કોરોના પર સોનિયા ગાંધીના PM મોદીને 5 સૂચનો, કહ્યું- જાહેરાત બંધ કરી બચાવો પૈસા

PC: deccanherald.com

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને સરકાર તરફથી આ મહામારી સામે લડવા માટે ઘણા બધા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. થોડાં દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના નેતાઓ સાથે ફોન પર વાત કરી અને કોરોના સામે લડવા માટે તેમની સલાહ માંગી હતી. હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાનને ચિઠ્ઠી લખીને કેટલાક સૂચનો આપ્યા છે, જેના પર તાત્કાલિક ધોરણે અમલ કરવાની અપીલ કરી છે. સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા સાંસદોની સેલરીમાં 30 ટકાનો કાપ કરવાના નિર્ણયનું સમર્થન કર્યું છે. આ ઉપરાંત, વડાપ્રધાનની સામે 5 સલાહ-સૂચનો પણ રજૂ કર્યા છે, જે આ પ્રમાણે છેઃ

સરકાર દ્વારા ટીવી, પ્રિન્ટ અને ઓનલાઈન મીડિયાને આપવામાં આવેલી તમામ જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવવો જોઈએ. જો તેને 2 વર્ષ માટે બંધ કરી દેવામાં આવે તો તેના કારણે 1250 કરોડ રૂપિયા પ્રતિ વર્ષની જે બચત થશે, તેનો ઉપયોગ કોરોના સામે લડવા માટે કરવો જોઈએ.

સરકાર દ્વારા સરકારી બિલ્ડીંગમાં કન્સ્ટ્રક્શનના કામ માટે જે 20 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તેને અટકાવી દેવામાં આવે. મને વિશ્વાસ છે કે, સંસદની હાલની બિલ્ડિંગનું કામ કરવામાં આવી શકે છે, તે રકમમાંથી હોસ્પિટલમાં સુધાર, PPE જેવી સુવિધાની વ્યવસ્થા કરી શકાય છે.

સાંસદોના પેન્શન, સેલરીમાં જે 30 ટકાનો કાપ કરવામાં આવ્યો છે, તેનો ઉપયોગ મજૂરો, ખેડૂતો, નાના વેપારીઓને આર્થિક મદદ આપવા માટે કરી શકાય છે.

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, રાજ્યના મંત્રીઓ સહિત તમામ અધિકારીઓની વિદેશ યાત્રા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આવી યાત્રાઓમાંથી બચતા પૈસાનો ઉપયોગ કોરોના સામેની લડાઈ માટે કરી શકાય છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે, વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓની યાત્રાઓ પર પ્રતિબંધ મુકવાથી 393 કરોડ રૂપિયા બચી શકે છે.

પ્રધાનમંત્રી કેર્સમાં જેટલી પણ રકમ મદદના રૂપમાં આવી છે, તેને પ્રધાનમંત્રી રાહત કોષમાં ટ્રાન્સફર કરી દેવી જોઈએ. જેના કારણે પારદર્શિતા આવશે, પ્રધાનમંત્રી રાહત કોષમાં હાલ 3800 કરોડ રૂપિયા છે. એવામાં બંને ફંડની રકમ ભેગી કરીને તેનો ઉપયોગ કોરોના સામે લડવા માટે કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp