રશાસકોએ લોકોની ચિંતા બાબતે સક્રીય અને સંવેદનશીલ થવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, મહામારીને નિયંત્રણમાં લેવા માટે રાજ્યો સાથે ઘનિષ્ઠતાપૂર્વકનું સંકલન થાય તે સુનિશ્ચિત કરવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, કોવિડના દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા વધારવા માટે તમામ જરૂરી પગલાં અવશ્ય લેવામાં આવે. પ્રધાનમંત્રીએ એવા પણ નિર્દેશો આપ્યા હતા કે, અસ્થાયી હોસ્પિટલો અને આઇસોલેશન કેન્દ્રો દ્વારા વધારાના બેડ પૂરાં પાડવાનું પણ સુનિશ્ચિત કરવું જોઇએ.

પ્રધાનમંત્રીએ વિવિધ દવાઓની વધતી માંગને પૂરી કરવા માટે ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની પૂર્ણ શક્તિઓની ઉપયોગ કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. તેમણે રેમડેસીવીર અને અન્ય દવાઓના પૂરવઠાની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીને રેમડેસિવીરની ઉપલબ્ધતાની સમસ્યાઓ દૂર કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. સરકારના પ્રયાસો દ્વારા રેમડેસિવીરના ઉત્પાદન માટે ક્ષમતા અને ઉત્પાદન વૃદ્ધિમાં વધારો કરવામાં આવ્યો છે જેથી મે મહિનામાં 74.10 લાખ શીશી/મહિનાના ધોરણે ઉપલબ્ધ કરાવી શકાય જ્યારે જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં સામાન્ય ઉત્પાદન 27-29 શીશી/મહિનાનું હતું. પૂરવઠામાં પણ વધારો કરવામાં આવ્યો છે જે 11 એપ્રિલના રોજ 67,900 શીશીની સરખામણીએ 15 એપ્રિલ 2021ના રોજ વધારીને 2,06,000 શીશી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જ્યાં કેસોનું ભારણ ખૂબ વધારે હોય અને જ્યાં મોટાપાયે માંગ હોય તેવા રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેમણે વધારવામાં આવેલી ઉત્પાદન ક્ષમતાની નોંધ લીધી હતી અને રાજ્યો સાથે સંકલન કરીને વાસ્તવિક સમયમાં પૂરવઠા શ્રૃખંલાના વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓને તાકીદના ધોરણે ઉકેલવી જોઇએ તેવા નિર્દેશો પણ આપ્યા હતા. પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, રેમડેસિવીર અને અન્ય દવાઓનો ઉપયોગ માન્યતા આપેલી તબીબી માર્ગદર્શિકાઓના અનુપાલન સાથે જ થવો જોઇએ અને એવું પણ કહ્યું હતું કે, આના દુરુપયોગ અને કાળાબજારને સખતપણે ડામવાની જરૂર છે.

મેડિકલ ઓક્સીજનના પૂરવઠાના મુદ્દે પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, માન્યતા પ્રાપ્ત મેડિકલ ઓક્સીજન પ્લાન્ટ્સના ઇન્સ્ટોલેશનની કામગીરીમાં ઝડપ વધારવામાં આવે. PM CARESથી 32 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 162 PSA ઓક્સીજન પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યાં છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે, 1 લાખ સિલિન્ડરની ખરીદી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં રાજ્યોને તે પૂરાં પાડવામાં આવશે. અધિકારીઓએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે, તેઓ વર્તમાન તેમજ ભાવિ મેડિકલ ઓક્સીજનની જરૂરિયાતનું મૂલ્યાંકન કરીને ખૂબ જ વધારે ભારણ ધરાવતા 12 રાજ્યોમાં સતત પૂરવઠો પહોંચાડી રહ્યાં છે. ઉંચુ ભારણ ધરાવતા 12 રાજ્યોમાં 30 એપ્રિલ સુધીનો પૂરવઠા મેપિંગ પ્લાન પણ હાથ ધરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, મહામારીને નિયંત્રણમાં લેવા માટેની દવાઓ અને આવશ્યક ઉપકરણોના ઉત્પાદન માટે જરૂરી ઓક્સીજનનો પૂરવઠો પણ સતત થતો રહે તે સુનિશ્ચિત કરવું જોઇએ.

પ્રધાનમંત્રીએ વેન્ટિલેટર્સની ઉપલબ્ધતા અને પૂરવઠાની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, વાસ્તવિક સમયમાં દેખરેખનું તંત્ર તૈયાર કરવામાં આવ્યું છે અને તેમણે નિર્દેશો આપ્યા હતા કે, સંબંધિત રાજ્ય સરકારોએ આ તંત્રનો સક્રીયપણે ઉપયોગ કરવા માટે આગ્રહી બનવું જોઇએ. વેક્સીનેશન મુદ્દે વાત કરતા પ્રધાનમંત્રીએ રસીનું ઉત્પાદન વધારવા માટે ખાનગી અને જાહેર બંને ક્ષેત્રમાં સમગ્ર દેશની તમામ ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે પ્રયાસો હાથ ધરવાના નિર્દેશો તમામ અધિકારીઓને આપ્યા હતા.

તેમની સાથે આ સમીક્ષા બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય આરોગ્ય સચિવ, ફાર્મા સચિવ જોડાયા હતા. આ બેઠકમાં નીતી આયોગના ડૉ. વી.કે. પૌલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp