દીકરાથી ભોંઠા પડેલા શંકરસિંહે જન્મદિવસની ઉજવણી ન કરી

PC: khabarchhe.com
રાજકારણમાં ચાણક્ય એવા શંકરસિંહ વાઘેલા દર વર્ષે પોતાનો જન્મદિવસ ધામધૂમથી રંગેચંગે ઉજવતા રહ્યાં છે. પરંતુ આ વખતે દીકરા મહેન્દ્રસિંહ સામે પોતાનું વચન પાળી નહીં શકતા તેઓ ભોઠાં પડી ગયા છે. જેના કારણે જન્મદિવસ ઉજવવાનું જ માંડી વાળ્યું હતું અને જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અજ્ઞાતવાસનો આશરો લીધો હતો. ગાંધીનગર નજીકનું તેમનું નિવાસ સ્થાન વસંત વગડો ખરા અર્થમાં વગડો ભાસતો હતો.

ગુજરાતના રાજકારણમાં અગ્રેસર અને ચર્ચામાં રહેલા શંકરસિંહ વાઘેલા (બાપુ)ના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપનો ભગવો ધારણ કરતા બાપુ નારાજ થયા હતા અને પત્રકાર પરિષદના માધ્યમથી પોતાના પુત્ર મહેન્દ્રસિંહને એક સપ્તાહમાં કાર્યકર્તા અને ટેકેદારોનું સમર્થન મેળવવા ચીમકી આપી હતી. તે સપ્તાહની મુદ્દત આજે પૂરી થઈ ગઈ હતી. પરંતુ જોગાનુજોગ આજે બાપુનો જન્મદિવસ છે. તો બીજી તરફ તેમણે આપેલી ચીમકીનો પણ અંતિમ દિવસ છે. ત્યારે આજે પોતાના જન્મદિવસમાં નહીં દેખાતા શંકરસિંહ અને મહેન્દ્રસિંહના સમર્થકો ગોટે ચડી ગયા છે. પરિણામે અનેક રાજકીય ચર્ચા વેગવંતી બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા કેટલાંય વર્ષોથી તેમના સત્તાવાર નિવાસસ્થાન 'વસંત વગડો' ખાતે દિવસ દરમિયાન શુભેચ્છકો અને તેમના સમર્થકો વચ્ચે રહીને જન્મદિવસની ઉજવણી કરતા આવ્યા છે. પરંતુ આજે પોતાનું વચન નહીં પાળી શકતા બાપુને અજ્ઞાતવાસનો આશરો લેવો પડ્યો છે.

તો બીજી તરફ રાજકીય વિશ્લેષકોના મત અનુસાર આ અગાઉ શંકરસિંહ વાઘેલાએ પોતાના રાજકીય ક્ષેત્રમાં જાહેરમાં ઘણી વખત અનેકવિધ વચનો અને ચીમકીઓ ઉચ્ચારી છે અને પાછળથી ફરી ગયા હોવાના અનેક કિસ્સાઓ જગ જાહેર છે. ત્યારે આજે ફરી એકવાર બાપુ પોતાનું વચન નહીં પાળી શકતા અજ્ઞાત વાસમાં ઉપડી ગયા છે.

તો બીજી તરફ મહેન્દ્રસિંહને બાપુએ આપેલી ચીમકીને પણ આજે સમર્થન મળતું નથી. આજે શંકરસિંહના જન્મ દિવસની ઉજવણી વાસણીયા મહાદેવ પાસે આવેલા તેમના શૈક્ષણિક કેમ્પસમાં વૃક્ષારોપણ કરીને સદગીથી કરવામાં આવી હતી. તો બીજી તરફ બાપુના અજ્ઞાત વાસથી અજાણ કેટલાંય સમર્થકો/શુભેચ્છકો બાપુની ડેલીએથી હાથ દઈ પાછા ફર્યા હતા.

જો કે શંકરસિંહ વાઘેલાના આ પ્રકારના રાજકીય પગલાંથી ગાંધીનગરમાં નવી ચર્ચાઓ ચકડોળે ચઢી છે. તો બીજી તરફ એમ મનાઈ રહ્યું છે કે રાજકારણમાં ચતુર શંકરસિંહ વાઘેલા આવનાર દિવસોમાં નવું નાટક કે પેંતરા લઈને રાજકીય ક્ષેત્રે જનતા વચ્ચે આવે તો નવાઈ નહીં. તો બીજી તરફ એમ મનાઈ રહ્યું છે કે પિતાનું વચન પાળવા મહેન્દ્રસિંહ તેમના ટેકેદારો/સમર્થકોની સમર્થન માટે મીટિંગ કરશે કે નહીં? આવી અનેક ચર્ચાઓ હાલતો યક્ષ પ્રશ્ન સર્જે છે. બાપુએ હવે પોતાના સમર્થકોને પણ ગુમાવી દીધા છે. જો દીકરો માનતો ન હોય તો સમર્થકો કે કાર્યકરો પણ હવે બાપુનું માનતા નથી. તેમના બન્ને ખભે આવકવેરાની અને CBIની બંદૂક કેન્દ્ર સરકાર દ્વારા મૂકી દેવામાં આવી છે ત્યારથી તેઓ દિલ્હીથી જે છૂપા આદેશ આવે છે તેનું પાલન માત્ર કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp